અધિરથ આ મુદ્દે પણ થોડો પરેશાન તો હતો જ. બહાર ભલે ગમે તેટલો ઠાઠમાઠ હોય પણ એની કંપનીમાં આર્થિક તાણ વર્તાઈ રહી હતી. માર્કેટમાં તો ઘણા મહિનાથી ઘુસપુસ ચાલુ થઇ ગયેલી. પરિણામે નવા પ્રોજેક્ટ્સ માટે પૈસા ઊભા કરવામાં તકલીફ થતી હતી. એમાં વળી બિલોરીની ધરપકડ થઈ ત્યારથી પરિસ્થિતિ વધુ વણસી ગયેલી.

જે કંપનીએ બનાવેલી ભારતીય પારિવારિક મૂલ્યો પર આધારિત સિરિયલ અત્યારે ટીવી પર ચાલી રહી હોય, એની 

‘સાંભળીને તમે શું કર્યું?' ‘મને લાગ્યું કે છોકરી કોઈ વાતે બિલોરીથી નારાજ થઇ હશે, એટલે આવું બોલતી હતી..... પણ પછી મેં એને સમજાવી કે દીદીને તારી જેલસી થતી હોત તો એ તને મનાલીથી મુંબઈ લાવી જ ન હોત. એ તો નાની બહેનનું ભલું જ ઇચ્છતી હતી.'

‘તમે કહ્યું અને એણે માની લીધું?' અધિરથ થોડું અચકાઈને બોલ્યો, ‘આઈ ડોન્ટ નો. એ છોકરીના દિમાગમાં શું ચાલતું હશે એ જાણવાનું મુશ્કેલ હતું.' ‘તમે આ વાત બિલોરીને કહી?' ‘ના, મને એવી જરૂર ન લાગી. સાંભળીને એ પાછી વધુ ગુસ્સે થાય, અને...' ‘વેઇટ, તમે કહ્યું કે વધુ ગુસ્સે થાય.

મતલબ બિલોરી ઉત્સવી પર ગુસ્સે તો હતી જ.....' સર, એવી કોઈ સિરિયસ વાત નહોતી. નાનીમોટી તકરાર તો બધાં ફેમિલીમાં ચાલ્યા જ કરતી હોય. બિલોરીનો સ્વભાવ આમ પણ સહેજ કડક હતો, અને ઉત્સવી હતી થોડી જીદ્દી.' ‘એટલે એમની તકરાર ચાલતી જ રહી?'

‘હા, મેં પછી મારી રીતે રસ્તો કાઢવાની કોશિશ કરી. ઉત્સવીને સમજાવી કે એને કંઈ પ્રોબ્લેમ થાય તો મારી પાસે આવીને કહેવાનું, બિલોરી તરફથી મળતા પોકેટમની એને ઓછા પડતા હોય તો હું એને થોડા વધુ એડિશનલ પૈસા આપીશ. એણે મને જીજાજીને બદલે ફ્રેન્ડ ગણવાનો હતો.'

‘બિલોરીને આ વાતની ખબર હતી?' ‘અંહ ના, પણ......'અધિરથ ખચકાયો. ‘પણ ઉત્સવીએ જ એને કહી દીધું. એક દિવસ મારી ગેરહાજરીમાં એમની વચ્ચે કંઈ ચણભણ થઇ તો ઉત્સવી એવું કંઈ બોલી ગઈ કે, તું નહિ આપે તો જીજુ પાસે માંગી લઈશ.' ‘તો તો પછી બિલોરી તમારા પર નારાજ થઇ હશે.' ‘હા, થોડી. પણ પછી મેં એને સમજાવી કે ઉત્સવી નાની, નાદાન હતી. એની સાથે ગુસ્સાને બદલે સમજાવટથી કામ લેવાની જરૂર હતી. અને....'

‘વેઇટ, તમે કહો છો કે ઉત્સવી ત્યારે નાની, નાદાન હતી. મતલબ પ્રાઈમરી સ્કૂલમાં ભણતી હતી?' ‘ના, ના. સ્કૂલિંગ અને પ્લસ ટુ તો એણે મનાલીમાં જ પૂરું કરી નાખેલું. પછી હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવા માટે એ મુંબઈ આવેલી.' ‘એટલે અઢાર ઓગણીસ વર્ષની તો હશે જ.'વાસુકિએ તારણ કાઢ્યું. ‘લગભગ'અધિરથે કબૂલવું પડ્યું ‘અર્થાત એ તદ્દન નાની ને નાદાન નહોતી.' ‘સાવ નાની તો નહિ પણ ટીન એજર હતી.......અને એ ઉંમરે છોકરાંઓને ક્યાં વધુ સમજ હોય છે?'

‘રાઈટ, એટલે જ તમે એ નાસમજનો ફાયદો ઉઠાવ્યો.' ‘વોટ ડુ યુ મીન?'અધિરથ ભડક્યો. ‘એ જ કે ઉત્સવી યંગ એન્ડ બ્યુટિફુલ હતી, શહેરમાં એનું પોતાનું કહેવાય, એવી માત્ર બિલોરી હતી, જેની સાથે એને બનતું નહોતું. મદદ કરી શકે એવી એકમાત્ર વ્યક્તિ એના જીજાજી હતા, જે ફ્રેન્ડ બની ગયેલા. હું એવું નથી કહેતો કે તમે એના પર જબરદસ્તી કરી હશે. કદાચ ઉત્સવીએ પહેલ કરી હશે, અને તમે મોકો ઝડપી લીધો.'

‘આઈ કાન્ટ બિલીવ ધીસ......તમે મારા પર ઉત્સવીને ફસાવવાનો આરોપ મૂકો છો?'અધિરથનો અવાજ ઊંચો થઇ ગયો. અને પછી એની આંખમાંથી તણખા ઝર્યા. ‘આવું તમને બિલોરીએ કહ્યું?' વાસુકિએ માત્ર ખભા હલાવ્યા. બિલોરીએ હજી સુધી આવું કંઈ નહોતું કહ્યું. પણ વાસુકિએ અંધારામાં મારેલું તીર કદાચ નિશાને લાગી ગયેલું.

‘ધેટ વુમન ઈઝ સીક, રિયલી સીક 'અધિરથ બબડ્યો, અને પછી વગર પૂછ્યે એણે બોલવાનું શરૂ કર્યું, ‘એવું કઈ નહોતું પણ બિલોરીના દિમાગમાં વહેમ પેસી ગયેલો. અમારી ફેમિલી લાઈફ પર એની અસર થવા લાગેલી. મેં કંટાળીને ઉત્સવીને પાછી મનાલી, કે હોસ્ટેલમાં મોકલી દેવાનું પણ કહ્યું. જોકે એવું થયું જ નહિ. હવે લાગે છે કે,કદાચ ઉત્સવીએ બિલોરીનું જૂઠાણું બહાર પાડી દેવાની ધમકી આપી હશે.'
‘તમને પણ ઉત્સવી કોઈ વાતે ડરાવતી હતી?'

‘ના, કઈ વાતે?' ‘કદાચ એને તમારા કોઈ અન્ડરહેન્ડ,ગેરકાનૂની કહેવાય એવા બિઝનેસ ડીલિંગ વિષે ખબર પડી ગઈ હશે, જેના આધારે એ તમને બ્લેકમેઈલ કરતી હતી....'

‘નારે, ઊલટું ચારેક વરસ પહેલાં અમે જે નવી કંપની શરૂ કરી, એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઉત્સવી હતી.' ‘આઈ સી, હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવા મનાલીથી મુંબઈ આવેલી ટીનેજર રાતોરાત એટલી હોશિયાર થઇ ગઈ કે તમે એને તમારી કંપનીમાં ડિરેક્ટર બનાવી દીધી?'

‘એ બિઝનેસ ડિસિશન હતું, મેં અને બિલોરીએ સાથે મળીને લીધેલું. ઉત્સવી માત્ર નામ પૂરતી બોર્ડ પર હતી. યુ નો, બિઝનેસમાં આ બધું કરવું પડે.' આઈ ડોન્ટ નો, હું તો મામૂલી સરકારી નોકર છું. એનીવે, બિલોરીએ પછી તમારા અને ઉત્સવીના સંબંધ પર શક કરવાનું છોડી દીધું?'

‘હું નથી જાણતો કે બિલોરી શું વિચારતી હશે, પણ મારે એને શંકાનું કોઈ કારણ નહોતું આપવું. ઉત્સવી સાથે મેં બોલવાનું સાવ ઓછું કરી નાખ્યું. કહી દીધું કે એ હવે મોટી થઇ ગયેલી, એના પ્રોબ્લેમ્સ એણે જ સોલ્વ કરતા શીખી જવાનું હતું.' ‘ઉત્સવીએ આનું શું રિએક્શન આપ્યું?' અધિરથ નીચું જોઈ ગયો, અને પછી દબાયેલા અવાજે બોલ્યો, ‘એણે મારા દીકરા સાથે દોસ્તી કરી લીધી.’
‘તમારો દીકરો, અમેય. રાઈટ?' વાસુકિએ પૂછ્યું.
‘હા, મારા ફર્સ્ટ મેરેજથી મને બે દીકરા થયેલા, એમાં અમેય મોટો, અને એનાથી નાનો અમર.' અધિરથે વગર પૂછ્યે માહિતી આપી દીધી.
‘અને ઉત્સવીએ એની સાથે દોસ્તી કરી લીધી.....માત્ર દોસ્તી?'
‘દોસ્તીથી શરૂઆત થઇ, પણ પછી વાત આગળ વધી ગઈ.'

‘તમને ક્યારે આનો ખ્યાલ આવ્યો?'
‘એકવાર વહેલી સવારે મેં ઉત્સવીને અમેયના રૂમમાંથી નીકળતી જોઈ.'
‘તમે આ વાત બિલોરીને કહી?'
‘તરત તો નહિ. એ દિવસે મારે દિલ્હીની ફ્લાઈટ પકડવાની ઉતાવળ હતી.'
‘પાછા આવીને કહ્યું?'
‘પાછા આવીને મેં અમેયને સમજાવવાની કોશિશ કરી કે, જે થઇ રહેલું એ ઠીક નહોતું.'
‘કેમ?'
‘અમેય બહુ ભોળો છોકરો છે. મને લાગતું હતું કે ઉત્સવી માત્ર એની સાથે રમત કરતી હતી.'

‘પણ એ એવું શું કામ કરે?' ‘કદાચ બિલોરી સામે લડવા માટે એ અમેયનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવા માગતી હતી.' ‘કે પછી તમને જલાવવા માટે?' અધિરથ ચૂપ રહ્યો.
‘પછી તમે બિલોરીને વાત કરી?'
‘એણે જ પછી એક દિવસ, સામે ચાલીને મને કહ્યું. મારી પહેલાં એને ગંધ આવી ગયેલી. એ પણ નારાજ હતી.'
‘કેમ?'

‘એણે ત્યારે તો એવું કહ્યું કે આવા લફરા કરવા માટે ઉત્સવી હજી નાની હતી, અને અમેયમાં પણ મેચ્યોરિટી નહોતી આવી.'
‘કે પછી એને લાગ્યું હશે કે ઉત્સવી તમારા બંનેની સામે પોતાની ટીમ બનાવી રહી હતી. કદાચ એને ડર લાગ્યો હશે કે ઉત્સવી એના પ્રેમીની સામે આખોયે ભાંડો ફોડી નાખશે. જે છેવટે એણે કર્યું.'
‘આઈ ડોન્ટ નો' અધિરથ બબડ્યો.

‘જે હોય તે, પણ એક વાત સ્પષ્ટ છે કે, ઉત્સવી અને અમેયનાં સંબંધથી તમે અને બિલોરી નારાજ હતાં.' ‘હા, પણ પછી મને લાગ્યું કે એ બંને જણ ખરેખર એકબીજાના પ્રેમમાં હતાં, ત્યારે મારો ગુસ્સો ઉતરી ગયો.'
‘બિલોરીનો ગુસ્સો?' ‘એનો ગુસ્સો ઊતરતા થોડી વધુ વાર લાગી. એટલે જ પછી ઉત્સવી અને અમેય ઘર છોડીને બીજે રહેવાં જતાં રહ્યાં.'

‘પણ બિલોરીએ તો અમને એવું કહ્યું કે, અમેય કંઈ કામકાજ કરવાને બદલે તમારા પૈસે તાગડધિન્ના કર્યા કરતો હતો, એને કારણે તમારા ઝઘડા થતા હતા. અને એટલે અમેયે ઘર છોડ્યું. ઉત્સવી તો પછી ગઈ.' સાંભળીને અધિરથની આંખોમાં રોષ ઝલકી ગયો.'

અમેય ત્યારે કંઈ કમાતો નહોતો, એ વાત સાચી, પણ હજી એની ઉંમર પણ શું થયેલી? એને નાનપણથી એક્ટર બનવાની ઈચ્છા હતી. મારા કહેવાથી એ પરાણે ગ્રેજ્યુએટ તો થયો, પણ એનું દિલ તો એક્ટિંગમાં જ હતું. પછી મેં જ એને શહેરના બેસ્ટ ગણાતા એક્ટિંગ ક્લાસમાં જવા માટે પૈસા આપ્યા. અને આફ્ટર ઓલ એ મારો દીકરો છે. ભલે મારી સાથે ઝઘડે, મારા પૈસા વાપરવાનો એને પૂરેપૂરો અધિકાર હતો, હજી પણ છે.'

‘આઈ સી, તમને અમેય બહુ વહાલો છે?' ‘અમેય જ નહિ, એનાથી નાનો અમર પણ એટલો જ વહાલો છે. મારા ડિવોર્સ થયા, ત્યારે બંને છોકરા હજી નાના હતા, એટલે કસ્ટડી એમની માને મળી. પરંતુ એ પણ, ક્યારેય બાપબેટાની વચ્ચે નહોતી આવી. મને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે છોકરાઓને મળવાની છૂટ હતી. મારા બંગલાનો એક રૂમ તો એમના માટે જ હતો. એ લોકો રજાના દિવસોમાં મારી સાથે આવીને રહે, એની સામે સોનારીએ ક્યારેય વાંધો નહો લીધો.

‘વેરી અન્ડરસ્ટેન્ડિંગ વુમન' વાસુકિ હળવેથી બોલ્યો. ‘ઓહ યેસ' અધિરથે ભાવાવેશમાં પહેલી પત્નીને સમજદાર હોવાનું સર્ટિફિકેટ આપી દીધું, પણ તરત ભાન થયું કે હવે કયો સવાલ આવશે. અને આવ્યો પણ ખરો.' આટલી સારી વાઈફ સાથે ડિવોર્સ કેમ થયા?' વાસુકિએ પૂછ્યું.

એ વાતને અત્યારના કેસ સાથે શું સંબંધ, એવો સવાલ અધિરથના હોઠ સુધી આવી ગયો, પણ એ ગળી ગયો. વાસુકિને સહેજ પણ નારાજ કરવામાં એને જોખમ લાગતું હતું. વળી પોતાની જાતને સારો ગણાવવાની પણ આ તક હતી. એણે ઝડપી લીધી.' સર, સોનારી વોઝ....ઈઝ અ વેરી નાઈસ વુમન, હું પણ ખરાબ હસબન્ડ નહોતો. પણ મારું કામકાજ અમારી વચ્ચે આવી ગયું.

રાતદિવસ હું મારા કામમાં બીઝી રહેતો હતો. સોનારીને લાગવા માંડેલું કે હું એનાં તરફ પહેલાં જેટલું ધ્યાન નહોતો આપતો. થોડીઘણી તકરાર થવા માંડી, પણ એ તો કયા ઘરમાં નથી થતી? પણ હું મારી રીતે કોઈ રસ્તો કાઢું એ પહેલાં કોઈએ સોનારીને બીજે રવાડે ......આઈ મીન જુદી દિશા બતાવી દીધી. એણે કોઈ ગુરુજીના સત્સંગમાં જવાનું શરૂ કરી દીધું.

અને જોતજોતામાં એટલી ધાર્મિક બની ગઈ કે, ઘરમાં આશ્રમ જેવો માહોલ ખડો થઇ ગયો. માઈન્ડ યુ, મને કોઈ ધર્મ, કે ગુરુજી સામે વાંધો નથી. પણ ઘરમાં જાતજાતના નિયમો આવી ગયેલા, જે મારાથી સહન નહોતા થતા. અને છેવટે, એણે ગુરુજીના કોઈ કાર્યક્રમમાં બ્રહ્મચર્ય પાળવાના સોગન લઇ લીધા, એ પણ મને કહ્યા-કારવ્યા વિના, ત્યારે મારી ધીરજની હદ આવી ગઈ. હું હજી ઘરડો નહોતો થઇ ગયો. છેવટે મેં ડિવોર્સ માગી લીધા.'

‘અને સોનારીએ રાજીખુશીથી આપી દીધા?' ‘રાજીખુશીથી તો નહિ, પણ મોટો ઝઘડો પણ નહોતો થયો. અમે જે ઘરમાં રહેતા હતા, એ મેં એને આપી દીધું. એટલું જ નહિ, ભરણપોષણ માટે એણે જેટલી રકમ માગી, એ મેં કબૂલ રાખી. સોનારીને પૈસાની લાલચ નહોતી. હું જાણતો હતો કે એને જે પૈસા આપીશ, એમાંથી મોટો હિસ્સો મારા બે દીકરા પર જ ખર્ચાવાનો હતો.

જોકે એમને ભણાવવાનો ખર્ચ મેં ઉપાડી લીધેલો. અને, બંને સહેજ મોટા થયા પછી તો સોનારીને ખબર ન પડે એમ હું એ લોકોને વાપરવા માટે પૈસા પણ આપતો હતો. હું સમજતો હતો કે, સોનારીના વધુ પડતા આકરા નીતિનિયમો એમને પણ અકળાવતા હશે. એટલે જ તો કોલેજમાં આવ્યા પછી, અમેય વધુ ને વધુ સમય મારા ઘરમાં ગાળવા લાગેલો. હું તો અમરને પણ બોલાવતો હતો......'

‘ટૂંકમાં તમે બહુ સારા ફાધર હતા' વાસુકિએ અધિરથની ગાડીને બ્રેક મારતા કહ્યું. ‘હતો નહિ, હજી પણ છું.' અધિરથે ખભા ટટ્ટાર કરીને કહ્યું. ‘તો પછી તમે એ બંને દીકરાને પડતા મૂકીને એન્જલને શું કામ તમારી વારસદાર બનાવી દીધી?' વાસુકિએ અચાનક ફંગોળેલો પ્રશ્ન અધિરથને મૂંઝવી ગયો. એના ટટ્ટાર ખભા ઝૂકી ગયા. ‘એન્જલ....અંહ....'

‘હા, એન્જલ, તમારી વાઈફને એના આગલા મેરેજથી થયેલી દીકરી. એવું તે શું થયું કે તમને તમારા બે સગા દીકરા કરતાં પારકાની દીકરી પર વધુ વહાલ ઉભરાઈ આવ્યું?' અધિરથે પોતાના ચહેરા પર હાથ ફેરવીને કહ્યું,' બિલોરી મારી પત્ની છે, એની દીકરી મારી જ કહેવાય. મારી ફરજ હતી કે.....'

‘બસ કરો મિસ્ટર સારંગ' વાસુકિના અવાજમાં ધાર આવી ગઈ. ‘ફરજનું લેક્ચર આપવાની જરૂર નથી. એન્જલનો બાપ જિમી નાયર જીવતો હતો. તમે તમારી લાખોની, સોરી કરોડોની જાયદાદ એની દીકરીને નામે કરી દીધી, જેના પર ખરી રીતે તમારાં પોતાનાં બાળકોનો અધિકાર હતો.' ‘બિલોરીની એવી ઈચ્છા હતી.' અધિરથે નબળા અવાજે કહ્યું.

અને પછી ઉમેર્યું , ‘એણે મારી સાથે લગ્ન કરતા પહેલાં આ શરત મૂકી હતી.' ‘અને તમે માની લીધી?’ ‘આઈ વોઝ ઇન લવ વિથ હર' અધિરથે સૂકા થઇ ગયેલા હોઠ પર જીભ ફેરવીને કહ્યું.

વાસુકિએ માથું ધુણાવ્યું. ‘તમે પ્રેમમાં હતા, પણ દૂધ પીતા બચ્ચા નહોતા. બિલોરી સાથે મેરેજ થયા ત્યારે તમે ઓલરેડી એક સક્સેસફુલ બિઝનેસમેન હતા. તમે જે સ્ટેજ પર હતા, ત્યાં પહોંચેલો માણસ પૈસાની બાબતમાં એક એક ડગલું સમજીવિચારીને ભરે.

પણ તમે એક સ્ત્રીને પરણતા પહેલાં એની આવી આકરી શરત કબૂલ કરી લીધી? બિલોરીને ખુશ રાખવા માટે કદાચ તમે એન્જલના નામે પચીસ પચાસ લાખ રૂપિયા મૂકી દીધા હોત, તો એ વાત હજી સમજી શકાય, પણ તમારી આખી સંપત્તિ ? તમને તમારો તો ઠીક, તમારા બે દીકરાનો વિચાર પણ ન આવ્યો, જેમના માટે તમે બહુ પ્રેમ હોવાનો દાવો કરો છો?' ‘મેં એમની સાથે અન્યાય નહોતો કર્યો. મુંબઈમાં સોનારીને ફ્લેટ આપેલો, નવી મુંબઈમાં પણ અમેય અને અમરના નામે એક ફ્લેટ છે.

અને તે ઉપરાંત એમને જોઈએ એટલા પૈસા તો હું આપું જ છું. વળી, એન્જલને દત્તક લેતી વખતે મેં પણ સામે શરત રાખેલી કે, મારા ગયા પછી મારી અડધી સંપત્તિ મારા દીકરાઓને મળશે.' અધિરથે પોતાનો બચાવ કર્યો. વાસુકિએ માથું ધુણાવવાનું ચાલુ રાખ્યું. ‘પણ તોયે એન્જલને એમનાથી વધુ જ મળશે. અને કદાચ એટલે જ અમેય તમારી સાથે ઝઘડીને જતો રહ્યો. તમને લાગ્યું કે, કદાચ ઉત્સવીએ એને ચઢાવ્યો હશે, એટલે તમે બિલોરી સાથે મળીને એનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું. ઉત્સવીના ગયા પછી એકલા પડી ગયેલા અમેયને કંટ્રોલ કરવાનું આસન હતું. તમે જ થોડીવાર પહેલાં કહ્યું ને કે અમેય બહુ ભોળો છોકરો છે.'

‘તમે મારા પર ઉત્સવીના મર્ડરનો આરોપ મૂકો છો?' અધિરથનો અવાજ તરડાઇ ગયો. ‘હું તો માત્ર શક્યતાઓ રજુ કરી રહ્યો છું.' વાસુકિએ સ્મિત આપ્યું. ‘મારે મારા વકીલને ફોન કરવો છે' અધિરથે કહ્યું.

‘જરૂર કરો. પણ તમે ભલા માણસ લાગો છો, એટલે એક વણમાગી સલાહ આપી દઉં. અત્યારે અમે તમને માત્ર પૂછપરછ માટે બોલાવ્યા છે. પણ વકીલના આવ્યા પછી, કદાચ અહીં જ તમારી ઓફિશિયલ ધરપકડ થઇ શકે. ભલે પછી એ તમને જામીન પર છોડાવી જાય, પણ એ પહેલાં, એક રાત તો લોકઅપમાં ગાળવી પડશે. અને બેઈલ પર છૂટી ગયા પછીયે, અમારા સવાલોના જવાબ તો આપવા જ પડશે. મીડિયાને ખબર પડશે અને વાતનું વતેસર થશે.'

‘તમે મને ધમકી આપો છો?' અધિરથે પૂછ્યું. ‘ના, મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવું છું.' વાસુકિએ શાંતિથી કહ્યું. અધિરથે હોઠ ચાવતા થોડીવાર વિચાર કર્યો. અને પછી ધીમા અવાજે બોલ્યો, ‘હું તમને સાચેસાચું કહી દઈશ.પણ બિલોરીને ખબર પડી તો અમારા સંબંધ કાયમ માટે વણસી જશે.'

‘અત્યારે બહુ સારા સંબંધ છે?' વાસુકિએ પૂછ્યું. અધિરથની આંખો ઝૂકી ગઈ. ઘા માર્યા પછી મલમ લગાડતો હોય એમ થોડા સોફ્ટ અવાજે વાસુકીએ કહ્યું, ‘મને તમારી પરિસ્થિતિ સમજાય છે. પણ ચૂપ રહીને તમે તમારું જ નુકસાન કરશો.' અધિરથે પોતાના ખોળામાં રાખેલા હાથ સામે જોતા કહ્યું, ‘મારે બિલોરીને છેતરવી નહોતી, પણ બીજી તરફ, મારા બે દીકરાના ભવિષ્યનો પણ વિચાર કરવાનો હતો.' ‘આઈ અન્ડરસ્ટેન્ડ' વાસુકિએ સહાનુભુતિપૂર્વક કહ્યું.

‘બિલોરી માત્ર એટલું જાણતી હતી કે, મારી પાસે પુષ્કળ પૈસા હતા, પણ કેટલા, અને કેવા ફોર્મમાં, એની એને ખબર નહોતી. ઈન ફેક્ટ એ વખતે મારા મોટા ભાગના પૈસા મેં ગોલ્ડ, રિયલ એસ્ટેટ અને શેર્સમાં ઇન્વેસ્ટ કરી રાખેલા. બિઝનેસમાં તો મોટાભાગનું ઇન્વેસ્ટમેન્ટ બહારના લોકોનું હતું.'

‘પણ, બિલોરી માટે એ જાણવું બહુ ઈઝી ગણાય.' વાસુકિએ કહ્યું. ‘નો સર, એ બધું ઇન્વેસ્ટમેન્ટ સોનારી અને મારા બે દીકરાના નામ પર હતું.' ‘સોનારી, તમારી ફર્સ્ટ વાઈફના નામ પર?' વાસુકિ માટે આશ્ચર્ય છુપાવવાનું મુશ્કેલ હતું. રૂમમાં હાજર રહેલાં બીજાં બે પોલીસ ઓફિસર્સના ચહેરા પર આવી ગયેલા ભાવ પણ કહેતા હતા કે, વાત ગળે ઉતારવાનું અઘરું હતું.

પણ એમનાંમાંથી કોઈ શંકા વ્યક્ત કરે એ પહેલાં અધિરથે ખુલાસો કરી દીધો, ‘મને સોનારી પર પૂરેપૂરો ભરોસો હતો, અને હજીયે છે. શરૂઆતથી હું એના નામે સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ કરતો રહેલો. અફકોર્સ એમાં ટેક્સ બચાવવાનો ઈરાદો પણ ખરો. અને ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં એ મારા કરતા વધુ હોશિયાર હતી. એના પપ્પા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. એ પણ હેલ્પ કરે છે. અમારા ડિવોર્સ પછી પણ એમની સાથે મારા સારા સંબંધ છે.'

‘વેઈટ' વાસુકિએ હાથ ઊંચો કરીને અધિરથને આગળ બોલતા રોક્યો.' યુ મીન, સોનારી સાથે ડિવોર્સ લઈને તમે બિલોરી સાથે મેરેજ કર્યા, પણ ભરોસો તમને સોનારી પર હતો?' અધિરથે મૂંગા રહીને હા પાડી. વાસુકિ એને તાકી રહ્યો. આ કેવું ફેમિલી હતું, જ્યાં બધાં પોતપોતાની રમત રમતાં હતાં? વાસુકિના વિચાર કળી ગયો હોય એમ અધિરથ બોલ્યો, ‘પણ બિલોરી અને એન્જલને સાવ રઝળતાં મૂકી દેવાનો મારો કોઈ ઈરાદો નહોતો.

એન્જલના નામે મેં ખાસ્સી મોટી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ્સ મૂકી છે. એના ભણતર સહિતનો બધો ખર્ચ હું કરું છું.' ‘તમે એકલા નથી કરતા. બિલોરી તમારી બિઝનેસ પાર્ટનર છે, અને અમારી ઇન્ફર્મેશન મુજબ, તમારા બિઝનેસને વધુ મોટો, વધુ પ્રોફિટેબલ બનાવવામાં બિલોરીનો મોટો ફાળો છે. મતલબ, એન્જલને જે મળશે, એ હકીકતમાં બિલોરીની મહેનતનું હશે.' અધિરથ પાસે હા પાડ્યા સિવાય છૂટકો નહોતો.

‘અને મેં સાંભળ્યું છે કે, અત્યારે તમારી કંપની થોડી આર્થિક ભીંસમાં છે. તમારો બંગલો અને બીજી પ્રોપર્ટી બેંકમાં ગીરવે મૂકીને તમે બિઝનેસ લોન લીધી છે. રાઈટ?' ‘રાઈટ, પણ એવું તો બધા બિઝનેસમાં થતું હોય છે. અમે લોનના હપ્તા નિયમિત ભરીએ છીએ.' ‘હા,પણ અત્યારે તમને કંઈ થઇ જાય કે કંપની ફડચામાં જાય તો બેન્ક અને બીજા ફાઈનાન્સરો તમારી માલમિલકત લઇ જાય અને એન્જલને પેલી ફિક્સ્ડ ડિપોઝિટ સિવાય ખાસ કંઈ ન મળે. રાઈટ?' અધિરથે હકાર ભણ્યો.

‘અને હવે સાચું બોલજો, બિલોરીની જાણબહાર તમે બિઝનેસમાંથી કેટલા પૈસા તમારા, સોનારીના કે અમેય-અમરના નામે ડાઈવર્ટ કરો છો?' અધિરથ બોલ્યો નહિ. પણ એના મૌનમાંથી વાસુકિને જવાબ મળી ગયો. એણે બીજો સવાલ કર્યો,  ‘અમેયને આ બધી વાતની ખબર છે?' ‘આઈ એમ નોટ શ્યોર, પણ સોનારીએ કદાચ કહ્યું હોય.' ‘અને અમેય પાસેથી ઉત્સવીને જાણ થઇ હોય.'

‘શકય છે' ‘એટલે ઉત્સવીએ અમેય સાથે લગ્ન કર્યા હોત તો પત્ની હોવાને નાતે એ કરોડોની માલિક બની જાત.' ‘હા, એ પણ શક્ય છે.' ‘અને, એવી શક્યતા પણ ખરી કે, બિલોરી સાથે ઝઘડતી વખતે કોઈવાર એને બાળવા માટે ઉત્સવી આ બોલી ગઈ હોય?'

અધિરથે નીચું જોઇને થોડીવાર વિચાર કર્યો. અને પછી દિમાગમાં અચાનક બત્તી થઇ હોય એવા ભાવ સાથે ઊંચું જોઇને, મોઢા પર હાથ રાખીને એણે ઉદ્્ગાર કાઢ્યો, ‘ઓ માય ગોડ, એટલે પછી ગુસ્સે થઈને બિલોરીએ ઉત્સવીનું મર્ડર કરી નાખ્યું. હવે સમજાય છે કે, જિમીએ શું કામ આ મર્ડરમાં સાથ આપ્યો.'

આ બોલતી વખતે અધિરથે ભલે ખુદને આઘાત લાગ્યો હોવાનો દેખાવ કર્યો હોય, પણ એના ચહેરા પર આવી ગયેલા રાહતના ભાવ વાસુકિએ જોઈ લીધા. કેટલી આસાનીથી એ માણસે પોતાની પત્ની હત્યારી હોવાનું માની લીધું. વાસુકિએ અચાનક થાક અનુભવ્યો.‘ઓકે, મિસ્ટર સારંગ, યુ કેન ગો નાઉ. જરૂર પડી તો પાછા બોલાવશું.'

‘શ્યોર સર, એની ટાઈમ' કહીને અધિરથ ઊભો થઇ ગયો. એના ગયા બાદ કુરેશી બોલ્યો, ‘સર,આ માણસ સાચું બોલતો હોય તો એવું સાબિત થાય કે, બિલોરીએ એની દીકરીને મારી નાખી.' ‘પણ એમાં બિલોરીને શું ફાયદો થાય? ઝઘડા વખતે એણે આવેશમાં આવી જઈને હત્યા કરી નાખી હોત તો કદાચ હું માની લેત. પણ આ તો કોલ્ડ બ્લડેડ, વેલ પ્લાન્ડ મર્ડર છે. કંઈ બીજી જ વાત છે.' વાસુકિ ટેબલ પર પડેલી પેનને રમાડતા બોલ્યો.

‘અધિરથ એની વાઈફને ગુનેગાર માનવા લાગ્યો છે. અને ડરી પણ ગયો છે. એની વધુ પૂછતાછમાં કદાચ બીજી ઘણી વાત બહાર આવશે.' કુરેશીએ કહ્યું. ચૂપચાપ બધું સાંભળી રહેલી ઇન્સ્પેક્ટર રેણુ સામે જોઇને વાસુકિએ પૂછ્યું, ‘ઓફિસર, તમને શું લાગે છે?' રેણુએ સહેજ ખચકાઈને કહ્યું, ‘માફ કરજો સર, પણ ક્યાંક એવું તો નથી થયું ને કે, અધિરથ આજે આપણાંથી વધુ સ્માર્ટ હતો?'

‘એ કઈ રીતે?' વાસુકિએ પૂછ્યું.
‘એ કદાચ ઈચ્છતો જ હતો કે, આપણે આ બધા, ખાસ કરીને એન્જલને વારસદાર બનાવવા વિશેના સવાલ એને પૂછીએ. એણે વાત એવી રીતે ઘુમાવી કે શંકાની સોય છેવટે માત્ર બિલોરી પર આવીને અટકી જાય.'
‘વેરી સ્માર્ટ' વાસુકિના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. કુરેશીને સમજાયું નહિ કે, સાહેબે સ્માર્ટની ઉપાધિ રેણુને આપી કે અધિરથને?
‘ગુડ મોર્નિંગ મિસીસ બિલોરી સારંગ, હાઉ આર યુ?' વાસુકિએ ઇન્ટ્રોગેશન રૂમમાં ભાગ્યે જ સાંભળવા મળે એવા ચિયરફુલ અવાજે પૂછ્યું. જવાબમાં બિલોરી માત્ર હળવી ખાંસી ખાઈને ચૂપ રહી.

દેખાવ પરથી હજીયે એની તબિયત નબળી લાગતી હતી, પણ હોસ્પિટલના ડોક્ટરે પેશન્ટ ‘ફિટ એન્ડ ફાઈન' હોવાનું સર્ટિફિકેટ આપી દીધેલું. બિલોરી નિર્દોષ હતી એવું માનવા લાગેલા ડોક્ટરે જોકે પરાણે આવું કહેવું પડેલું. એણે ત્રણ દિવસ તો બિલોરીને હોસ્પિટલમાં આરામ કરવાની સગવડ કરી આપી. પણ પેશન્ટની નાજુક તબિયતનું બહાનું કેટલા દિવસ ખેંચી શકાય? વળી, મીડિયાવાળા તો સતત પૂછતાછ કરતાં હતાં.

બિલોરી લોક અપમાં, અને ત્યાંથી ઇન્ટ્રોગેશન રૂમમાં પાછી ફરી. જોકે ખબર અંતર પૂછી લીધા બાદ વાસુકિએ જે દિશામાં સવાલ પૂછવાનું શરૂ કર્યું, એના માટે બિલોરી તૈયાર નહોતી.
‘એન્જલ ક્યાં છે?' પહેલો સવાલ થયો.

‘ કેનેડામાં.'
‘શું કામ?'
‘શું કામ એટલે, ભણવા માટે'
‘એ ક્યારે ગઈ?'
‘લગભગ બે વર્ષ પહેલાં.'
‘બી સ્પેસિફિક.'
‘2013માં.'
‘મહિનો?'

બિલોરીએ સહેજ યાદ કરીને કહ્યું, ‘ઓક્ટોબર'
‘મીન્સ, ઉત્સવીનું મર્ડર થયું, એના એક મહિના પહેલાં?'
‘મર્ડર થયું, એવું તમે કહો છો.' બિલોરીએ યાદ દેવડાવ્યું.

‘ઓહ યસ, અમે પોલીસવાળા કહીએ છીએ, એ ઉપરાંત ડ્રાઈવર યુસુફ, તમારા એક્સ હસબન્ડ જીમી નાયર પણ કહે છે. અને હા, તમારા કરન્ટ હસબન્ડ પણ હવે એવું માનવા લાગ્યા છે.' ‘અધિરથે એવું કહ્યું?' બિલોરીની આંખો ઝીણી થઇ.

‘સાફસાફ તો નહિ પણ યસ, તમે ઉત્સવીને મારી હોય, એવી શક્યતાને એ હવે સાવ નકારતા નથી.' વાસુકિએ કહ્યું. ‘વ્હાય, ધેટ.....' બિલોરી આગળનો શબ્દ ગળી ગઈ, પણ એની આંખમાં ઝરી ગયેલો રોષનો તણખો ઘણું કહી ગયો. ‘ઓકે, આપણે એન્જલની વાત કરતાં હતાં.

ઓક્ટોબર ,1913માં એને તમે ભણવા માટે કેનેડા મોકલી, રાઈટ?' ‘રાઈટ' ‘પણ ત્યારે તો હજી અહી માંડ એનું સ્કૂલિંગ પૂરું થયું હશે.' ‘હા, પણ એ ભણવામાં બહુ હોશિયાર છે. એને સાયન્ટિસ્ટ બનવું છે. મને લાગ્યું કે, નાની ઉંમરે એને ત્યાં મોકલીએ તો હાયર એજ્યુકેશન માટે એ વધુ સારી રીતે તૈયાર થઇ શકે. વળી અધિરથની એક કઝિન પણ ત્યાં રહે છે, એટલે અમને બહુ ચિંતા નહોતી. અને આમ પણ એન્જલ બહુ ડાહી છે, ગમે ત્યાં એડજસ્ટ થઇ જાય. પહેલેથી શાંત સ્વભાવની છે......'

બિલોરીએ એન્જલનાં વખાણના પુલ બાંધી દીધા. વાસુકિએ એને બોલવા દીધી. લગભગ દરેક માબાપને પોતાનું બાળક દુનિયાનું બેસ્ટ ચાઈલ્ડ લાગતું હોય. એમાંયે ખુદમાં કોઈ ઊણપ હોય ત્યારે માબાપ, ખાસ કરીને મા, એના સંતાનની હોશિયારી વિષે મોટીમોટી વાતો કરીને સંતોષ લે. બિલોરી આમાં અપવાદ નહોતી. અત્યારે એની જિંદગીમાં ખુશ થવા માટે આમેય એન્જલ સિવાય બીજું શું હતું? છેવટે બિલોરી શ્વાસ ખાવા રોકાઈ ત્યારે વાસુકિએ સૌમ્ય અવાજે પૂછ્યું, ‘એન્જલ તમને બહુ વહાલી છે?'

‘અફકોર્સ, કોઈપણ માતાને ......' બિલોરીનું વાક્ય અડધેથી કાપીને વાસુકિએ પૂછ્યું,' ઉત્સવીથી પણ વધારે?' ‘આ કેવો સવાલ છે?' બિલોરીએ નારાજ સૂરે કહ્યું, ‘બંને મારી દીકરી છે.' ‘પણ જાહેરમાં તમને મા કહેવાનો અધિકાર એન્જલને જ હતો. ઉત્સવીને કોઈવાર આ ખટક્યું તો હશે.'

‘આઈ ડોન્ટ નો... કદાચ.' ‘પણ તમે એવું શું કામ કર્યું?' થોડીવાર ચૂપ રહ્યા પછી બિલોરી બોલી, ‘સાચું કહું તો હું મારા ભૂતકાળથી ભાગવાની કોશિશ કરતી હતી.

ચંદીગઢમાં મારી નવી લાઈફ શરૂ થયેલી.' ‘અને તમને લાગ્યું કે તમારી નવી લાઈફમાં તમારાં પોતાનાં બાળકો નડતાં હતાં?' ‘કદાચ મારી ભૂલ હતી. પણ મારી ઉંમર નાની હતી. મારે કોઈને નહોતું કહેવું કે હું દસ અગિયાર વરસની છોકરીની મા હતી. અને એકવાર શરૂ કરેલું જુઠાણું પછી પકડી રાખ્યા વિના કોઈ રસ્તો નહોતો.'

‘કે પછી તમને ડર હતો કે આ જાણ થયા પછી પુરુષોને તમારી તરફ થતું આકર્ષણ ઘટી જશે.' વાસુકિએ ઉપહાસભર્યા અવાજે કહ્યું. બિલોરીએ ચૂપકીદી સાધી. ‘ઉત્સવી પછી તમે લકીને પણ તરછોડી દીધો. પણ એન્જલને હંમેશાં સાથે રાખી, શું કામ?' બિલોરી ચૂપ રહી તો વાસુકિએ પોતે જવાબ શોધી લીધો.‘એન્જલ માટે તમને વધુ પ્રેમ હતો.'

બિલોરીએ ઊંડો શ્વાસ ભરીને પછી મૌન તોડ્યું, ‘એવું હોય તોયે કોઈ ગુનો કહેવાય? લોકો ભલે કબૂલે નહિ, પણ ઘરમાં એક સંતાન માટે માબાપને હંમેશ વધુ વહાલ હોય છે. મને એન્જલ માટે હતું, કદાચ એનું એક કારણ એ હતું કે, મેં નક્કી કરી લીધેલું કે, હવે હું કોઈવાર, કોઈનાયે બાળકની મા નહિ બનું. ઉત્સવી અને લકીને તો મેં મારાથી દૂર કરી દીધેલાં. એન્જલને પણ છોડી દીધી હોત તો મારામાં રહેલી મા કાયમ માટે મરી જાત. યુ અન્ડરસ્ટેન્ડ?' છેલ્લું વાક્ય ઉચ્ચારતી વખતે બિલોરીએ વાસુકિને બદલે ઇન્સ્પેકટર રેણુ સામે જોયું. ગાફેલ રહી ગયેલી રેણુ માથું હલાવી બેઠી.

‘અને તોયે તમે એને આટલે દૂર મોકલી દીધી.' વાસુકિ બોલ્યો. બિલોરી સહેજ અકળાઈ ગઈ. ‘તમને કહ્યું તો ખરું કે મને એના ભવિષ્યની દરકાર હતી.' વાસુકિએ ટ્રેક બદલ્યો.

‘એન્જલ અહીં હતી, ત્યારે ઉત્સવી સાથે એને કેવો સંબંધ હતો?' ‘સારો.' ‘પણ ઉત્સવીને એન્જલની અદેખાઈ તો થતી હશે. એ બંને બહેનો હતી, પણ જાહેરમાં બિલોરીને માત્ર એક દીકરી, એન્જલ હતી. વળી અધિરથે એને પોતાની વારસદાર બનાવેલી.'

‘તો શું થઇ ગયું? ઉત્સવી એટલા સંકુચિત માનસની નથી કે નાની બહેનની અદેખાઈ કરે.' ‘પણ જિમી નાયરે તો કહ્યું કે ચંદીગઢમાં ઉત્સવીએ એન્જલને મારવાનો, મારી નાખવાનો પ્રયાસ કરી લીધેલો. તમે એને તાબડતોબ મનાલી પાછી મોકલી દીધી અને વોર્નિંગ પણ આપી કે એણે ભવિષ્યમાં પણ એન્જલને અડવાનું નથી.'

બિલોરીએ થોડીવાર ચૂપ રહીને ધારણા બાંધવાની કોશિશ કરી કે જિમી,અધિરથ, અમેય અને બીજાંઓએ પોલીસને કેટલું કહ્યું હશે. છેવટે એવા તારણ પર આવી કે, આ મુદ્દે બને તેટલું સાચું બોલવામાં માલ હતો. હળવી ખાંસી ખાઈને એ બોલી. ‘ચંદીગઢમાં ઉત્સવીએ જે કર્યું, એ સારું નહોતું પણ ત્યારે એ બહુ નાની, નાદાન હતી. મારો ગુસ્સો પણ પછી ઊતરી ગયો. એટલે જ તો મેં પછી એને મારી સાથે રહેવા માટે મુંબઈ બોલાવી લીધી.'

‘કે, એ જીદ કરીને આવી.' આટલું બોલીને બિલોરીના પ્રતિભાવની રાહ જોયા વિના, વાસુકિએ આગળ ચલાવ્યું, ‘અને મુંબઈ આવીને એણે ફરીથી એન્જલને હેરાન કરવાનું શરૂ કર્યું. તમને ડર લાગ્યો કે ઉત્સવી આ વખતે કદાચ સાચેસાચ એન્જલને મારી નાખશે. એટલે જ તમે એન્જલને ફોરેન મોકલી દીધી. પણ તમારો ડર ઓછો ન થયો કારણ કે ઉત્સવીએ તમને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. એટલે તમે એને મારી નાખી.'

‘કેવી વાહિયાત વાત કરો છો.....એક દીકરીને ખાતર હું મારી બીજી દીકરીને મારી નાખું?' બિલોરીએ ગુસ્સો દર્શાવ્યો અને પછી કહ્યું, ‘મને એવો ડર હોત તો હું ઉત્સવીને આટલા વરસ મારા ઘરમાં રાખત જ નહિ, કે પછી એન્જલને બહુ પહેલાં જ કોઈ બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેત.

કમિશનર સાહેબ, તમે માનો કે ન માનો, પણ હકીકત છે કે, ઉત્સવીને બિલોરી માટે કોઈ દ્વેષ નહોતો. એને જે થોડોઘણો ગુસ્સો હશે, એ મારા તરફ હતો. એ પણ સમજતી હતી કે જે થયું એમાં એન્જલનો કોઈ વાંક નહોતો. અને એન્જલ પણ એની પાછળ પાછળ ફર્યા કરતી. ઉત્સવી એનાથી દસેક વરસ મોટી છે, પણ એન્જલ તો જાણે એની ભક્ત હતી. એ કોઈવાર મારું કહ્યું ન માને તો મારે ઉત્સવીને બોલાવવી પડતી. અરે, ઉત્સવી અને અમે ઘર છોડીને બીજે રહેવાં જતાં રહ્યાં, ત્યારે સહુથી વધુ ખરાબ એન્જલને જ લાગેલું.'

‘શક્ય છે કે કદાચ ઉત્સવીએ એને તમારી સચ્ચાઈ જણાવી દીધી હોય.' ‘મને ખ્યાલ છે ત્યાં સુધી આવું કંઈ નથી થયું.' બિલોરીએ કહ્યું. ‘તમે કહો છો એમ એન્જલને ઉત્સવી માટે આટલો પ્રેમ હતો, તો એણે ક્યારેય પૂછ્યું નહિ કે, બે વરસથી માસી ક્યાં હતી?'

‘પૂછેલું અને ખાસ્સો સમય અપસેટ પણ રહેલી કે ઉત્સવી એને કહ્યા વિના જતી રહી. પણ, પછી મેં એને સમજાવી કે, ઉત્સવી મનમોજી હતી. આમ કોઈને કહ્યાકારવ્યા વિના ઊડી ગઈ, એમ એક દિવસ પછી પણ આવી જશે. અને મને ખાતરી છે કે, ઉત્સવીને ખબર પડી કે, એન્જલ કેનેડામાં છે, તો એ જરૂર એનો કોન્ટેક્ટ કરશે.'

‘હજી સુધી તો નથી કર્યો.' વાસુકીએ કહ્યું અને પછી સહજભાવે ઉમેર્યું, ‘આટલું બધું થઇ ગયું, પણ એન્જલ હજી કેનેડાથી મુંબઈ નથી આવી. એને તમારી ચિંતા નથી?' ‘મેં જ એને ના પાડી છે.' બિલોરી ઉતાવળે બોલી ગઈ. ‘તમે ક્યારે એને કહ્યું, ક્યારે તમારી વાતચીત થઇ?' વાસુકિનાં ભંવાં તણાયાં.

‘આઈ મીન, મેં મારા વકીલ સાથે એને કહેવડાવ્યું. હું નથી ઇચ્છતી કે એનું ભણવાનું બગડે. અને, અહીં આવે તો બિચારીને મીડિયાવાળા ફોલી ખાય.' ‘પણ જરૂર પડી તો અમારે એને બોલાવવી પડશે.' વાસુકિએ કહ્યું. ‘શું કામ?' બિલોરીનો અવાજ ઊંચો થઇ ગયો, પણ પછી નરમ પડી જઈને એણે હાથ જોડ્યા. ‘પ્લીઝ સર, એને આ કેસ સાથે કંઈ લેવાદેવા નથી. મને જેટલા દિવસ જેલમાં રાખવી હોય એટલું રાખજો. તમારા બધા સવાલના જવાબ હું આપું છું. હજીયે આપીશ. પણ, એન્જલને આ બધાથી દૂર રાખજો.' બોલતાં બોલતાં એની આંખમાં પાણી આવી ગયાં. રૂમમાં બેઠેલાં બધાંને લાગ્યું કે આ ઘડીએ બિલોરી એક્ટિંગ નહોતી કરતી.

‘પણ અમે લકીને બોલાવ્યો છે.' વાસુકીએ કહ્યું. ‘ધેટ્સ ઓકે.' બિલોરી ઝડપથી સ્વસ્થ થઇ ગઈ. ‘એણે મીડિયામાં કહ્યું છે કે, તમે એનું પણ મર્ડર કરવાના હતા.' વાસુકિએ બિલોરીને સહેજ ડરાવવા માટે કહ્યું. પણ બિલોરી હાથ હલાવતા બોલી, ‘એ છોકરા સાથે વાત કરીને તમને ખાતરી થઇ જશે કે, એનું દિમાગ ઠેકાણે નથી.

કદાચ એ જાણતો પણ હશે કે ઉત્સવી ક્યાં છે. સહેજ કડક થઈને પૂછશો તો બધું ઓકી દેશે.'

વાસુકિ પોતાના ગાલ ખંજવાળતો, બિલોરીને તાકી રહ્યો. દીકરીને કદાચ પોલીસ સ્ટેશને આવવું પડે, એ શક્યતાથી પણ થથરી ગયેલી બિલોરી કેટલી આસાનીથી દીકરા પર થર્ડ ડિગ્રી અજમાવવાનું સૂચન કરતી હતી.
બિલોરીએ ભલે લકીની પીટાઈ કરવાનું આડકતરું સૂચન આપ્યું હોય પણ લક્ષ્યજિત ઉર્ફે લકીનું મોઢું ખોલાવવામાં પોલીસે કોઈ મહેનત નહોતી કરવી પડી. એ તો જાણે મનાલીમાં બેઠોબેઠો મુંબઈ પોલીસના આમંત્રણની રાહ જ જોઈ રહ્યો હતો. કામધંધો તો કંઈ કરતો નહોતો. કોલેજ એણે અડધેથી છોડી દીધેલી. લકીના કહેવા પ્રમાણે દસબાર મહિના એણે દિલ્હીની કોઈ કંપનીમાં કામ કરેલું, પણ પછી વૃદ્ધ નાના-નાનીનું ધ્યાન રાખવા માટે પોતાની કરિયરનો ભોગ આપીને મનાલી પાછો આવી ગયો હતો.

જોકે એના રંગઢંગ કહેતા હતા કે, નાના-નાની માટે આપેલું ‘બલિદાન' લકીને બહુ ફાવી ગયું હતું. બિલોરીએ એના પર ડ્રગ એડિક્ટ હોવાનો આક્ષેપ મૂકેલો એ કદાચ સાચો હતો. બાકી, જેનામાં સહેજ પણ અક્કલ બચી હોય, એ લકી જેવાં કપડાં પહેરીને પોલીસ સ્ટેશનમાં આવે નહિ. બિયરથી છલછલતો ગ્લાસ પકડીને નાચી રહેલા ઘેટાની ઈમેજ નીચે ‘બા બા બિયરશિપ' લખેલું ટીશર્ટ પહેરીને લકી કમિશનર વાસુકિની સામે પ્રગટ થયો. એના મોટા પેટ પરથી ઊતરી પડતા જીન્સને સંભાળવામાં બિચારો લેધર બેલ્ટ પણ નિષ્ફળ જઈ રહ્યો હતો.

લકીના ચહેરા પર વધી ગયેલી દાઢી કોઈ ફેશન સ્ટેટમેન્ટ કરતા એ યુવાનની આળસની નિશાની વધુ લાગતી હતી. નિસ્તેજ લાગતી એની આંખોની નીચે કાળાં કુંડાળાં વળી ગયેલાં.‘આ ખરેખર બિલોરી સારંગનો દીકરો છે?' વાસુકિને પ્રશ્ન થયો. જોકે છે, એ બાબતે કોઈ શંકાને સ્થાન નહોતું. આ પહેલાં લકીની પૂછપરછ કરી ચૂકેલા પોલીસ ઓફિસરે ઉત્સવીના આ નાના ભાઈની કુંડળી કમિશનર સામે રજૂ કરી દીધેલી.

એના બર્થ સર્ટિફિકેટમાં માતા તરીકે બિલોરી પ્રહર કુકરેજાનું નામ હતું. પ્રહરે પછી છોકરાનો હવાલો જિમી નાયરને સોંપેલો, પણ નામ અને અટક નહોતા બદલાયા. દિલ્હીથી શિફ્ટ થતી વખતે બિલોરીએ લકીને મનાલી મોકલી દીધેલો ત્યાર પછી એ નાનાનાની સાથે જ રહેલો. નાનપણમાં એની તબિયત નબળી રહેતી હતી, અને પછી તો લકીએ માંદગીને જાણે પોતાની ઓળખનો એક હિસ્સો બનાવી દીધી. કામ નહિ કરવા માટેનું આ એક મોટું કારણ એને મળી ગયેલું.

વાસુકિની સામે બેસતાની સાથે એણે ચહેરા પરથી પસીનો લૂછીને, બેચાર ઊંડા શ્વાસ લઈ છોડીને કહ્યું, ‘આઈ એમ નોટ કીપિંગ વેલ'. અને પછી વગર પૂછ્યે માહિતી આપી, ‘નાનપણથી પ્રોબ્લેમ છે.' ‘ટ્રીટમેન્ટ નહોતી કરાવી?' વાસુકિએ પૂછ્યું. ‘કરાવી હશે, પણ મનાલી જેવા નાના સેન્ટરમાં કેટલું થઇ શકે? વળી, ધ્યાન રાખવાવાળું પણ કોઈ નહોતું. નાનાજી પોતે બીમાર રહેતા હતા.' લકીએ કરુણ લાગે એવું સ્મિત આપતા કહ્યું. વાસુકિ સમજી ગયા કે લકી સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી રહ્યો હતો. આડકતરી  રીતે એણે એ પણ કહી દીધું કે બિલોરીને એની પડી નહોતી. એ આળસુ હતો એટલો જ કદાચ લુચ્ચો પણ હતો. એને હવે સાણસામાં લેવાનો સમય આવી ગયેલો.

‘તમારી તબિયત આટલી ખરાબ રહે છે તો નાના નાનીનું ધ્યાન કેવી રીતે રાખો છો?' વાસુકિએ પૂછ્યું.‘મારાથી બનતો પ્રયાસ કરું છું.માથા પર આવેલી જવાબદારીમાંથી હું પણ છટકી જાઉં, એ કેમ ચાલે?' લકીએ ફરીથી આડકતરી રીતે પોતાની માતાને ટોણો મારી દીધો. ‘સાચી વાત, અને જવાબદારી નિભાવવામાં ખર્ચ પણ ઘણો થતો હશે.' વાસુકિએ કૃત્રિમ સહાનુભૂતિ દાખવી.

‘એ તો થાય જ ને' લકીએ કહ્યું પણ તરત એને ભાન થયું કે ભૂલ થઇ ગઈ. ‘એના પૈસા ક્યાંથી આવે છે?' વાસુકિએ તરત પૂછ્યું. ‘સર, હું દિલ્હીમાં નોકરી કરતો હતો ત્યારે થોડી બચત કરેલી, અને મનાલીમાં પણ નાનાં-મોટાં કામ કરી લઉં છું.' ‘અને?' વાસુકિએ લકીના ચહેરા પરથી નજર ખસેડ્યા વિના પૂછ્યું. ‘થોડાઘણા બિલોરી, આઈ મીન દીદી મોકલતી હતી.' લકીએ નબળા અવાજે કહ્યું. ‘થોડા કે ઘણા?'

‘એટલે બહુ નહિ પણ.....જરૂર પડે એટલા....' લકીની જીભ થોથવાઈ ગઈ. ‘અને તમારી જરૂરત દિનબદિન વધતી જતી હતી.' ‘ના ના...' ‘પુરાવા છે. બિલોરી હંમેશાં બેંક ટ્રાન્સફરથી પૈસા મોકલતી હતી.' ‘એ તો નાનાજીને નામે..' ‘પણ નાનાજીના કહેવા પ્રમાણે એમનું અકાઉન્ટ તમે જ ઓપરેટ કરતા હતા. એમણે તમને સાઈનિંગ ઓથોરિટી આપેલી, કે તમે એ ઘરડા, માંદા માણસ પાસેથી લઇ લીધેલી.' ‘તમે શું કહેવા માંગો છો?' લકીએ ગુસ્સો બતાવવાની કોશિશ કરી.

પણ વાસુકિએ ટેબલ પર બે હાથ પછાડીને મોટેથી કહ્યું, ' એ જ કે અમે બધું જાણીએ છીએ, એટલે જે પૂછું એનો સાચેસાચો જવાબ આપજે. ઓવર સ્માર્ટ બનવાની કોશિશ કરી છે તો બિલોરીની સાથે તને પણ લોકઅપમા નાખી દઈશ.'

ધમકીમાં ખાસ દમ નહોતો પણ લકી ડરી ગયો. ‘યેસ...યેસ સર' બોલતા એના હોઠના ખૂણેથી લાળ નીકળી ગઈ.
‘તમને ડ્રગ્સ લેવાની આદત છે?'
‘આદત તો નહિ, પણ કોઈકોઈ વાર.....'
‘બિલોરીને ખબર છે?'
‘હા'

‘એણે ક્યારેય આ વ્યસન છોડવાનું નથી કહ્યું?' ‘કહેલું' ‘પણ તમે નહોતું સાંભળ્યું.' ‘બિલોરીની કોઈપણ વાત હું શું કામ સાંભળું?' લકીનો ગુસ્સો પાછો ફર્યો. નાક સસડાવીને એણે ઉમેર્યું, ‘એ તો અમને છોડીને નાસી ગયેલી.' ‘પણ પૈસા તો મોકલતી હતી.'

‘હા, જાણે ભીખ આપતી હોય એમ. અને સર, માત્ર પૈસા આપી દેવાથી મા તરીકેની એની જવાબદારી પૂરી થઇ જાય? સર, હું નાનો હતો ત્યારે એને મળવા માટે કેટલો ટળવળ્યા કરતો.... એ તો ફોન કરવાનીયે તસ્દી નહોતી લેતી. હું બહુ જીદ કરું ત્યારે મહિને બે મહિને નાનાજી ફોન જોડી આપતા. બિલોરી મુંબઈ ગઈ પછી તો એ પણ લગભગ બંધ થઇ ગયું. અને પછી ઉત્સવીએ મને સમજાવી લીધો કે, એ બાઈને અમારી સાથે સંબંધ રાખવામાં રસ નથી.' ‘એ બાઈ...'

‘યેસ સર, મારી મા. બીજાની સામે તો અમારે અમારી માને દીદી કહેવું પડતું. પણ અમે ભાઈબહેન એકલા હોઈએ ત્યારે એને બિલોરી જ કહેતા. ઉત્સવીને ગુસ્સો આવે ત્યારે એ તો બિલોરીને બદલે પેલી બાઈ, ધેટ બ્લડી વુમન, બીચ, એવા શબ્દો વાપરતી.'

‘મતલબ એને પણ બિલોરી પર ગુસ્સો હતો.' ‘હોય જ ને. એ બિચારી તો માંડ બેત્રણ મહિનાની હશે ત્યારે બિલોરીએ એને પડતી મૂકી દીધેલી.' ‘પણ તોયે ઉત્સવી તો વેકેશનમાં એની સાથે રહેવા માટે ચંદીગઢ જતી હતી.' વાસુકિએ યાદ દેવડાવ્યું. ‘સર, બસ એકવાર ગયેલી, પણ બિલોરીએ ત્યાં એને એટલી હેરાન કરી કે બિચારી રડતી રડતી પાછી આવી ગઈ. મને પણ કહ્યું કે ક્યારેય ચંદીગઢ જવાનું નામ નહિ લેતો.' ‘એવું તો શું થઇ ગયેલું ત્યાં?'

‘એ તો ઉત્સવીએ મને કહ્યું નહિ, પણ મને લાગે છે કે પેલા લોકોએ એને પેલી છોકરીની આયા બનાવી દીધેલી.' ‘એન્જલની?' ‘કહેવા માટે એન્જલ છે, બાકી નાનપણથી બદમાશ છે.'

વાસુકિના કપાળે સળ પડ્યા. જિમીએ તો કંઈ જુદી જ વાત કરેલી. સાચું કોણ બોલતું હતું? એણે વાત આગળ ચલાવી.' પણ તોયે મોટી થઈને ઉત્સવી મુંબઈમાં બિલોરી સાથે રહેવા ગઈ, તમને છોડીને.' લકી નીચું જોઈ ગયો. અને પછી ધીમેથી બોલ્યો,‘જવું જરૂરી હતું.' ‘હું સમજ્યો નહિ.' વાસુકિએ મૂંઝવણ દર્શાવી.

‘સર, અમને ખબર હતી કે, બિલોરી વોઝ અ રીચ વુમન. એનો નવો હસબન્ડ પણ બહુ મોટો માણસ હતો. કોઈકોઈ વાર અમે છાપામાં એમનાં ફોટા પણ જોતાં. ક્યારેક એ સ્વિટ્ઝર્લેન્ડમાં હોય તો ક્યારેક લંડનમાં. અને ફેસબુક પર તો એની સાથે એની પેલી છોકરી પણ હોય. સારંગે એને દત્તક લઇ લીધેલી.' લકીના દાંત ભીંસાયા. લકીનો એની સાવકી બહેન એન્જલ પ્રત્યેનો ગુસ્સો વાસુકિએ નોંધી લીધો. ‘હં તો?' એણે પૂછ્યું. ‘અમને લાગ્યું કે, આમને આમ તો બિલોરી અમને સાવ તડકે મૂકી દેશે. આમેય ઘણા વખતથી એ પૈસા મોકલવામાં કંજૂસી કરવા લાગેલી.

કહેતી હતી કે અમે વધુ પડતા ખર્ચ કરતા હતા. ઉત્સવી સ્કૂલના છેલ્લા વરસમાં હતી ત્યારે એનો આખોયે ક્લાસ કાશ્મીરની ટ્રીપ પર ગયેલો, પણ એ બિચારી જઈ ન શકી. અને એન્જલ ત્યારે ડિઝનીલેન્ડમાં મોજ કરતી હતી. અમે પછી વિચાર્યું કે, આમ તો બધું એ છોકરી જ લઇ જશે.'

‘એટલે એને અટકાવવા માટે ઉત્સવી મુંબઈ પહોંચી ગઈ?' ‘અટકાવવા સુધીનું તો નહોતું વિચાર્યું, પણ અમને લાગ્યું કે બિલોરીને યાદ રહેવું જોઈએ કે, એનાં બીજાં બે બાળક પણ હતાં.' ‘આઈ સી, અને બિલોરીએ વાંધો ન લીધો?'

‘લીધો હશે, પણ ઉત્સવીએ એને સમજાવી લીધી.' ‘ભાંડો ફોડી નાખવાની ધમકી આપીને?' વાસુકિએ પૂછેલા સવાલના જવાબમાં લકી નીચું જોઈ ગયો. અને પછી બબડ્યો, ‘સર, અમે લાલચુ નહોતા પણ....' ‘આઈ અન્ડરસ્ટેન્ડ.' આટલું કહીને વાસુકિએ સહેજ કુતૂહલ સાથે પૂછ્યું, ‘લકી, ટેલ મી, ઉત્સવીએ મુંબઈ જવું જોઈએ એ આઈડિયા કોનો હતો?'
‘અમારા બંનેનો.'
‘આર યુ શ્યોર?'

લકીએ સહેજ અટકીને વિચાર કર્યો. અને પછી બોલ્યો, ‘સર, સાચું કહું તો મારામાં વધુ અક્કલ નથી. મારે તો જિંદગીભર બિલોરીનું મોઢું પણ નહોતું જોવું. પણ ઉત્સવીએ મને સમજાવ્યો કે, અમારા બંનેનાં ભવિષ્યનો સવાલ હતો. એન્ડ બિલીવ મી, ઉત્સવીને એનાં પોતાનાં કરતાં મારી ચિંતા વધુ રહેતી હતી. એ હંમેશાં કહેતી કે, લકી, તું એક નંબરનો બુદ્ધુ છે.' ‘એટલે મુંબઈ જવાનો આઈડિયા ઉત્સવીનો હતો.' ‘પણ, હુંયે એની વાત સાથે સહમત હતો.

પછી જોકે એ થોડી અવઢવમાં પડી ગઈ કે, હું એકલો પડી જઈશ. ત્યારે મેં જ એને જવાનો આગ્રહ કર્યો.' લકીનો બહેન પરનો વિશ્વાસ મજબૂત હતો. ‘અચ્છા, એને તારી આટલી ફિકર હતી તો તમને સાથે કેમ ન લઇ ગઈ?' ‘હું હજી સ્કૂલમાં હતો, ઘરમાં નાના-નાની એકલાં હતાં. અને કદાચ અમે બંને મુંબઈમાં ટપકી પડીએ તો બિલોરી ભડકી જાય. પણ ઉત્સવી પ્રોમિસ આપીને ગઈ કે એકવાર એ મુંબઈમાં ગોઠવાઈ જાય, ત્યાર પછી મને પણ ત્યાં બોલાવી લેશે.'

‘અને એ વાતને આજે કેટલાં વરસ વીતી ગયાં?' વાસુકિએ હળવેથી પૂછ્યું. લકીએ જોરથી માથું ધુણાવ્યું. ‘સર, ઉત્સવીને હું જાણું છું. એણે તો બહુ ટ્રાય કરી પણ પછી પેલીનો હસબન્ડ આડો ફાટ્યો. ‘અધિરથ સારંગ?' ‘હા, એને તો ઉત્સવી આવી એ પણ નહોતું ગમ્યું. અને ઉત્સવીએ મને બોલાવવાની જીદ પકડી રાખી તો એને પણ ઘરમાંથી કાઢી મૂકી.' ‘તમને કોણે આવું કહ્યું?' ‘મારી બહેન ઉત્સવીએ. બીજા કોણે?

વાસુકિ આશ્ચર્યભેર લકીની સામે તાકી રહ્યો. કોઈ માણસ આટલી હદે બેવકૂફ હોઈ શકે? ધીમે રહીને એણે પૂછ્યું, ‘લકી, તને ખબર છે કે, અધિરથ સારંગે એની કંપનીના બોર્ડમાં ઉત્સવીને ડિરેક્ટર બનાવેલી, એને બે લાખનો પગાર આપતો હતો?' પહેલીવાર આ સાંભળ્યું હોય એમ લકી મોઢું વકાસીને વાસુકિ સામે જોઈ રહ્યો. લકી આળસુ હતો, બેવકૂફ હતો, થોડો બદમાશ પણ હતો, તેમ છતાં આ ઘડીએ વાસુકિને એના પર દયા આવી ગઈ.
‘ઉત્સવી કંપનીમાં ડિરેક્ટર...મહિને બે લાખ રૂપિયા.....સર, તમારી કંઈ ભૂલ થતી લાગે છે.' હેબતાઈ ગયેલા લકીના મોઢામાંથી છેવટે માંડ માંડ આ શબ્દો નીકળી શક્યા.‘આઈ એમ સોરી યંગ મેન, અધિરથ સારંગે પોતે મને આ વાત કહી છે. બિલોરીએ પણ કબૂલ કર્યું છે. તેમ છતાં તમને શંકા હોય તો સારંગને પૂછી જુઓ. એ તમને ઓફિશિયલ પ્રૂફ બતાવશે.' વાસુકિએ કહ્યું.
લકીએ નીચું જોઇને માથું ધુણાવ્યું.

‘તમને ખરેખર ખબર નહોતી?' વાસુકિએ આશ્ચર્ય દર્શાવ્યું. લકીએ ઊંચું જોયા વિના જ નકાર ભણ્યો.‘એનો અર્થ કે ઉત્સવી તમારાથી વાત છુપાવવા માંગતી હતી.' ‘પણ એ શું કામ એવું કરે?'

‘પૈસાનો સવાલ આવે ત્યારે લોકો કંઈ પણ કરી શકે. તમને તો આ વાતની બરાબર જાણ  હોવી જોઈએ.' વાસુકિએ કહ્યું અને પછી સવાલ કર્યો, ‘મુંબઈ આવ્યા પછી ઉત્સવી  ક્યારેય મનાલી આવેલી?' ‘એકવાર આવેલી.' લકીએ જવાબ આપ્યો અને પછી ઉમેર્યું, ‘અમેયની સાથે'
‘ક્યારે?'

‘ત્રણેક વર્ષ પહેલાં'
‘એ લોકો તમારા ઘરમાં રોકાયેલા?'
‘હા. એક ઘરમાં, અને એક રૂમમાં.'

‘તમને કે તમારા નાના નાનીને વિચિત્ર નહોતું લાગ્યું?'
લકીએ ઊંચું જોયું. ‘લાગેલું. પણ પછી ઉત્સવીએ કહ્યું કે, અમેય  એનો બોયફ્રેન્ડ હતો, અને એ લોકો મેરેજ કરવાનાં હતાં. ઇન ફેકટ એણે મને કહ્યું કે એ ખાસ અમેયને મારી મુલાકાત કરાવવા જ લઇ આવેલી. એણે મારો ઓપિનિયન પણ પૂછેલો.'

‘તમે શું કહ્યું?'
‘અમેય સારો માણસ લાગતો હતો. અને....' લકી પાછું નીચું જોઈ ગયો.
‘અને શું?'
લકી હોઠ ચાવતો ચૂપ રહ્યો.

‘જો લકી, હવે શરૂ કર્યું છે તો પૂરેપૂરું કહી જ નાખ.' વાસુકિએ કહ્યું. પણ લકી મૂંગો રહ્યો.
વાસુકિએ થોડા નરમ અવાજે કહ્યું, ‘લકી, તારી મનોદશા હું સમજી શકું છું. પણ તું ઈચ્છતો નથી કે તારી બહેનના હત્યારા પકડાય?'
‘પણ, હત્યા તો બિલોરીએ કરી છે ને?' લકીએ ગરદન ઊંચી કરીને પૂછ્યું.
‘અમને પણ એવું લાગે છે. પણ પાક્કા પુરાવા મળવા જરૂરી છે.'

‘તમારી પાસે નથી?' લકીએ નાના છોકરાની જેમ પૂછ્યું.
‘છે, પણ તું  તો જાણે છે ને કે, બિલોરી કેટલી સ્માર્ટ છે?'
લકીએ જોરજોરથી માથું હલાવ્યું.

‘એનો વકીલ એનાથીયે વધુ હોશિયાર છે. આપણે ક્યાંક કાચા પડ્યા તો એ બિલોરીને છોડાવી જશે.' વાસુકીએ જાણી  જોઇને ‘અમે' ની જગ્યાએ  ‘આપણે' શબ્દ વાપર્યો. લકીને લાગવું જોઈએ કે એ પોલીસ કમિશનરની ટીમમાં હતો. લકીને તમેને બદલે તું કહેવાનું શરૂ કરવા પાછળ પણ આ જ ઈરાદો હતો. અધિરથ કે બિલોરી જેવી વ્યક્તિને તુંકારો કરો તો એમને અપમાન લાગી જાય, ગુસ્સો આવે. પણ લકી માટે તુંકારો દોસ્તીભાવની નિશાની હતો.

‘ના, એ ન છૂટવી જોઈએ.' લકીએ કહ્યું.
‘એટલે તો તારે મારા બધા સવાલના જવાબ, સાચા જવાબ આપવા જરૂરી છે'
‘ઓકે.'
‘તો આપણે અમેયની વાત કરતા હતા.'
‘હા, સારો માણસ હતો.' ‘અને?'

‘અને, અધિરથ સારંગનો દીકરો હતો.'
‘પણ સારંગ તો તમને નહોતો ગમતો.'
‘હા, પણ અમેયને પણ એના ફાધર સાથે નહોતું બનતું. જોકે ગમે તે હોય પણ અમેય આખરે એનો દીકરો હતો.'

‘એની મિલકતનો વારસદાર.' વાસુકિને આછું આછું સમજાવા લાગ્યું.‘હા, પણ ઉત્સવી અમેયના પૈસા ખાતર એની સાથે લગ્ન નહોતી કરવાની. એ ખરેખર અમેયને પ્રેમ કરતી હતી.' લકી હજીયે એની બહેન વિષે કંઈ ઘસાતું સાંભળવા તૈયાર નહોતો. અને પછી પ્રેમનો પુરાવો આપતો હોય એમ બોલ્યો,  એણે અમેયને અમારું સિક્રેટ પણ જણાવી દીધેલું.'

‘કે બિલોરી તમારી દીદી નહિ મા છે?' વાસુકિએ ધારી લીધું. ‘હા. અને અમેયે આ વાત એના ફાધરને પણ કહી દીધેલી,પણ એ માન્યા નહિ. વોટ એન ઇડિયટ' કહીને લકીએ માથા પર હાથ પછાડ્યો.
લકી અધિરથને ઈડિયટ કહેતો હતો? વાસુકિએ આછી રમૂજ અનુભવી. ચહેરા પર ગંભીરતા જાળવીને એણે બીજો સવાલ કર્યો, ‘તો પછી અચાનક ઉત્સવી એના પ્રેમીને  છોડીને કેમ અમેરિકા જતી રહી?'
‘પણ તમે તો કહ્યું કે ઉત્સવી અમેરિકા ગઈ જ નથી. એનું મર્ડર થઇ ગયું છે.' લકીને યાદ આવી ગયું.

‘એ ખબર તો બધાંને હમણાં પડી. પણ, ત્યારે તો તે માની લીધેલું ને કે ઉત્સવી અમેરિકા જતી રહી?'
‘હા'‘તને પણ કહ્યા વિના'
‘હા' અને તને, તારા નાનાને , નાનીને, કોઈને સવાલ ન થયો કે છોકરીએ અચાનક આવું કેમ કર્યું?'
‘થયો, પણ બહુ નવાઈ ન લાગી. આમેય ઉત્સવીનો સ્વભાવ થોડો વિચિત્ર હતો.'

વાસુકિના કાન સરવા થયા. બિલોરીએ ઉત્સવી માટે આવા જ શબ્દ વાપરેલા. આ મંદબુદ્ધિ એની માતાનું ગોખાવેલું બોલી રહ્યો હતો?' એણે જોરથી હસીને હાથ ઉછાળ્યા, ‘કમાલ છે, હજી થોડીવાર પહેલાં તો તેં કહ્યું કે ઉત્સવી બહુ સ્માર્ટ હતી, બહુ વિચારીને બધું કામ કરતી હતી.'

લકીના ચહેરા પર મૂંઝવણ તરી આવી. એણે આવું કહેલું? પણ એને વધુ વિચારવાનો મોકો આપ્યા વિના વાસુકિ બોલ્યો, ‘ઉત્સવી સ્માર્ટ હતી એટલે જ તો એણે મુંબઈ જવાનો પ્લાન બનાવેલો. એ ન જાય તો પેલી એન્જલ બધું હડપ કરી જાય. તું સાવ ભોળો છે, તને તો એવી કલ્પના પણ નહોતી આવી.'

‘હં' લકી આ વાત સાથે તરત સહમત થઇ ગયો.‘તને તો એવો વિચાર પણ નહિ આવ્યો હોય કે કદાચ ઉત્સવી મુંબઈ જઈને બદલાઈ ગઈ હોય.'લકીના ચહેરા પર અનિશ્ચિતતા તરી આવી.

‘તેં કહ્યું કે ઉત્સવીનો સ્વભાવ વિચિત્ર હતો. તો એને એવીયે આદત હતી કે જેને પ્રેમ કરે એને પછી પડતા મૂકે? પહેલા તું, પછી અમેય......'‘આઈ થિંક, પાછળથી અમેય સાથે એને  કોઈ પ્રોબ્લેમ ઊભો થયેલો.'
‘યુ થિંક......કે તને કોઈએ કહ્યું?' લકી ચૂપ રહ્યો. ‘કોણે કહ્યું, ઉત્સવીએ?'
‘ના, બિલોરીએ.'
‘આઈ સી, ઉત્સવીને એના બોયફ્રેન્ડ સાથે કોઈ પ્રોબ્લેમ ઊભો થયેલો, એ વાત તને ઉત્સવી નહિ પણ બિલોરીએ કહી. અને તે માની લીધું?'‘તો શું કરું?'



‘ઉત્સવીને પૂછી શક્યો હોત.'
‘પણ બિલોરીએ કહ્યું કે ઉત્સવી અમેરિકા જતી રહેલી.'
‘એને ફોન કરી શક્યો હોત.'
‘મારી પાસે એનો નંબર નહોતો.'
‘મેઈલ કરવાનું તો શક્ય હતું ને?'

‘ઈ મેઈલ મોકલેલો, પણ એણે જવાબ ન આપ્યો.'
‘તને ફિકર ન થઇ?' ‘થઇ, પણ પછી બિલોરીએ કહ્યું કે, ઉત્સવી થોડા સમય માટે કોઈના કોન્ટેક્ટમાં રહેવા નહોતી માંગતી. અમેય સાથે બ્રેક અપ થયા પછી એ બહુ ઉદાસ રહેતી હતી.'
‘મતલબ, બિલોરીના કહેવાનુસાર ઉત્સવી અમેયને કારણે મુંબઈ છોડીને અમેરિકા જતી રહેલી?'
‘હા' ‘અને તને કહ્યું પણ નહિ?'

‘મેં મન મનાવી લીધું કે કદાચ એને લાગ્યું હશે કે કહેવાથી મને દુઃખ થશે.' ‘ઓહોહો, એક સેકન્ડ માટે પણ તને એવો વિચાર ન આવ્યો કે ઉત્સવીને કંઈ થઈ ગયું હશે?' લકી ચૂપ રહ્યો. ‘તું તો એને બહુ પ્રેમ કરતો હતો ને?' લકીએ માથું ઝુકાવી રાખ્યું. રૂમના બારણે  ટકોરા મારીને એક કોન્સ્ટેબલ અંદર દાખલ થયો. એણે ઝૂકીને વાસુકિના કાનમાં કંઈ ગણગણાટ કર્યો. ટેબલ પર પડેલું રેકોર્ડર સ્વિચ ઓફ્ફ કરીને વાસુકિએ કહ્યું, ‘લકી, મને લાગે છે કે તું હજીયે ઘણું બધું છુપાવી રહ્યો છે, પણ તારો બધોયે ભાંડો ફોડી નાખે એવી વ્યક્તિ આવી ગઈ છે.' ‘કોણ?' લકી હેબતાઈ ગયો.

‘છે કોઈ, તારી બહુ નજીકની વ્યક્તિ.' કહીને ઊભા થઇ ગયેલા વાસુકિએ ઇન્સ્પેક્ટર રેણુની સામે જોયું. ‘ઓફિસર, તમે મારી ચેમ્બરમાંથી લકીની ફાઈલ લઇ આવો, અને પૂછપરછ ચાલુ રાખો. કુરેશી, તમે મારી સાથે આવો.'

‘સર, કહો તો ખરા કોણ આવ્યું છે.' લકીએ આજીજી કરી પણ જવાબ આપવાને બદલે વાસુકિએ ચેતવણી ઉચ્ચારી, 'જે પુછાય, એના સરખા સાચેસાચા જવાબ આપજે. આ લેડી ઓફિસર બિલોરીથી વધુ સ્માર્ટ છે, અને મારાથી વધુ કડક.' અને પછી આંગળી ઊંચી કરીને રેણુને કહ્યું ‘ઓફિસર, પ્લીઝ તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. લાસ્ટ ટાઈમ પેલા બદમાશનો હાથ તોડી નાખેલો, એવું પાછું નહિ કરતા.'

લકી થથરી ગયો. અનુભવી ઇન્સ્પેક્ટર સમજી ગઈ કે માત્ર લકીને ડરાવવાનો હતો. એનો હાથ નહિ પણ બચીકૂચી હિંમત અને વિચારશક્તિ તોડી નાખવાની હતી.  ‘ડોન્ટ વરી સર, હું બધું સંભાળી લઈશ.' કહીને રેણુએ લકી સામે એવું ક્રૂર સ્મિત કર્યું કે પેલો રડવા જેવો થઇ ગયો.  ‘કેન આઈ પ્લીઝ યુઝ ધ ટોઇલેટ?' એણે દયામણા અવાજે પૂછ્યું.

‘નો' રેણુએ સ્પષ્ટ ના પાડી દીધી. વાસુકિ અને કુરેશી બહાર નીકળી ગયા. ‘મેડમ પ્લીઝ, મારું સ્ટમક બહુ અપસેટ થઇ ગયું છે.' લકીએ કહ્યું. લકી કદાચ સાચું બોલતો હતો. ડરના માર્યા એનું પેટ જ નહિ, આખી સિસ્ટમ અપસેટ થઇ ગઈ હોવાની પૂરેપૂરી શક્યતા હતી, પણ રેણુએ માથું ધુણાવ્યું, ‘હું જાણું છું કે તારો ડ્રગ્ઝ લેવાનો ટાઈમ થઇ ગયો છે. એટલે તારે બાથરૂમમાં જવું છે.' ‘ના મેડમ, જોઈએ તો મારા ખિસ્સા ચેક કરી લો.' લકીએ રડમસ અવાજે કહ્યું.

રેણુએ ઊંડો વિચાર કરતી હોય, એમ થોડો સમય કાઢી નાખ્યો, અને પછી બેલ મારીને કોન્સ્ટેબલને બોલાવ્યો. ‘આને ટોઇલેટમાં લઇ જાવ, પણ બારણું બંધ નહિ કરવા દેતા. અને જલદી પાછો લાવો.' ‘જી મેડમ.' કહીને કોન્સ્ટેબલે લકીને ઊભા થવાનો ઈશારો કર્યો. એ પણ જૂનો ખેલાડી હતો.

જાણતો હતો કે, પારકાની હાજરીમાં દરવાજો ખુલ્લો રાખીને ટોઈલેટનો ઉપયોગ કરવાની ફરજ પડે ત્યારે માણસ રહીસહી ડિગ્નિટી પણ ગુમાવી બેસે. લકી કોન્સ્ટેબલની સાથે ટોઈલેટ ભણી ગયો. રેણુ બહાર નીકળીને લોબીના બીજે છેડે ગઈ. ત્યાં કુરેશીની સાથે ધીમે અવાજે વાત કરી રહેલા વાસુકિએ રેણુ સામે જોયું.

‘સર, મર્ડરમાં એ ઇન્વોલ્વ થયો હોય, એવું લાગે છે?' રેણુએ પૂછ્યું. ‘ખબર નહિ, પણ કેસની એ સહુથી નબળી કડી છે.એટલું નક્કી. એને તોડવો જરૂરી છે. સીધી રીતે કદાચ એ ઉત્સવીની હત્યા કરવામાં સામેલ નહિ થયો હોય, પણ હજી એની પાસેથી ઘણું જાણવા મળશે.' કહીને વાસુકિએ એક બંધ રૂમના દરવાજા ભણી ઈશારો કર્યો, લકીને ત્યાં બફાવા દો. ત્યાં સુધી.’ ‘આપણાં નવા મહેમાનના ખબર અંતર પૂછી લઈએ.'

ચારેક કલાક પછી વાસુકિ અને એમના બે ઓફિસર્સ પરત થયા, ત્યારે લકી ટેબલ પર માથું ઢાળીને બેઠો હતો.એની હાલત ખરેખર બહુ ખરાબ હતી. એની જગ્યાએ બિલોરી, અરે અધિરથ સારંગ હોત, તો એમણે તત્કાળ ડોક્ટર કે પોતાના વકીલને બોલાવવાની ડિમાન્ડ કરી હોત. પણ લકીમાં મૂળે અક્કલ ઓછી હતી. જે હતી એને કેફી દ્રવ્યના વ્યસને ધૂંધળી કરી નાખેલી.

અને, એના પર હવે ભયાનક ડર સવાર થઇ બેઠેલો. મનાલીમાં બેઠા બેઠા મીડિયા સામે તો એણે બેફામ વિધાનો કરેલા. બિલોરી બહુ ખરાબ છે.... એ તો મને પણ મારી નાખવાની હતી...પોલીસ મને બોલાવશે ત્યારે બધું કહી દઈશ વગેરે. ત્યારે કદાચ જિંદગીમાં પહેલીવાર પોતાને મળેલા ઈમ્પોર્ટન્સ અને ટીવી કેમેરાની લાઈટ્સથી એ અંજાઈ ગયેલો, ભાન ભૂલી ગયેલો. લકીએ માની લીધેલું કે, પોલીસની સામે માત્ર બિલોરીનું ખરાબ બોલવાથી વાત પતી જશે.

આ પહેલાં લકીની પ્રાથમિક પૂછતાછ કરી ચૂકેલા પોલીસ અધિકારીઓએ પણ એને વધુ નહોતો સતાવ્યો. પરંતુ આજે અહીં આવીને એને ખબર પડી કે ખરા અર્થમાં પોલીસ ઇન્ટ્રોગેશન કોને કહેવાય. વાસુકિ અને કુરેશીના ગયા પછી લકીને લગભગ ખાતરી હતી કે ઇન્સ્પેક્ટર રેણુ એના પર થર્ડ ડિગ્રી અજમાવશે. એટલે જ તો કમિશનર રેકોર્ડર બંધ કરીને જતા રહેલા. બહુ નાની વયે લકીએ સમજી લીધેલું કે આ દુનિયામાં પુરુષો કરતાં સ્ત્રીઓથી વધુ ડરવાનું, સચેત રહેવાની હતું. સગી મા ઊઠીને દુશ્મન જેવું વર્તન કરતી હોય, ત્યાં દેખાવે જ ખતરનાક લાગતી  રેણુ જેવી પોલીસવુમનનો શું ભરોસો કરવો?

જોકે, પહેલીવાર એ ટોઇલેટમાં જઈને પાછો આવ્યો ત્યારે રેણુ રૂમમાં નહોતી. ‘બેસ, મેડમ હમણાં આવશે.' એવું કહીને કોન્સ્ટેબલ જતો રહ્યો. થોડીવાર તો એણે શાંતિ અનુભવી. પણ સમય વીતતો ગયો અને રેણુ આવી નહિ. લકીને ધીમે ધીમે ચિંતા થવા લાગી કે, એ ડેન્જરસ વુમનના ઈરાદા શું હશે? વાસુકિ  જતી વખતે લકીની ફાઈલ વિષે બોલેલા. કઈ ફાઈલ, શું હશે એ ફાઈલમાં? અને સહુથી મોટું ટેન્શન તો એ હતું કે વાસુકિને કોઈ એવી વ્યક્તિ મળવા આવેલી જેણે લકીનો ભાંડો ફોડી નાખવાની વાત કરેલી. કોણ હશે એ, કયો ભાંડો ફોડી નાખશે?

લકીને પસીનો થવા લાગ્યો. એને રોજ નશો કરવાની આદત નહોતી, પણ અત્યારે એવા કોઈ ટેકાની જરૂર વર્તાવા લાગી. સમયની સાથે એનો ભય વધ્યો. પેટમાં પાછી ચૂંક ઊપડી. ઊભા થઈને એણે રૂમના દરવાજા પર ટકોરા માર્યા. કોઈ જવાબ ન મળ્યો. એણે જરા જોરથી હાથ પછાડ્યો. ધડાક દઈને દરવાજો ખુલ્યો, લકી બે ડગલાં પાછળ હટી ગયો. પહેલાવાળો કોન્સ્ટેબલ સામે ઊભો હતો. ‘શું છે?' એણે જોરથી મરાઠીમાં પૂછ્યું.

‘ટોઇલેટ' લકી આટલું જ બોલી શક્યો. ‘પાછું?' પેલાએ ઘૂરકિયું કર્યું. અને પછી માથું ધુણાવતા કહ્યું, ‘મેડમે તને બહાર નીકળવાની ના પાડી છે.' ‘પ્લીઝ' લકીથી હાથ જોડાઈ ગયા.

થોડીવાર લકી સામે જોઈ રહ્યા બાદ એની દયા આવી ગઈ હોય એમ કોન્સ્ટેબલ એને ટોઈલેટ ભણી દોરી ગયો. આ વખતે લકીએ ખુલ્લા દરવાજા વિષે ઝાઝું વિચાર્યું નહિ. આત્મસમ્માનની લાગણી  એ પહેલીવારમાં જ ગુમાવી બેઠેલો. રૂમમાં પાછા ફર્યા બાદ બેઠાબેઠા એકવાર સહેજ ઝોકું આવી ગયું. પરંતુ એ કામચલાઉ રાહત પણ વધુ ટકી નહિ. પેલો કોન્સ્ટેબલ જાણે ક્યાંકથી જોતો હોય એમ આવી પહોંચ્યો અને ચેતવણી આપી ગયો કે, ‘સરખો બેસ, મેડમ આવે છે.'

મેડમ આવ્યા નહિ પણ લકીની ભયભીત નજર, અનેકવાર રૂમના ચારે ખૂણે, ઉપરથી નીચે સુધી ફરી વળી. રૂમમાં કેમેરા હતા... ક્યાં હશે? એણે  પછી બહુ પ્રયાસ કર્યો પણ  રડવાનું ખાળી ન શક્યો. વાસુકિનું આગમન થતાની સાથે લકીએ ઝટપટ આંસુ લુછી નાખ્યાં, અને એના મોઢામાંથી ‘સોરી' સરી પડ્યું.કઈ બોલ્યા વિના વાસુકિ અને બીજા બંને જણ પોતપોતાના સ્થાને ગોઠવાયા. વાસુકિના ચહેરા પરથી લકીએ પરિસ્થિતિનો તાગ કાઢવાની કોશિશ કરી.

એટલું સમજાયું કે, પરિસ્થિતિ પહેલાંથી વધુ ગંભીર હતી. વાસુકિની નજર લકી પર સ્થિર થઇ ગઈ. એમનાં આવતાં પહેલાં લકી ખૂબ રડ્યો હતો એ વાતનો ખ્યાલ એને આવી ગયો. આ માણસ ખરેખર નબળો હતો. પરંતુ નબળા લાગતા માણસમાં લુચ્ચાઈ ન હોય, એવું માનવાની ભૂલ તો ક્યારેય ન કરવી, એટલી સમજ વાસુકિમાં હતી.

લકીની પૂછપરછ અધવચ્ચે છોડીને ઊભા થતી વખતે એમણે કહ્યું કે, ‘તારો બધોયે ભાંડો ફોડી નાખે એવી વ્યક્તિ આવી ગઈ છે.' એ લકીને વધુ ફફડાવી નાખવાનો માત્ર એક તુક્કો હતો. પણ અધિરથના પુત્ર અમેય સારંગ સાથે વાત કર્યા પછી લાગતું હતું કે લકી ઊંડા પાણીમાં રમતો હતો.
અત્યાર સુધીમાં ઉત્સવીના મર્ડરકેસ વિશે એના દૂરના, નજીકના પરિવારમાં પોલીસે જેટલા લોકો સાથે વાત કરી, એમાં એક અમેય સારંગ નિર્દોષ હોવાનું લાગતું હતું. ફક્ત એ યુવાનને ઉત્સવીના ગુમ થયાની ફિકર હતી. લકી અને બિલોરી ભલે એવો દાવો કરે કે, બે પ્રેમી વચ્ચેના સંબંધ તૂટી ગયા હતા. પણ અમેયના કહેવા પ્રમાણે ઉત્સવી સાથે એનો કોઈ ઝઘડો નહોતો.

એ લોકો ઘણા વખતથી સાથે રહેતાં હતાં. અમેય ઈચ્છતો હતો કે એકવાર એ કરિયરમાં સેટલ થઇ જાય પછી લગ્ન કરવા.અને ઉત્સવીને વાંધો નહોતો. ઊલટું અમેય એના કામકાજની બાબતમાં કોઈવાર હતાશ થઇ જાય, ત્યારે ઉત્સવી એને હિંમત બંધાવતી હતી. અધિરથ અને બિલોરીએ ભલે ઉત્સવીને પોતાની કંપનીમાં નામની ડિરેક્ટર બનાવી હોય,પણ એણે પોતે એક સબર્બન ફાઈવ સ્ટાર હોટેલમાં જોબ લઇ લીધેલી.

બંનેના મિત્રો કહેતાં હતાં કે આ હેપ્પી કપલ હતું. ઉત્સવીએ ફોન પર માત્ર એક મેસેજ મોકલીને અમેય સાથે સંબંધ તોડી નાખ્યો, અને બીજાં સાથે પણ સાવ બોલવાનું બંધ કરી દીધું,એ વાતથી સહુ હેરાન હતાં.

ઉત્સવીને શોધવા માટે અમેયે જે દોડાદોડી કરી મૂકેલી, એના પણ એ લોકો સાક્ષી હતાં. અમેયે આ પહેલા પોલીસને આપેલા સ્ટેટમેન્ટ પ્રમાણે ઉત્સવીને છેલ્લે એણે બિલોરી અને જિમી નાયર સાથે કારમાં બેસતી જોયેલી. એ સાંજે અમેય કોઈ એડ ફિલ્મના શૂટિંગ માટે જયપુર ગયો. ત્યાં બીજે દિવસે એને ઉત્સવીનો મેસેજ મળ્યો.

એમાં એવું લખેલું કે એના જીવનમાં કોઈ બીજો પુરુષ આવી ગયેલો, અને અમેયે એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરવી નહિ. અમેય હેબતાઈ ગયો. ફિલ્મમાં ચાન્સ મળે ત્યાં સુધી મોડેલિંગ વર્ક કરવા માટે ઉત્સવીએ જ એને સમજાવેલો. ઘણા વખતે એક સારી એડ ફિલ્મનું કામ મળ્યું હતું. પાંચ દિવસનું શિડ્યુલ હતું. છોડીને જવાનું શક્ય નહોતું. એણે ઉત્સવીને ફોન કર્યો તો લાગ્યો નહિ. મુંબઈ પાછો આવ્યો તો ઘરમાંથી ઉત્સવીનો સામાન ગુમ હતો.

એણે બિલોરીને ફોન કર્યો તો ‘મને ખબર નથી, ડોન્ટ ડિસ્ટર્બ મી' જેવો જવાબ મળ્યો. અમેયે એના ફાધર અધિરથ સારંગને પૂછ્યું તો એણે પણ ‘આઈ ડોન્ટ નો' કહી દીધું. બીજે દિવસે અમેય એમના ઘેર પહોંચી ગયો, અને ચાર દિવસ ત્યાં જ ધામા નાખીને રહ્યો.

ઉત્સવી મળી નહિ, પણ બિલોરીએ કહ્યું કે એને ઉત્સવીનો ફોન આવી ગયેલો. એ ક્યાંક બહારગામ હતી, અને અમેય સાથે વાત કરવા નહોતી માંગતી. અમેયે પરાજય સ્વીકારી લીધો. પણ થોડા દિવસ પછી એણે સાંભળ્યું કે, બિલોરી બધાને એવું કહેતી હતી કે ઉત્સવી અમેરિકા જતી રહી છે. ત્યારે અમેયને લાગ્યું કે દાળમાં કંઈ કાળું હતું. ઉત્સવીનો પાસપોર્ટ તો અમેયના પાસપોર્ટની સાથે બેન્કના સેફ ડિપોઝિટ બોક્સમાં હતો, તો ઉત્સવી ગઈ કેવી રીતે?

છેવટે એણે પોલીસ સ્ટેશનમાં જઈને ઉત્સવી ગુમ થયાની ફરિયાદ લખાવી. કમનસીબે પોલીસે અમેયની ફરિયાદ સિરિયસલી લીધી નહિ. લીધી હોત તો ત્યારે જ ખબર પડી જાત કે ઉત્સવી અમેરિકામાં નહિ બીજી દુનિયામાં પહોંચી ગયેલી, જ્યાંથી એ ક્યારેય પાછી નહોતી આવવાની.

હવે વાસુકિએ પોતે પૂછપરછ માટે અમેયને બોલાવ્યો હતો. આમ તો આજે લકીનો વારો હતો, અને અમેયે બીજા દિવસે આવવાનું હતું. પણ એણે સામેથી ફોન કરીને વિનંતી કરી કે બીજે દિવસે એણે એક એડ ફિલ્મના શૂટિંગ માટે જેસલમેર જવાનું હતું, તો કમિશનર સાહેબ આજે મળી શકે તો મહેરબાની.

વાસુકિને વાંધો નહોતો. એ તો આ કેસ માટે ચોવીસ કલાક કામ કરવા તૈયાર હતો. મીડિયામાં ગણગણાટ શરૂ થઇ ગયેલો કે મુંબઈના પોલીસ કમિશનર પોતે શું કામ આ મર્ડર કેસમાં આટલો રસ લેતા હતા, પોતે આરોપી અને સાક્ષીઓની ઊલટતપાસ લેતા હતા? પણ વાસુકિને પરવા નહોતી. એને કોઈપણ ભોગે આ હાઈ પ્રોફાઈલ કેસ ઉકેલવો હતો. એણે અમેયને બોલાવી લીધો. વાસુકિ સાથે ચાલેલી લગભગ ચાર કલાકની પૂછપરછ દરમિયાન અમેયે એટલું કબૂલ્યું કે પિતા સાથે એને નાનીમોટી તકરાર થયા કરતી, પણ એમની સાથે ઝઘડો કરીને એ ઘરમાંથી નીકળી ગયેલો, આ વાત એણે નકારી કાઢી.

નિખાલસભાવે એણે કહી દીધું કે અધિરથ સારંગને શરૂઆતમાં ઉત્સવી સાથેની પોતાના દીકરાની રિલેશનશિપ નહોતી ગમી. ‘કોણ જાણે કેમ પણ પપ્પાને એવું લાગેલું કે ઉત્સવી અમારા સંબંધને સિરિયસલી નહોતી લેતી.

પણ પછી ઉત્સવી મને મનાલીમાં એના નાના નાનીને મળવા લઇ ગઈ, અહી મુંબઈમાં મોટો બંગલો છોડીને મારી સાથે નાના ફ્લેટમાં રહેવા આવી ગઈ, ત્યારે એમને વિશ્વાસ બેઠો.'
‘મનાલીમાં એ તમને માત્ર નાના નાનીને મળવા લઇ ગયેલી?' વાસુકિએ પૂછ્યું.
‘હા' ‘લકીને નહિ?'
‘લકી ત્યાં હતો એટલે મળવાનો જ હતો.'
‘મેં સાંભળ્યું કે ઉત્સવી સાથે એ બહુ ક્લોઝ હતો.'

અમેય ખભા હલાવ્યા. ‘સાવકા પણ ભાઈ બહેન હતાં, અને નાનપણથી સાથે રહેલાં એટલે થોડુંઘણું અટેચમેન્ટ હોવું સ્વાભાવિક છે. પણ સાચું કહું તો લકી સાવ નકામો છોકરો છે. છેલ્લેછેલ્લે ઉત્સવી પણ એનાથી કંટાળી ગયેલી. લકી માને છે કે એને સાચવવાની જવાબદારી બીજાઓ પર જ છે.' આવું કહીને અમેયે ઉમેર્યું, ‘પોતાનો સ્વાર્થ સાધવા માટે લકી કઈ પણ કરી શકે.'
‘પોતાની બહેનનું મર્ડર પણ?' વાસુકિએ પૂછ્યું.

સહેજ ખચકાઈને અમેયે માથું ધુણાવેલું. ‘ના, એનામાં એટલી હિંમત કે ઠંડે કલેજે પ્લાન કરવાની આવડત નથી. પણ, એને ડરાવીને કે લાલચ આપીને મૂંગા રાખવાનું અઘરું નથી.'
‘કોણ આવું કરી શકે?' એના જવાબમાં અમેયે માત્ર ખભા ઉછાળેલા.

‘બિલોરી?' ‘આઈ રિયલી ડોન્ટ નો' ‘ઓકે. હવે તમે જાણો છો એની વાત કરીએ. તમે પપ્પાનું ઘર શું કામ છોડ્યું ?' વાસુકિએ પૂછ્યું. ‘એ કંઈ મારું પરમેનેન્ટ ઘર નહોતું. મોટેભાગે તો હું મમ્મી અને અમર સાથે અમારા મહાલક્ષ્મીના ફ્લેટમાં રહેતો હતો. પપ્પાને ત્યાં અવરજવર કર્યા કરતો.'

‘અને ઉત્સવીના આવ્યા પછી અવરજવર વધી ગઈ.'
‘યસ' અમેયે વિના ખચકાટ કહ્યું.
‘તો પછી ત્યાંથી નીકળીને જુદા રહેવાની શું જરૂર પડી?'

‘મમ્મીના ઘરમાં ઉત્સવી સાથે લીવ ઇન રિલેશનમાં રહેવાનું શક્ય નહોતું . અને પપ્પાને ત્યાં બિલોરીને તો મારી હાજરી પહેલેથી નહોતી ગમતી. ઉત્સવી સાથેની મારી ઇન્ટિમસી વધી, પછી તો હું જાણે એનો દુશ્મન થઇ ગયો.મારે કારણે એ પપ્પા સાથે ઝઘડ્યા કરે, એ મને નહોતું ગમતું. એટલે ત્યાં રહેવાનું માંડી વાળ્યું.બિલોરીને કદાચ એવોયે ડર હતો કે મારે લીધે મારી મમ્મી સાથેના પપ્પાના સંબંધ સુધરી જશે.
‘તમે એવી ટ્રાય કરેલી?'

‘નારે, શું કામ કરું? એ લોકોને એકબીજા સાથે ફાવતું નહોતું, એટલે તો એમણે ડિવોર્સ લીધેલા. મમ્મી પોતાની રીતે એની લાઈફમાં સુખી છે. પપ્પાએ બીજા મેરેજ કરી લીધા. હું શું કામ એમની પર્સનલ લાઈફમાં ચંચુપાત કરું?' ‘પણ તમારા સંબંધ બંને સાથે સારા હતા.'

‘હજી પણ સારા જ છે. પપ્પાએ બિલોરી સાથે મેરેજ કરતા પહેલાં જ અમને બંને ભાઈઓને કહેલું કે, એમની સાથેના અમારા સંબંધમાં કોઈ ફરક નહોતો પડવાનો.' ‘પણ બિલોરીની દીકરી એન્જલને એમણે પોતાની વારસદાર બનાવી એ તો તમને નહિ જ ગમ્યું હોય.' વાસુકીએ કહ્યું. ‘મારા ગમવા ન ગમવાનો સવાલ જ નહોતો આવતો. એમણે જાતમહેનતથી કમાયેલા પૈસા એ કોઈને પણ આપે, એમની મરજી.' અમેયે શાંતિથી કહ્યું.

વાસુકિને આ સારપ જરા વધુ પડતી લાગી. એની શંકા સમજી ગયો હોય એમ અમેયે તરત સ્પષ્ટતા કરી લીધી, ‘સર, હું કઈ સાધુસંત નથી કે મને પૈસા ન ગમતા હોય. પણ એન્જલને દત્તક લીધા પછી પણ પપ્પાએ અમને સાવ રખડાવી નહોતા માર્યા. હું અને મારો ભાઈ, હજીયે એમની મિલકતમાં સરખે ભાગે હિસ્સેદાર છીએ જ. પ્લસ, મારી મમ્મીનું ફેમિલી પણ બહુ રિચ છે. અમને પૈસાની ખોટ નથી.'

‘પણ અમને ખબર છે ત્યાં સુધી, અધિરથ સારંગે એની મિલકતનો મોટા ભાગનો હિસ્સો તમને જ મળે, એવી જોગવાઈ કરી રાખી છે.' વાસુકિએ કહ્યું. અમેયના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. ‘કદાચ એમનો એવો ઈરાદો હોય તોયે અમને ખાસ ફાયદો નથી થવાનો. લોકોને ખબર નથી પણ પપ્પાને માથે અત્યારે જંગી દેવું છે. એમણે ભેગી કરેલી લગભગ દરેક રિયલ એસ્ટેટ, શેર્સ, ગોલ્ડ અત્યારે બેંકમાં ગિરવે છે. બિલોરી એમના કરતાં વધુ સ્માર્ટ છે. એણે એન્જલનું ફ્યુચર સલામત કરી દીધું છે.'

વાસુકિએ ચહેરા પર ભારપૂર્વક હાથ ફેરવ્યો. આ ફેમિલીને સમજવાનું લગભગ અશક્ય હતું. બધાં એકમેકને ઉલ્લુ બનાવી રહ્યાં હતાં. ‘એની વે, એન્જલ સાથે તમારા કેવા સંબંધ હતા?' એણે પૂછ્યું. ‘એન્જલ સાથે.....અંહ સારા.'

સવાલ સાદો હતો પણ જવાબ આપવામાં અમેયે અનુભવેલો આછો ખચકાટ વાસુકિની ચકોર નજરે જોઈ લીધો. અવાજને કડક બનાવીને એણે કહ્યું, ‘અમેય સારંગ, જે હોય તે કહી દેજો. અમે ઓલરેડી ઘણું જાણીએ છીએ અને નથી જાણતા એ બહુ જલદી જાણી જશું.'

‘સર, નથિંગ ઈમ્પોર્ટન્ટ .....એન્જલ ઈઝ અ વેરી સ્વીટ ગર્લ. થોડી નાદાન છે, પણ એ તો એની ઉંમરે બધાં હોય....મેં ઉત્સવીને પણ કહેલું....' એ ઘડી સુધી શાંતિથી વાત કરી રહેલા અમેયની જીભે લોચા વળી ગયા.

વાસુકિની આંખો ઝીણી થઇ, ‘સમજાયું નહિ. તમે ઉત્સવીને શું કહેલું.....અને એન્જલે શું નાદાની કરેલી?' ‘સર, વાતમાં કઈ માલ નથી. એન્જલ થોડી પઝેસિવ છે, અને એને લાગતું હતું કે અચાનક બહારથી આવી પડેલી ઉત્સવી......' અમેય આડું જોઈ ગયો.

‘એને લાગ્યું કે ઉત્સવી એની કોમ્પિટિટર બનીને આવી છે.' વાસુકિએ વાક્ય પૂરું કર્યું.
‘હા, પણ હકીકતમાં એવું કંઈ નહોતું.'
‘અમેય, મેં તો તમને એન્જલ સાથેના તમારા સંબંધ વિશે પૂછેલું. આમાં ઉત્સવી ક્યાંથી વચ્ચે આવી ગઈ?' વાસુકિએ પૂછ્યું.
‘સર...' અમેય વધુ ન બોલી શક્યો.

વાસુકિ એની સામે તાકી રહ્યો .થોડીવાર પછી એણે સોફ્ટ અવાજે કહ્યું,‘ઓહ, સમજી ગયો. એન્જલને લાગ્યું કે એની પાસેથી ઉત્સવી તમને ઝૂંટવી ગઈ. રાઈટ?'
અમેય જવાબમાં માત્ર માથું હલાવી શક્યો.
‘એટલે ઉત્સવીની પહેલાં તમે એન્જલ સાથે.....'
વાસુકિ એનું વાક્ય પૂરું કરે એ પહેલાં અમેય જોરથી હાથ હલાવતા બોલ્યો, ‘ના ના સર, એન્જલ તો બચ્ચી હતી. પહેલીવાર મેં એને જોઈ ત્યારે તો એ માંડ મારા ઘૂંટણે પહોંચતી હતી, અને મેં એને હંમેશાં એવી જ નાની, ઇનોસન્ટ છોકરી તરીકે જોઈ છે, આજે પણ એમાં કંઈ ફરક નથી પડ્યો.'

‘પણ એન્જલના મનમાં કંઈ જુદું હતું?'
‘સાચું કહું છું, મને હજીયે એ વાત ગળે ઉતરવામાં મુશ્કેલ લાગે છે. હા કદાચ....'

‘શું કદાચ?'
‘એ મારા માટે પઝેસિવ હતી એ માની શકાય કારણ કે નાનપણથી એણે મને બ્રધર,પ્રોટેક્ટર,બેસ્ટ ફ્રેન્ડ, ઓલ ઇન વનના રોલમાં જોયેલો. પછી ઉત્સવી આવી એટલે કદાચ એન્જલને લાગ્યું હશે કે હું એના તરફ પહેલા જેટલું ધ્યાન નહિ આપું. એટલે ક્યારેક નાદાનીમાં થોડું ગાંડપણ કરી બેઠી હશે પણ એ ફેઝ નીકળી ગયો. હવે આ કેસ સાથે એન્જલને શું સંબંધ છે?'

‘અરે, મેં ક્યાં એન્જલને આ કેસમાં સંડોવવાની કોશિશ કરી છે? પણ એ સારંગ ફેમિલીની એક સભ્ય છે. એના વિષે પણ પૂછવું તો પડે.' વાસુકિએ કહ્યું, અને પછી હળવેથી ઉમેર્યું, ‘તમારી પાસેથી જાણવા મળી જાય તો એને કેનેડાથી બોલાવવી ન પડે' ‘એન્જલને કેનેડાથી......' બિલોરીની જેમ જ અમેય પણ આ આ સાંભળીને અપસેટ થઇ ગયો.
‘તમને એન્જલની બહુ ફિકર છે?' વાસુકિએ સૌમ્ય અવાજે પૂછ્યું.
‘યેસ સર. અત્યારે અહી જે ચાલી રહ્યું છે, એનાથી એન્જલને.....'

‘તમને ઉત્સવીની ફિકર નથી?'
‘અફકોર્સ છે.'
તો હું જે સવાલ પૂછું એના જવાબ આપો. કેસ સાથે એને સંબંધ છે કે નહિ, એ હું નક્કી કરીશ' વાસુકિનો અવાજમાં એકાએક કરડાકી આવી ગઈ.
‘યેસ સર.' અમેય નરમઘેંસ થઇ ગયો. ‘તમે એન્જલને ક્યારથી ઓળખો છો?'

‘એ પાંચ વરસની, કદાચ એનાથીયે નાની હતી ત્યારથી. પહેલીવાર મેં એને પપ્પાની ઓફિસમાં એક ક્રિસમસ પાર્ટીમાં જોયેલી. પપ્પાની ત્યારે એડ એજન્સી હતી. આમ તો ત્યાં નાનીમોટી સ્ટાફ પાર્ટીઓ ચાલ્યા કરતી. પણ વરસમાં એકવાર, ક્રિસમસ પાર્ટીમાં બધાં પોતપોતાના ફેમિલી મેમ્બર્સ સાથે ભેગાં થતા. એક્ચુઅલી આ મારી મમ્મીનો આઈડિયા હતો. એનું માનવું હતું કે આવી રીતે ભેગાં થવાથી ઓફિસમાં ફેમિલી જેવું વાતાવરણ ઊભું થઇ શકે. ડિવોર્સ પછી મમ્મીએ હાજરી આપવાનું બંધ કર્યું, પણ હું અને અમર જતા. બિલોરી ત્યારે એજન્સીમાં નવીનવી જોડાયેલી. એ એન્જલને લઈને આવેલી.'

‘મિસ્ટર સારંગ સાથે ત્યારે એને માત્ર પ્રોફેશનલ રિલેશનશિપ હતી?' વાસુકિએ પૂછ્યું. ‘આઈ રિયલી ડોન્ટ નો.' અમેય માથું ધુણાવતા બોલ્યો. ‘પપ્પાને એમના કામ માટે ઘણીવાર બહારગામ જવાનું થતું. એકવાર ચંદીગઢ ગયા ત્યારે એમની ઓળખાણ બિલોરી સાથે થયેલી. પણ ત્યારે બિલોરી હજી એના હસબન્ડ સાથે હતી. ડિવોર્સ પછી પણ મુંબઈ આવીને એણે થોડો સમય તો એક માર્કેટિંગ કંપનીમાં કામ કરેલું. પછી એણે  પપ્પાની એજન્સીમાં જોબ લીધો. ત્યાં એ લોકો ક્લોઝ આવ્યાં.'

‘હં' વાસુકિના ચહેરા પર તરવરી ગયેલી આછી શંકા અમેયે જોઈ લીધી. એણે સ્પષ્ટતા કરી, ‘પપ્પાએ આવું કહેલું. અને ન માનવા માટે અમારી પાસે કોઈ કારણ નહોતું.' ‘ઓકે, આપણે એન્જલની વાત કરતા હતા. તમે પહેલીવાર એને તમારા ફાધરની ઓફિસમાં જોઈ.' ‘હા, ત્યારે ત્યાં બીજાં ચારપાંચ બાળકો પણ હતા.

પણ કોઈ એન્જલની ઉંમરનું નહોતું. એ બધાંથી નાની હતી, અને અજાણ્યાં લોકોની વચ્ચે આવીને થોડી ડરી ગયેલી. બિલોરીને છોડતી જ નહોતી. એકવાર બિલોરી કોઈની સાથે વાત કરવા ગઈ તો એન્જલ રડવા જેવી થઇ ગઈ. જોઇને હું એની પાસે ગયો. પહેલા તો એ મારી સાથે બોલવા તૈયાર નહોતી. પણ પછી મેં એને એક પિંક બલૂન આપ્યું, કહ્યું કે જો તારા ડ્રેસ સાથે મેચ થાય છે....એકાદબે મેજિક ટ્રિક્સ બતાવી.....યુ નો, નાનાં બચ્ચાને આપણે કેવી રીતે ખુશ કરીએ.....એ હસવા લાગી.પછી હું બીજા પાસે ગયો તો એન્જલ મારી પાછળ પાછળ આવી. મને મારું નામ પૂછ્યું. મેં કહ્યું પણ એને અમેય બોલવાનું ફાવ્યું નહિ. ત્યાં મારો નાનો ભાઈ અમર ઊભેલો. એ મને નાનપણમાં ભઈલુ કહેતો. એન્જલને એ ગમી ગયું.

જોકે એણે ભઈલુનું ભાલુ કરી નાખ્યું. શી વોઝ સચ અ ક્યુટ કીડ' એન્જલનું નાનપણ યાદ કરતા અમેયના ચહેરા પર આછું સ્મિત ફરકી ગયું.

‘બિલોરીએ તમારા પપ્પા સાથે મેરેજ કર્યા, એ પછી પણ તમારા સંબંધ બદલાયા નહિ?'
‘શું કામ બદલાય? ઉલટું મને તો અમારા બેઉની સ્થિતિ સરખી લાગતી હતી. અમે બંનેએ પોતપોતાના પિતાને ગુમાવેલા.જોકે, એની સરખામણીએ મારી કન્ડીશન થોડી સારી હતી. મન થાય ત્યારે હું મારા પપ્પાને મળી તો શકતો હતો.'

‘એન્જલ એના ફાધરને મીસ કરતી હતી?' ‘એ દિવસોમાં...યેસ, એન્જલ એના ફાધરને ભૂલી નહોતી. એન્જલ બહુ ઈમોશનલ છોકરી છે. મારા, એટલેકે એના નવા ફાધરની સાથે પણ એડજસ્ટ થવામાં એને થોડી વાર લાગેલી. જોકે એણે એ નવી રિલેશનશિપ સ્વીકારી લીધી, પછી જાણે જૂનાને સાવ ભૂલી ગઈ. ઊલટું એ તો પપ્પા માટે બહુ પઝેસિવ હતી. કોઈવાર પપ્પા મારા તરફ, અરે બિલોરી તરફ પણ થોડું વધુ ધ્યાન આપતા લાગે તો એન્જલ નારાજ થઇ જતી.'

‘તમને એ વખતે કેવું લાગતું?' ‘તમે એવું પૂછતા હો કે મને ગુસ્સો આવતો કે નહિ, તો ના. મને એન્જલની ઇનસિક્યુરિટી સમજાતી હતી. એને ડર લાગતો હતો કે, ક્યાંક એના નવા પપ્પા પણ એને છોડી ન દે.'
‘છોડી ન દે....એટલે?' વાસુકિએ પૂછ્યું
‘અમેય એની ખુરસીમાં સહેજ ઊંચોનીચો થયો.અને પછી બોલ્યો, 'બિલોરીએ એન્જલના દિમાગમાં ઠસાવી દીધેલું કે જિમીએ એમને છોડી દીધેલાં.' ‘ઓકે'

‘અને મને ખરાબ નહોતું લાગતું કારણકે એન્જલ મારા માટે પણ એટલી જ પઝેસિવ હતી. શરૂઆતમાં એને વધુ ફ્રેન્ડ્સ નહોતા. એના માટે હું જ એનો બેસ્ટ ફ્રેન્ડ હતો. હું ત્રણ ચાર દિવસ પપ્પાને ઘેર ન જાઉં તો એન્જલ અપસેટ થઇ જતી. એને મારી સાથે વાતો કરવાનું, રમવાનું ગમતું.કદાચ હું જ એની વાતો સાંભળતો હતો. પપ્પા અને બિલોરી તો એમનાં કામમાં બિઝી રહેતાં હતાં. મારા માટે એન્જલ , અમરની નાની એડિશન હતી. બંનેને વાતેવાતે વાંકુ પડી જાય.'

‘અમરને એન્જલ સાથે કેવું બનતું?' ‘એમની વચ્ચે દોસ્તી નહોતી, અને દુશ્મની પણ નહિ. અમર તો જોકે પપ્પાને ઘેર પણ ઓછું આવતો. અને પછી તો બોર્ડિંગ સ્કૂલમાં જતો રહ્યો.'
‘અને પછી ઉત્સવી આવી' વાસુકિએ કહ્યું.

‘હા' ‘એન્જલને નહિ ગમ્યું હોય'

‘તમને કદાચ વિચિત્ર લાગશે, પણ શરૂઆતમાં તો એન્જલ બહુ ખુશ થયેલી. હું એનો બેસ્ટ ફ્રેન્ડ હતો, પણ નવદસ વરસની છોકરી સાથે હું એના ઇન્ટરેસ્ટની કેટલી વાત કરી શકું? મારાથી એ લગભગ બાર વરસ નાની છે. મારૂ પોતાનું મોટું ફ્રેન્ડ સર્કલ હતું, છે. વળી બિલોરીને કારણે ધીમેધીમે પપ્પાને ત્યાં મારું જવાનું ઓછું થવા લાગેલું. બીજી તરફ ઉત્સવી યંગ હતી,બ્યુટિફુલ એન્ડ મોડર્ન હતી, અને સહુથી મોટી વાત, એ છોકરી હતી. એન્જલને એની સાથે મજા આવતી. ઉત્સવી એને બહાર જતી વખતે તૈયાર કરત, કોઈવાર હેરકટ માટે તો કોઈવાર શોપિંગ માટે લઇ જતી. એન્જલના ‘બેસ્ટ ફ્રેન્ડ' તરીકેની મારી જગ્યા ઉત્સવીએ લીધી.

ઉત્સવી સાથે મારી દોસ્તી થઇ ત્યારે શરૂ શરૂમાં તો એન્જલને બહુ ગમેલું. એને લાગ્યું હતું કે અમારી ત્રણ જણની ટીમ બની ગયેલી, અને એ સેન્ટરમાં હતી. અમારી સાથે મુવી માટે જવાની જીદ કરતી, અને ત્યાં મારી ને ઉત્સવીની વચ્ચે જ બેસવાનો આગ્રહ રાખતી.'

‘તમને કંટાળો આવવા લાગ્યો હશે?' વાસુકિએ કહ્યું. ‘હા, ધીમેધીમે' અમેયે કબૂલ કરી લીધું. ‘અફકોર્સ, ત્યારે હજી હું અને ઉત્સવી એકબીજાની એટલાં નજીક નહોતાં આવ્યાં. પણ તોયે અમારી ઉંમર વચ્ચે માંડ બે વરસનો ફરક છે, એટલે નેચરલી, એન્જલ કરતા અમને એકબીજાની કંપનીમાં વધુ મજા આવતી હતી. એન્જલ એની બાલિશ વાતો સંભળાવવાનો આગ્રહ રાખે ત્યારે કંટાળો આવતો, કોઈવાર ચીઢ પણ આવી જતી. ઘરમાં એન્જલ હોય, ત્યારે તો અમને એકલાં પડવાનો ચાન્સ જ નહોતો મળતો.'

‘અને પછી તમે પ્રેમમાં પડ્યાં' વાસુકિએ કહ્યું. ‘હા.' ‘એન્જલને ખબર પડી ગયેલી?' ‘આઈ થિંક સો..... એકવાર ઉત્સવી મારા રૂમમાં હતી અને અમે.....ત્યારે એન્જલ અચાનક આવી ગયેલી' ‘એનું રિએક્શન કેવું હતું?'

ત્યારે ને ત્યારે હું જોઈ ન શક્યો. એકાએક આમ ટપકી પડેલી એન્જલને જોઇને હું તો હેબતાઈ ગયેલો. ઉત્સવીને પણ આંચકો લાગ્યો, પણ એ જલ્દી બહાર આવી ગઈ. એણે કહ્યું, એન્જલ, આમ નોક કર્યા વિના કોઈના રૂમમાં આવી ન જવાય, તો એન્જલે કંઈ એવું કહ્યું કે, આ કોઈનો રૂમ નથી, અમેયનો છે, અને અહી આવવા માટે એણે નોક કરવાની જરૂર નથી......ઉત્સવીએ મારી સામે જોયું અને પછી કંઈ બોલ્યા વિના જતી રહી.'

‘અને એન્જલ?' ‘એ ત્યાં જ બેસી ગઈ, અને મને સીધેસીધું પૂછ્યું, "ડુ યુ લાઈક હર?’ પહેલા તો હું મૂંઝાઈ ગયો, પણ પછી મેં કહી દીધું, 'યેસ એન્જલ, આઈ લાઈક યોર માસી'
‘એણે શું કહ્યું?'

‘એન્જલ જોરથી ચીસ પાડીને બોલી, ‘એ મારી માસી નહિ, બહેન છે.' ‘શું?' વાસુકિ ચમકી ગયો. ‘હા.ઉત્સવી, બિલોરીની દીકરી નહિ પણ બહેન છે, એ મેં પહેલીવાર એન્જલના મોઢેથી સાંભળેલું. જોકે ત્યારે હું સમજ્યો કે, ઉત્સવી એન્જલને બહેન જેવા લાડ લડાવતી હતી, એટલે એણે એવું કહ્યું હશે.

‘પછી?' ‘મેં એને થોડી ઠંડી પાડવા માટે મજાક કરી કે,'ઉત્સવી તારી બહેન હોય, તો તારે પછી મને જીજાજી કહેવું પડશે.ચાલશે? તો એણે પાછી ચીસ પાડી, "નો, યુ આર માય ભાલુ" અને પછી રડતી રડતી રૂમમાંથી જતી રહી.હું મૂંઝાઈ ગયો. પણ એટલામાં બિલોરી ઘેર આવી ગઈ. એની સાથે કોઈ ગેસ્ટ હતા. ઉત્સવી એના રૂમમાં જતી રહેલી. હું એ રાતે મમ્મીને ઘેર ગયો, અને ત્યાં જ રોકાઈ ગયો. મોડેથી ઉત્સવી સાથે ફોન પર વાત થઇ, મેં એને કહ્યું કે, એન્જલ હજી અણસમજુ છે એટલે આપણને આમ જોઇને થોડી કન્ફ્યુઝ્ડ થઇ ગઈ હશે, પણ થોડા દિવસમાં બધું ઠીક થઇ જશે.

અમે ત્યારે એમ પણ નક્કી કર્યું કે પછીના થોડા દિવસ બહાર મળવું. મને થોડું ટેન્શન હતું કે એન્જલે ક્યાંક બિલોરી પાસે જઈને બધું કહી ન દીધું હોય. પણ ઉત્સવીને ચિંતા નહોતી. એણે કહ્યું કે આજ નહિ તો કાલ બધાંને ખબર પડવાની જ હતી.હા, મારો ઈરાદો બદલવાનો હોય, તો વાત જુદી હતી. મેં એને કહ્યું કે એવું ક્યારેય નહિ થાય.'

‘તમે એને કહ્યું કે એન્જલ શું બોલેલી?' ‘ત્યારે તો એ વાત એટલી સીલી લાગેલી કે ઉત્સવીને કહ્યું નહિ.બીજે દિવસે અમે એક કોમન ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં મળ્યાં. પછીના બેત્રણ દિવસ અમે બંને બીઝી હતા, એટલે માત્ર ફોન પર વાત થતી. અને પછી એન્જલે કહેલી વાત મગજમાંથી નીકળી ગઈ.અને, ઉત્સવીના કહેવા પ્રમાણે એન્જલ બે દિવસ એની સાથે નહોતી બોલી, પણ પછી ઠીક થઇ ગઈ હોય એવું લાગતું હતું. બિલોરીના કાને વાત નહોતી પહોંચી' ‘પછી?' ‘બીજે અઠવાડિયેથી પાછું મેં પપ્પાને ત્યાં આવવા જવાનું શરુ કરી દીધું.

પેલા દિવસ પછી પહેલીવાર ગયો તો એન્જલ દોડતી આવીને મને વળગી પડી અને બોલી, "આઈ લવ યુ ભાલુ’. મને લાગ્યું કે એનો ગુસ્સો, કન્ફયુઝન જે હોય તે દૂર થઇ ગયેલું. એટલે મેં પણ એને ‘આઈ લવ યુ ટુ, માય કીટન’ કહીને એનું નાક ખેંચી લીધું. મને તો પછી બધું નોર્મલ થઇ ગયેલું લાગ્યું. સર, સાચું કહું છું, એન્જલના બિહેવિયરમાં કોઈ ફરક આવ્યો હોય તોયે મેં નોટિસ નહોતું કર્યું.

પણ અચાનક એક દિવસ ઉત્સવીએ મને કહ્યું કે, ''આઈ થિંક એન્જલ ઈઝ ઇન લવ વિથ યુ." મેં એની વાત લાઈટલી લઈને કહ્યું, કે "અફકોર્સ, એ મુંબઈમાં આવી ત્યારથી હું એનો નબર વન બેસ્ટ ફ્રેન્ડ છું, એ તો તું વચ્ચે આવી ગઈ..." પણ ઉત્સવી સિરિયસ હતી. એને ખાતરી હતી કે, એન્જલ અમારી રિલેશનશીપથી નારાજ હતી.એન્જલને લાગતું હતું કે, એના માટેના મારા પ્રેમમાં ઉત્સવી ભાગ પડાવવા આવેલી.'‘તમે શું કહ્યું?' ‘મેં ઉત્સવીને સમજાવી કે એને ગેરસમજ થયેલી. એન્જલ તો હજી માંડ બાર  વરસની ટેણકી હતી. બીજાઓને ભલે મોટી થઇ ગયેલી લાગતી હોય, પણ મને તો હજી ઢીંગલી જ લાગતી હતી.

એનામાં છોકરમત તો હદ બહારની હતી.નાનપણથી મને બેસ્ટ ફ્રેન્ડ માનતી એન્જલ મારા માટે પઝેસિવ હતી એ સાચું, પણ એનો અર્થ એવો નહોતો કે, એ મને કોઈ જુદી નજરે જોતી હોય. જોકે ઉત્સવીના દિમાગમાં ઘુસી ગયેલો વહેમ દૂર નહોતો થતો. પછીના દિવસોમાં અનેકવાર એણે મને કહ્યું કે, મારી હાજરીમાં ભલે એન્જલ, રિયલ એન્જલની જેમ વર્તતી હોય, પણ મારી પીઠ ફરતાની સાથે એનું વર્તન બદલાઈ જતું. બિલોરી સાથે પણ ઉત્સવીના સંબંધ વધુ ને વધુ બગડી રહ્યા હતા. મારી સાથે તો બિલોરીને પહેલેથી નહોતું જામતું. આમને આમ એક દોઢ વરસ નીકળી ગયું.

છેવટે અમે ઘર છોડી દેવાનું નક્કી કરી લીધું. ઉત્સવી સાથેની મારી રિલેશનશીપ વિષે તો ત્યાં સુધીમાં બધાં જાણી ગયેલાં. મેં બાન્દ્રામાં એક ભાડાનું ઘર શોધી કાઢ્યું, અને થોડા દિવસમાં ઉત્સવી પણ મારી સાથે રહેવા આવી ગઈ. પછી તો અમે મનાલી એના નાનાજીને ઘેર પણ જઈ આવ્યાં.'

‘ત્યાં સુધીમાં તમને જાણ થઇ ગયેલી કે ઉત્સવી બિલોરીની બહેન હતી?' ‘હા, ઉત્સવીએ જ મને કહી દીધેલું, અને મેં પછી પપ્પાને પણ કહેલું.' ‘પણ એ માન્યા નહોતા' ‘કદાચ અંદરખાને એમને મારી વાત સાચી લાગી હશે, કદાચ ઘરની ચાર દીવાલ વચ્ચે એમણે બિલોરીના મોઢે સાચું બોલાવ્યું હશે, પણ દુનિયા સામે કબૂલતા શરમ આવતી હશે કે આટલા વરસ બિલોરીએ એમને બેવકૂફ બનાવેલાં.આઈ ડોન્ટ નો....' અમેય ખભા હલાવ્યા. ‘પણ એન્જલ બહુ પહેલેથી આ વાત જાણતી હતી. રાઈટ?' ‘હા. એ મને પછીથી સમજાયું.' ‘એને કોણે કહેલું, બિલોરીએ? વાસુકિએ પૂછ્યું. ‘ના, લકીએ' અમેયે જવાબ આપ્યો.

‘લકીએ એન્જલને કહું દીધેલું કે એ.......' વાસુકિ પોતાનું આશ્ચર્ય છુપાવી ન શક્યા.
‘હા, આ વાત મને બહુ પાછળથી ખબર પડી. અને ત્યારે હું તો ઓલરેડી જાણતો હતો.' અમેયે આંખો ચોળતા કહ્યું. એના ચહેરા પર થાક વર્તાવા લાગેલો.
‘અમેય, મને વિગતવાર કહો.' વાસુકિએ આદેશ આપ્યો.

‘સર, મને તારીખ, મહિનો તો એક્ઝેક્ટલી યાદ નથી, પણ હું અને ઉત્સવી બાન્દ્રાના ફ્લેટમાં રહેવા ગયા, એના આઠ-દસ મહિના પછી એકવાર એન્જલ અમારે ત્યાં આવી ત્યારે એણે કહ્યું, એવો આછો આછો ખ્યાલ અત્યારે છે.'
‘વેઇટ, એન્જલ તમારે ત્યાં આવેલી..... મીન્સ તમારા ફાધરનું ઘર છોડવા પાછળ એક કારણ એન્જલ હતી, પણ એ પછી તમારે ઘેર આવતી હતી?' વાસુકિએ સવાલ કર્યો. અમેયે નિશ્વાસ નાખતા કહ્યું, ‘ધેટ ઈઝ અનધર સ્ટોરી.' ‘કહી નાખો, અમે અહી બધાની બધી સ્ટોરીઝ સાંભળવા જ બેઠાં છીએ.' વાસુકિએ કહ્યું.

‘હું બાન્દ્રા રહેવા જવાનો હતો, એ સાંભળીને એન્જલ રડવા બેસી ગયેલી. મેં એને સમજાવી કે હું પહેલાની જેમ આવતો જતો રહીશ. જોકે આ કહેતી વખતે હું જાણતો હતો કે,આવું નહોતું થવાનું. પપ્પા અને બિલોરી સાથે ચાલ્યા કરતી તકરાર, ઉત્સવીના બિલોરી સાથેના ઝઘડા, એન્જલ માટેની એની ફરિયાદ, આ બધાથી હું એટલો કંટાળી ગયેલો કે, ત્યારે તો મેં એવું જ વિચારેલું, કે ક્યારેય એ ઘરમાં પાછો પગ નહિ મૂકું.અને મને એવું પણ લાગતું હતું કે એન્જલને મારું અટેચમેન્ટ જલદી છૂટી જાય તો સારું. મારે ઉત્સવી સાથે શાંતિથી જીવવું હતું.' ‘પણ એવું થયું નહિ.' વાસુકિએ ધારી લીધું.

અમેયે ચહેરા પર હાથ ફેરવ્યો. ‘મને નવા ઘરે ગયાને માંડ આઠ-દસ દિવસ થયા હશે. ઉત્સવી હજી મારી સાથે રહેવા નહોતી આવી, ત્યાં એક દિવસ પપ્પાનો ફોન આવ્યો કે ઘેર આવીને એન્જલને મળી જા, એ બહુ રડતી હતી. મેં કહ્યું કે, એકાદ બે દિવસમાં આવી જઈશ,પણ ગયો નહિ.

પછી બિલોરીનો ફોન આવ્યો.એણે કહ્યું કે એન્જલ જમતી નહોતી, એકવાર હું એને મળી જાઉં . બિલોરીએ મને આવી રિક્વેસ્ટ કરવી પડી, ત્યારે મને લાગ્યું કે મામલો ખરેખર સિરિયસ હોવો જોઈએ. એ સાંજે હું ત્યાં ગયો, એન્જલને સમજાવી , જમાડીને પાછો ફર્યો.પણ એને તો પછી આવી આદત પડી ગઈ. મને ફોન કરે, હું રિસીવ ન કરું તો ઉત્સવીને ફોન પર હેરાન કરે.

‘ઉત્સવી તમારી સાથે રહેવા આવી ગયેલી?' ‘હા.એન્જલ ત્યાં ઘરમાં રડારોળ કરે, ખાવાનું છોડી દે, એકવાર તો કંઈ આડુંઅવળું પી ગઈ તો હોસ્પિટલમાં દોડવું પડ્યું. અને.....

‘વેઇટ, તમે કહ્યું કે એન્જલ કંઈ પી ગયેલી. યુ મીન એણે આત્મહત્યાની ટ્રાય કરેલી?' વાસુકિએ પૂછ્યું. ‘આત્મહત્યા.......એવો તો એનો કોઈ ઈરાદો નહિ હોય. ગુસ્સામાં હાથમાં આવ્યું એ મોઢામાં નાખી દીધું હશે....ટીન એજમાં તો બધાં આવા તોફાન કરે.' અમેયે એન્જાલનો બચાવ કર્યો. ‘તમે પણ એવું કંઈ કરેલું?'

‘પપ્પા એકવાર ચિઢાયા તો એમની કાર લઈને નીકળી ગયેલો. જઈને ઝાડ સાથે ભટકાઈ પડ્યો. સદ્નસીબે મને વાગ્યું નહિ.' ‘એન્જલને પણ કંઈ થયું નહિ.' ‘હા, થેંક ગોડ. પણ ત્યારે ઉત્સવી બહુ ગુસ્સે થઈ ગયેલી.એને લાગતું હતું કે એન્જલ મારું ઇમોશનલ બ્લેકમેઈલિંગ કરતી હતી. મારી ધીરજ પણ પછી ખૂટી ગઈ.એક દિવસ મેં, એન્જલને સાફસાફ કહી દીધું કે એ આવું કરતી રહેશે, તો હું મુંબઈ છોડીને જતો રહીશ, અને ક્યારેય પાછો નહિ આવું.'

એન્જલના ગળે વાત ઊતરી હોય એવું લાગ્યું.' સોરી ભાલુ, હું હવે કોઈવાર તને હેરાન નહિ કરું. પણ કોઈકોઈવાર તને મળવા આવું?' એણે એટલા દયામણા અવાજે પૂછ્યું કે મારું દિલ પીગળી ગયું. મેં હા પાડી દીધી. આ વાતને પંદર વીસ દિવસ થયા હશે, અને બિલોરી મુંબઈમાં નહોતી ત્યારે એની કાર અને ડ્રાઈવર સાથે એન્જલ અમારા ઘરે ટપકી પડી, કહ્યું કે અમારું ઘર જોવા આવેલી.

ત્યારે તો એ ઉત્સવી માટે એને ભાવતી ચોકલેટ્સ પણ લઇ આવેલી. અમે એને ડિનર માટે બહાર લઇ ગયા. કોઈ પ્રોબ્લેમ થયો નહિ. મને લાગ્યું કે એન્જલ ડાહી થઇ ગઈ. પછી અમારા ઘરમાં એની અવરજવર શરુ થઇ ગઈ. ઉત્સવીને પણ પછી લાગ્યું કે, છોકરી પંદર વીસ દિવસે એકાદવાર આવતી હતી, હેરાન નહોતી કરતી તો ખાસ વાંધો લેવા જેવું નહોતું.' લાંબું બોલીને અમેય રોકાયો.

‘અને, એ દિવસોમાં કોઈવાર એન્જલે તમને કહ્યું કે, લકી પાસેથી એને પેલી વાત જાણવા મળેલી' વાસુકિએ વાત આગળ ધપાવી. ‘હા, એક દિવસ અમે બેઠાં હતાં ત્યાં અચાનક એણે ઉત્સવીને સાવ કેઝ્યુઅલ ટોનમાં કહ્યું, ‘મને ખબર છે કે તું મારી માસી નહિ સિસ્ટર છે, સ્ટેપ સિસ્ટર'. સાંભળીને ઉત્સવી પહેલા તો ચોંકી ગઈ, પછી એણે પૂછ્યું, ‘અચ્છા, તને કોને કહ્યું?'

‘જવાબમાં એન્જલે લકીનું નામ આપ્યું ત્યારે અમે રિયલી ડઘાઈ ગયા. અને વધુ મોટો આંચકો એ લાગ્યો કે લકીએ આ વાત ઘણા સમય પહેલા, એન્જલને કહી દીધેલી. ઉત્સવી મુંબઈ આવી એના છ જ મહિના પછી લકી જીદ કરીને એને મળવા માટે અમારે ઘેર આવેલો. એને આમેય એન્જલની અદેખાઈ થતી એટલે બિચારીને નાની નાની વાતે ચીડવ્યા કરતો.

કોઈવાર કહે કે તું બંદર જેવી લાગે છે તો કોઈવાર એની પોનીટેઈલ ખેંચે. એક દિવસ ગુસ્સે થયેલી એન્જલે એને 'ગેટ આઉટ ઓફ માય હાઉસ' કહ્યું તો લકીએ કહ્યું, "હું શું કામ જાઉં, આ મારું ને ઉત્સવીનુંયે ઘર છે, બિલોરી અમારી પણ મમ્મી છે.’ બિલોરી આ સાંભળીને મૂંઝાઈ ગઈ. એણે જઈને બિલોરીને કહ્યું.

બિલોરીએ એને કહ્યું કે, "મામા પાગલ છે, ફાવે એવું બોલે છે’ અને પછી આ વાત કોઈને નહિ કહેવાની કડક સૂચના એણે એન્જલને આપી. કહ્યું કે, ‘સ્વેર ઓન મી, તું કોઈને નહિ કહે. કહીશ તો મમ્મી મરી જશે.’ નાની છોકરી ખરેખર ડરી ગઈ. એણે કોઈને કહ્યું નહિ, મને પણ નહિ. ઘણાં સમય પછી એણે ઉત્સવીને મારા રૂમમાં જોઈ, ત્યારે જોકે એનાથી રહેવાયું નહિ, અને બોલી ગઈ.'
‘બિલોરીએ ત્યારે લકીને શું કહ્યું?' વાસુકિએ પૂછ્યું.

‘એ તો અમને ખબર નથી. પણ ઉત્સવી ત્યારે એની કૉલેજની પિકનિક પર ગયેલી. ત્રણ દિવસ પછી ઘેર આવી તો લકી નહોતો. બિલોરીને પૂછ્યું તો એણે બહુ કડક શબ્દોમાં કહી દીધું કે, લકી બહુ ત્રાસ આપતો હતો, એટલે એને મનાલી મોકલી દીધો. અને ઉત્સવીને મુંબઈમાં બિલોરીના ઘરમાં રહેવું હોય તો બીજીવાર એણે લકીને અહી બોલાવવાની વાત પણ ન કરવી.'

‘ઉત્સવીએ કબૂલી લીધું?' ‘હા, એ બિચારી શું કરે? માંડમાંડ તો એને મુંબઈ આવવા મળેલું. એ બિલોરીથી ડરતી હતી, એટલે જ તો સગી માને બહેન કહેવા માટે પણ તૈયાર થઇ ગયેલી. લકી માટે બિલોરી સાથે લડવાની હિંમત એનામાં નહોતી. અને આમ પણ એ લકીનો સ્વભાવ જાણતી હતી.' અમેયે કહ્યું.વાસુકિ અમેય સામે જોઈ રહ્યો. આ બિચારો હજીયે ઉત્સવીને સંજોગોની શિકાર માનતો હતો. એ નહોતો જાણતો કે ઉત્સવીએ બિલોરીને ડરાવી ધમકાવીને પોતાનો મુંબઈ આવવાનો રસ્તો સાફ કરેલો.

લકીને ખાતર એ પોતાનું ભવિષ્ય બગાડવા જેટલી બેવકૂફ નહોતી. જોકે આ તબક્કે અમેયને સચ્ચાઈથી વાકેફ કરવાનો અર્થ નહોતો. વાસુકિએ વિચાર્યું કે એ બાપડો ભલે પોતાની પ્રેમિકા માટેના ભ્રમ જાળવી રાખે. અને ઉત્સવી ભલે ગમે તેટલી ગણતરીબાજ અને લુચ્ચી હોય, પણ કદાચ એ પણ અમેયને સાચો પ્રેમ કરતી હતી. ડાકણ પણ એક ઘર તો છોડે ને.

વગર પૂછ્યે અમેયે આગળ ચલાવ્યું, 'લકીને પણ કદાચ ઉત્સવીનો ડર લાગ્યો હશે, એટલે એણે તો પછી ક્યારેય આ ઘટનાનો ઉલ્લેખ કર્યો જ નહિ, અમે મનાલી ગયા ત્યારે પણ નહિ. અને એન્જલે ન કહ્યું હોત તો અમને ખબર પડવાની જ નહોતી.

એ તબક્કે લકી સાથે લડવાનો કોઈ મતલબ નહોતો. વાસુકિએ અમેય સામે જોઇને કુતૂહલભર્યા અવાજે પૂછ્યું, ‘મને એ નથી સમજાતું કે,પણ એન્જલે આટલા વરસ સુધી દબાવી રાખેલી વાત શું કામ અચાનક તમને લોકોને કહી દીધી?' ‘મને સમજાય છે.' અમેય સહજભાવે બોલ્યો, ‘લકીએ કહ્યું ત્યારે એન્જલ એટલી નાની હતી કે, એને કંઈ સમજાયું નહોતું. ઉત્સવી એની બહેન હોય કે માસી, એને કોઈ ફરક નહોતો પડતો. વળી બિલોરીએ કહ્યું એટલે એણે માની લીધું કે, મામા ખોટું બોલતા હતા.' ‘તો પછી ક્યારે ખબર પડી કે મામા સાચું બોલતા હતા?' વાસુકિએ તરત બીજો સવાલ પૂછ્યો.

અમેયે ઊંડો શ્વાસ લઈને છોડ્યો. ‘સહેજ સમજણી થયા પછી ઘરની અંદર એણે એકવાર બિલોરી અને ઉત્સવીને ઝઘડતાં સાંભળી લીધેલાં.' ‘પછીયે એ ચૂપ રહી?' ‘હા, કમસે કમ મને કે ઉત્સવીને એણે ત્યારે નહોતું કહ્યું. બિલોરીને કહ્યું હોય તો હું નથી જાણતો.'

‘પછી તમારા ઘરમાં આવીને બોલી ગઈ. શું કામ?' અમેય પાસે આ વાતનો પણ જવાબ હતો. ‘એન્જલમાં ઉંમરની સાથે મેચ્યોરિટી આવી ગયેલી. ઉત્સવી માટે એણે એક સમયે જે પણ ગેરસમજ, અદેખાઈ અનુભવી હોય એ ભૂંસાઈ ગયેલી. એણે એ દિવસે ઉત્સવીને જે કહ્યું એ મને બરાબર યાદ છે- તું મારી માસી હોય કે સિસ્ટર, આઈ ડોન્ટ કેર. મારે તો એટલું જ કહેવું છે કે,આઈ લવ યુ. ભૂતકાળમાં મેં તને બહુ હેરાન કરેલી એની માફી માંગુ છું. અને બની શકે તો બિલોરીને પણ માફ કરી દેજે.' ‘એન્જલે આવું કહ્યું?' વાસુકિને આશ્ચર્ય થયું. ‘હા, મેં જે કહ્યું એમાં એકેય શબ્દ મારો નથી.' અમેયના અવાજમાં રહેલી પ્રામાણિકતા વાસુકિએ સાંભળી લીધી.

‘ઉત્સવીએ બિલોરીને માફ કરી દીધી?' ‘ના, એ જખમ બહુ ઊંડા હતા. બિલોરી પ્રત્યેની ઉત્સવીની નફરત, ગુસ્સો ઓછાં થઈ ગયેલા, પણ એની જગ્યાએ પ્રેમ નહોતો જાગી ગયો. અને જાગવાનો પણ નહોતો. જોકે એન્જલની માફી એણે સ્વીકારી લીધી. અને એન્જલ હતી જ એટલી મીઠડી કે, એના પર લાંબો સમય ગુસ્સો ટકી ન શકે.

‘એન્જલે તમારા પરનો એનો અધિકાર પણ છોડી દીધો?' અમેય હસી પડ્યો, ‘એ મોટી થઇ ગયેલી. પંદરેક વરસની એની ઉંમરે હું તો કદાચ એન્જલને બુઢ્ઢો લાગતો હોઈશ. સ્કૂલમાં એના ક્લાસમાં ભણતો એક છોકરો એન્જલને બહુ ગમતો હતો. એનું ધ્યાન પોતાના ભણી કઈ રીતે ખેંચવું, એની ટિપ્સ, એ ઉત્સવી પાસે માંગતી હતી. ઉત્સવી બેકિંગમાં એક્સપર્ટ હતી. છેલ્લેછેલ્લે એન્જલ એની પાસે કેક, કુકીઝ એવું બધું શીખવાની જીદે ચઢેલી. બેઉ જણ જાતજાતના અખતરા કર્યા કરતાં......' બોલતાં બોલતાં અમેયનો અવાજ ધીમો પડી ગયો. થોડીવાર માટે ભૂતકાળમાં જઈને એણે થોડી ખુશીની પળો તાજી કરી લીધી હતી, પણ પછી અચાનક ભાન થયું કે, એ દિવસો કે એ લોકો હવે પાછા નહોતાં આવવાનાં. એનું સ્મિત વિલાઈ ગયું.

‘પછી ઉત્સવી આમ અચાનક જતી રહી તો એન્જલને ધક્કો લાગ્યો હશે?' વાસુકિએ પૂછ્યું. ‘ઓહ યેસ. એનું તો જાણે મેન્ટલ બેલેન્સ હતી ગયેલું. બધાં સાથે એણે બોલવાનું બંધ કરી દીધેલું, મારી સાથે પણ. હું ચાર દિવસ જઈને પપ્પાને ત્યાં રહ્યો, ત્યારે પણ એન્જલ એના જ રૂમમાં ભરાઈ રહેલી. અમે બંને દુઃખી હતાં. કોણ કોને સાંત્વન આપે? અને પછી મેં સાંભળ્યું કે એન્જલ કેનેડા જતી રહી.' 'તમને વિચિત્ર ન લાગ્યું કે તમારી બહુ નજીક હતી, એ બંને છોકરી આમ વિદેશ જતી રહી. એ પણ તમને કહ્યા વિના?' વાસુકિએ પૂછ્યું.

‘સાચું કહું તો મને ત્યારે માત્ર ઉત્સવીની ચિંતા હતી. એ યુએસ જતી રહેલી, એ વાત મેં ક્યારેય માની જ નહોતી.'‘ઉત્સવી ગુમ થઇ ગઈ, ત્યારે લકી મુંબઈમાં હતો, રાઈટ?' વાસુકિએ કહ્યું. ‘હા, જોકે હું એને નહોતો મળ્યો.'

‘એ શું કામ મુંબઈ આવેલો?' ‘આઈ એમ નોટ શ્યોર, પણ એ ઘણા વખતથી નોકરી માટે ફોરેન જવાની ટ્રાય કરતો હતો.કદાચ એટલે આવ્યો હશે. જોકે એ માણસને કોઈ અહી પણ કામે ન રાખે' લકી પ્રત્યેની ઘૃણા અમેયના અવાજમાં સ્પષ્ટ દેખાતી હતી. ‘તમે એને પણ ઉત્સવી વિષે પૂછપરછ કરી હશે?' ‘હા, ફોન કર્યો તો કહે ઉત્સવી યુએસ જતી રહેલી. આમ તો હંમેશાં બિલોરીને ગાળો આપતો હતો, પણ આ વખતે બિલોરીએ કહ્યું અને એણે માની લીધું. એ કેટલો કમઅક્કલ છે, એ હું પહેલેથી ન જાણતો હોત તો ઉત્સવીના ગુમ થવા પાછળ એનો જ હાથ માની લેત.'

‘કમઅક્કલ લોકો ક્રાઈમ ન કરે?’ વાસુકિએ પૂછ્યું. અમેય ચૂપ થઇ ગયો. ‘બિલોરીના કહેવા પ્રમાણે ઉત્સવીએ લકીને ડિએડિક્શન ટ્રીટમેન્ટ માટે મુંબઈ બોલાવેલો. ‘ઉત્સવીનું માથું નહોતું ખરાબ થઇ ગયું કે એ લકીની ઉપાધિ વહોરી લે. ભૂતકાળમાં એણે લકીને ઘણી મદદ કરેલી, પણ બધું નકામું ગયું. એણે લકીના નામનું લગભગ નાહી નાખેલું.' ‘તમારા કહેવા પ્રમાણે તમે છેલ્લે ઉત્સવીને બાંદ્રામાં એક જ્યૂસ સેન્ટર પાસે, બિલોરી અને જિમી નાયર સાથે કારમાં બેસતી જોયેલી?'

‘હા' ‘તમે જિમીને ઓળખતા હતા?' 'ના.કદાચ ઉત્સવીએ વાતવાતમાં એનો ઉલ્લેખ કર્યો હોય તો મને યાદ નથી.' ‘તમે પોતપોતાના કે એકબીજાના ભૂતકાળ વિષે વાત નહોતા કરતા?' ‘ના,શું કામ કરીએ? અમે વર્તમાનમાં સુખી હતા, અને ભવિષ્યનાં સપનાં જોતાં હતાં.'

અમેય સાહજિકભાવે જવાબ આપ્યો. ‘આમ અચાનક જિમી નાયર આવ્યો, અને ઉત્સવી એની સાથે મઢ આયલેન્ડ જવા તૈયાર થઇ ગઈ, એ થોડું અજીબ નહોતું?' વાસુકિએ પૂછ્યું. ‘અજીબ તો થોડું ઉત્સવીને લાગેલું. બિલોરીએ એને ફોન કરીને કહ્યું કે એની સાથે કોઈ ઈમ્પોર્ટન્ટ વાત કરવા માટે મળવું હતું. ઉત્સવીએ પહેલા તો ના પાડી. થોડા દિવસથી એની તબિયત સારી નહોતી રહેતી. પેટમાં દુખે, ચક્કર આવે,નબળાઈ લાગે.' અને પછી કદાચ વાસુકિના ચહેરા પર આવી ગયેલા ભાવ જોઇને અમયે સ્પષ્ટતા કરી, ‘શી વોઝ નોટ પ્રેગ્નન્ટ.'

‘ઓકે.'
‘વળી એ સાંજે મારે જયપુર જવાનું હતું. પણ બિલોરીએ એટલો આગ્રહ કર્યો કે છેવટે ઉત્સવીએ નમતું જોખ્યું. હું એને મુકવા ગયો, ત્યારે જોકે કારમાં જિમી નાયરને જોઈને ઉત્સવી ભડકી ગઈ. એણે જવાની આનાકાની કરી પણ પછી ગઈ. હું ઘેર પાછો આવ્યો. એરપોર્ટ પરથી મેં ઉત્સવીને ફોન કર્યો, પણ સતત સ્વિચ્ડ ઓફફનો મેસેજ મળતો રહ્યો. જયપુર પહોંચ્યા પછીયે એનો કોન્ટેક્ટ ન થયો. બસ પછી તો.....' અમેયનો અવાજ તરડાઇ ગયો. વાસુકિએ એની સામે પાણીનો ગ્લાસ સરકાવ્યો. અમેયની લાગણીમાં એને કોઈ કૃત્રિમતા નહોતી વર્તાતી.

એ પછી, બીજા થોડા સવાલ પૂછીને એણે અમેયને જવાની રજા આપી. સાથેસાથે સૂચના આપી કે, પોલીસને જાણ કર્યા વિના શહેરની બહાર જવું નહિ. અમેયે થોડા મૂંઝાઈને કહ્યું, ‘પણ સર, આવતી કાલે મારે જેસલમેર જવાનું છે.' ‘ઓહ યસ.' કહીને વાસુકિ એની સામે તાકી રહ્યા. થોડો વિચાર કર્યા પછી એણે કહ્યું, ‘ઓલરાઈટ જઈ આવો. પણ પછી બોલાવીએ ત્યારે આવી જજો.' ‘શ્યોર સર.' કહીને અમેય ઊભો થયો. જોકે રૂમના દરવાજે જઈને એ ઊભો રહી ગયો. ‘સર.' એ ખચકાયો.

‘બોલો.' વાસુકિએ એની સામે જોયું.
‘ડેડબોડી હજી મળ્યું નથી ને?' એણે પૂછ્યું.

હા કે ના પાડ્યા વિના વાસુકિ એને તાકી રહ્યો. અમેય જાણેઅજાણે પોલીસની દુઃખતી રગ દબાવી બેઠેલો. બિલોરી આ મુદ્દે પોતાની નિર્દોષતાનો દાવો પકડીને બેઠી હતી.જોકે અમેયનો ઈરાદો જુદો હતો. ‘સર' એણે સાવ ધીમા અવાજે પૂછ્યું, ‘ઈઝ ઈટ પોસિબલ કે ઉત્સવી હજી.....' એ વાક્ય પૂરું ન કરી શક્યો.

કઠણ કાળજાના પોલીસ ઓફિસરની જીભ પણ 'ના' બોલવા માટે ઉપડી ન શકી. વાસુકિએ માત્ર નકારમાં માથું ધુણાવ્યું. અમેય નીચું જોઇને બહાર નીકળી ગયો.
‘સર, શું લાગે છે?' અમેયના ગયા પછી ઇન્સ્પેક્ટર કુરેશીએ વાસુકિને પૂછ્યું. ‘અત્યારે તો એવું લાગે છે કે, ઉત્સવીના મર્ડરમાં આ યુવાનનો હાથ નથી. જોકે......' વાસુકિએ કપાળ પર હાથ ફેરવ્યો.

કુરેશી સમજી ગયો. આ તબક્કે વોરા, નાયર કે સારંગ ફેમિલીમાંથી કોઈને પણ નિર્દોષ હોવાનું સર્ટિફિકેટ આપવાની ઉતાવળ કરવા જેવી નહોતી. સહુની પોતપોતાની થોડી અજીબ લાગે એવી કહાણી હતી. હજીયે કોણ કેટલું કે શું છુપાવતું હશે, એ જાણવાનું બાકી હતું.

‘ઓકે, કુરેશી, રેણુ, હવે તમે મને કહો કે અત્યાર સુધી લોકોએ જે કહ્યું એના પરથી તમને શું લાગે છે?' વાસુકિએ પૂછ્યું. કમિશનરને પોતાના આ બે ઓફિસર્સના ઓબ્ઝર્વેશન એન્ડ એનેલિટિકલ પાવર પર ખાસ્સો ભરોસો હતો. એટલે તો કેસની શરૂઆતથી મહત્ત્વના લોકોના ઇન્ટ્રોગેશન વખતે એમને હાજર રાખવાનો આગ્રહ વાસુકિએ રાખેલો.

પેલાં બે પણ જાણતાં હતાં કે, ઇન્ટ્રોગેશન વખતે ભલે એમણે ઝાઝું બોલવાનું ન હોય, પણ પછી મોડી સાંજે, ક્યારેક તો મોડી રાત સુધી કમિશનર વાસુકિ સાથે ચાલનારી મિટિંગમાં એમણે પોતપોતાના વિચાર વિના સંકોચે રજૂ કરવાના હતા. અને જરૂર લાગી તો એમના સિનિયરને નાનુંમોટું સજેશન આપવામાં પણ ખચકાવાની જરૂર નહોતી. કામની બાબતમાં વાસુકિને કોઈ ઈગો પ્રોબ્લેમ નહોતો નડતો. રેણુએ શરૂઆત કરી.‘સર, અમેયે ઉત્સવીને શોધવાની ટ્રાય કરેલી, એમાં કોઈ શંકા નથી.

અને બાન્દ્રા પોલીસે એની ફરિયાદ પર ધ્યાન ન આપ્યું, એ વાતથી આખાયે ડિપાર્ટમેન્ટની આબરૂ થોડી ખરડાઈ છે, એ હકીકત છે. મીડિયામાં એવી શંકા પણ ઊભી કરાઈ છે કે, બિલોરીએ ત્યાં પણ પોતાની વગ વાપરેલી. આ ખોટું હોય તોયે પોલીસની ભૂલ તો થઇ જ છે.' ‘રાઈટ' વાસુકિએ કબૂલ્યું.

‘બાપડો અમેય, કોઈએ એને સિરિયસલી લીધો નહિ. એના સગા બાપે પણ નહિ.' કુરેશી બોલ્યો. ‘હા, અધિરથને એણે પહેલીવાર કહ્યું કે ઉત્સવી બિલોરીની બહેન હતી, ત્યારે પણ પેલાએ સાંભળ્યું ન સાંભળ્યું કરેલું'. રેણુ બોલી. ‘અહીં કદાચ અમેયે દાખવેલી ધારણા સાચી હોય. એક તબક્કે અધિરથને ઉત્સવી, બિલોરીની બહેન નહિ પણ દીકરી હોવાની ખબર પડી ગઈ હશે. પણ દુનિયા સામે હાંસીપાત્ર ઠરવાની બીકે એણે હોઠ સીવી રાખ્યા.' કુરેશીએ કહ્યું.

‘મર્ડરમાં એ સામેલ હશે?' વાસુકિએ પૂછ્યું . રેણુએ કુરેશી સામે જોયું. એ થોડું વિચારીને બોલ્યો,' ઓનેસ્ટલી સ્પીકિંગ, વી ડોન્ટ નો. પણ આટલાં વરસોથી ઘરની અંદર સાળીના રૂપમાં રહેલી, અને પછી પોતાના દીકરા સાથે રહેવા ગયેલી યુવતી અચાનક ગુમ થઇ જાય, અને અધિરથ જેવા માણસને કઈ ખોટું થયાની શંકા ન પડે, એ ગળે નથી ઊતરતું.

અરે ઉત્સવીનો પાસપોર્ટ અમેય પાસે હતો એવું સાંભળ્યા પછીયે અધિરથે બિલોરીની વાતમાં વિશ્વાસ રાખ્યો કે, ઉત્સવી યુએસ જતી રહેલી. આ વાત કોણ માની શકે?' ‘નાનું બાળક પણ નહિ' રેણુ બોલી. ‘જુઓને સર, અધિરથે આપણી સામે સાફસાફ કબૂલી લીધું કે, બિઝનેસ અને પૈસાની બાબતમાં એણે બિલોરીને અંધારામાં રાખેલી. મતલબ એને બિલોરીમાં પહેલેથી ભરોસો નહોતો. અત્યારે બધાંને કહેતો ફરે છે કે, એણે દીકરાને બદલે પત્નીની વાત પર વિશ્વાસ રાખ્યો કારણકે એ બિલોરીને બહુ પ્રેમ કરતો હતો વગેરે વગેરે.

પણ હકીકત એ છે કે અધિરથને બિલોરી અને એન્જલ કરતા પોતાના બે દીકરા માટે વધુ લાગણી હતી. તો પછી, એણે અમેયની વાત શું કામ માની નહિ, કે ઉત્સવીને શોધવામાં એની મદદ કરી નહિ.' કુરેશીએ મુદ્દાની વાત કરી. ‘મીન્સ, એ બધું જાણતો હતો?' વાસુકિએ ભ્રમર ઊંચી કરતા પૂછ્યું. ‘હા, અને જાણ્યા પછીયે એ ચૂપ રહ્યો.' કુરેશીએ લગભગ ખાતરી હોય એમ કહ્યું. ‘શું કામ?'

‘એ તો એ જાણે. કદાચ ત્યાં પૈસાનો એન્ગલ હોઈ શકે. મીડિયામાં એવી જોરદાર ચર્ચા છે કે, બિલોરી અને અધિરથનાં કાળાં નાણાંના વ્યવહાર વિશે ઉત્સવીને ઘણી ખબર હતી. એ લોકોએ એને કંપનીમાં ડિરેક્ટર બનાવી ત્યારે ખબર નહિ હોય કે હાથે કરીને પગ પર કુહાડો મારી રહ્યા છે.' ‘કે પછી ઉત્સવીને ચૂપ રાખવા માટે ડિરેક્ટરશિપ ઓફર થયેલી. પણ પછી એ છોકરીએ મોઢું વધુ ફાડયું.' રેણુએ બીજી શક્યતા દર્શાવી.

‘એટલે પછી અધિરથે ઉત્સવીના જવાથી રાહત અનુભવી હશે, એમ?' વાસુકિએ પૂછ્યું.

નાનપણથી જ જુઓ ને, ચંદીગઢમાં એણે બિલોરી, જિમી અને એક વરસની એન્જલ સાથે જે કર્યું, એ કોઈ સીધીસાદી દસ અગિયાર વરસની છોકરી ન કરી શકે, અરે એવી કલ્પના પણ ન કરી શકે.' ‘હં' વાસુકિએ માથું હલાવ્યું. ‘પછી બિલોરી અને અધિરથની બધીયે મિલકત એન્જલ ન લઇ જાય, એટલે પોતે મુંબઈ આવવાનો પ્લાન બનાવ્યો.એમાં સાથ આપવા માટે લકીનું બ્રેઈનવોશ કર્યું, બિલોરીને બ્લેકમેઈલ કરી. અને અહી આવ્યાં પછી અધિરથ સાથે પણ વધતે ઓછે અંશે એણે એ જ રમત કરી, જે નાનપણમાં જિમી સાથે કરેલી. અને પછી અમેયને પકડ્યો. લકીને તો એણે સાવ તડકે જ મૂકી દીધો.'

‘પૈસા માટે?' વાસુકિએ પૂછ્યું. અહી રેણુએ પોતાની થિયરી રજૂ કરી. ‘પૈસાએ ભાગ તો ભજવ્યો જ હશે, પણ એ બહુ પછીની વાત છે. બાકી, ઉત્સવીને વધુ રસ બિલોરીને બાળવામાં, હેરાન કરવામાં હતો. ચંદીગઢમાં જિમી સાથે એણે જે કર્યું, એમાં પૈસાનો પ્રશ્ન ક્યાં હતો? આઈ ફીલ, નાનપણમાં પોતાને તરછોડી દેવા બદલ ઉત્સવીએ બિલોરીને ક્યારેય માફ નહોતી કરી.

અને પછી તો વરસોવરસ એના ગુસ્સામાં વધારો થતો રહ્યો. છેલ્લે બિલોરીએ એન્જલને પોતાની અને અધિરથની વારસદાર બનાવી, એ ઉત્સવી માટે સહુથી મોટો ઘા હશે.' ‘પણ, છેવટે પોતાના ગુસ્સાનો ભોગ એ પોતે જ બની ગઈ ને.' વાસુકિએ કહ્યું.

કુરેશી બોલ્યો,‘સર, ઉત્સવી આગ સાથે રમત માંડીને બેઠેલી. એણે કદાચ બિલોરીને અન્ડરએસ્ટિમેટ કરેલી. ઉત્સવીએ કદાચ સપને પણ નહિ ધાર્યું હોય કે એનાંથી ત્રાસી ગયેલી બિલોરી એક દિવસ ખૂન કરવાની હદે પહોંચી જશે.' ‘રાઈટ' રેણુએ સહમતિ દર્શાવી.

‘પણ, ઉત્સવી તો પછી બિલોરીથી દૂર અમેય સાથે રહેવા જતી રહેલી. અમેયનું કહ્યું માનીએ તો ઉત્સવીને માત્ર એની સાથે શાંતિથી જીવવું હતું. અને એ લોકો સુખી હતા.' વાસુકિએ યાદ દેવડાવ્યું.

‘આઈ એમ સોરી સર, પણ મને અમેય બહુ સ્માર્ટ નથી લાગતો. ઉત્સવીએ કહ્યું એટલું બધું માનીને એ બેઠો છે. શક્ય છે કે, અધિરથની પહેલી ઇમ્પ્રેશન સાચી હોય, ઉત્સવી અમેયનો માત્ર યુઝ કરતી હોય. બિલોરીને હેરાન કરવા માટે હજી એણે બીજા ઘણા પ્લાન બનાવ્યા હશે. કદાચ એ મોકાની રાહ જોતી હતી. પણ બિલોરી સમજી ગઈ અને એણે મોટા તોફાનને આવતાં પહેલાં જ અટકાવી દીધું.' કુરેશીએ માદીકરી વચ્ચેની લડાઈમાં શું થયું હશે, એ વિશે પોતાની ધારણા રજૂ કરી.

‘મતલબ, બિલોરીએ ઉત્સવીની હત્યા કરી છે, એમાં તમને કોઈ શક નથી.' વાસુકિએ કહ્યું. ‘બિલકુલ નહિ.' કુરેશીએ ભારપૂર્વક કહ્યું. ‘અને જિમી નાયર?' ‘બિલોરીએ એનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. એને કહ્યું કે ઉત્સવી હશે ત્યાં સુધી એન્જલ સુખેથી જીવી નહિ શકે.'

‘દીકરી માટેનો પ્રેમ એને ખેંચી લાવ્યો?' આ સવાલનો જવાબ રેણુએ આપ્યો. ‘સર, જિમી નાયર એન્જલનો બાયોલોજિકલ ફાધર હતો, એટલે એને પોતાના સંતાન માટે સહેજસાજ લાગણી હોય એ માની શકાય. પણ, બીજી તરફ એ વર્ષોથી એન્જલને નહોતો મળ્યો.આઉટ ઓફ સાઈટ, આઉટ ઓફ માઈન્ડ, એ વાત દરેક સંબંધને લાગુ પડતી હોય છે. જિમી ભલે એન્જલને પોતાની વારસદાર બનાવી રાખ્યાનું કહેતો હોય, પણ એની આર્થિક સ્થિતિ જોતા લાગે છે કે, જિમી પાસે એવી કોઈ મોટી જમીનજાયદાદ નથી.'

‘તો?' ‘પૈસાની લાલચ. સર, આપણને અત્યાર સુધીમાં એટલી ઇન્ફર્મેશન તો મળી જ ગઈ છે કે, ડિવોર્સ થયા પછીયે બિલોરીએ જિમી સાથે સંબંધ રાખેલા. એની પાછળ માત્ર પ્રેમ હોય, એ તો શક્ય જ નથી. કદાચ જિમી પણ બિલોરીને બ્લેકમેઈલ કરતો હતો, કે પછી એન્જલ પરનો પોતાનો અધિકાર છોડી દેવાની કિંમત માંગતો હતો. જે હોય તે, પણ બિલોરીએ આ વખતે એને બહુ મોટી રકમની લાલચ આપી હશે. એટલી મોટી, કે જિમીને થયું એની લાઈફ સેટ થઇ ગઈ. દીકરીને જે મળવાનું હોય એ મળે,પણ એનાં ખિસ્સાં ભરાઈ જવાનાં હતાં. અને પેલા ગરીબ ડ્રાઈવરને ખરીદી લેવાનું તો જરાય અઘરું નહોતું.'

‘અને લકી?' ‘સર, આઈ થિંક, બિલોરીએ જ લકીને મુંબઈ બોલાવેલો, ઉત્સવીના મર્ડર પ્લાનમાં સામેલ કરવા. એ નશેબાજ ભલે પોતાની સાવકી બહેનને બહુ ચાહતો હોવાનો દેખાવ કરે, પણ એને પૈસા સિવાય કોઈ ચીજમાં રસ નથી લાગતો. બાકી, જે બહેનને આટલો પ્રેમ કરતો હોય, એ અચાનક ગુમ થઇ જાય, આટલો સમય આઉટ ઓફ કોન્ટેક્ટ રહે તો ભાઈને ફિકર ન થાય?' કુરેશી હાથ હલાવીને બોલ્યો.

‘હં, એટલે લકી પણ અપરાધમાં સામેલ છે?' સહેજ વિચારીને કુરેશીએ કહ્યું,' ઉત્સવીએ લકીને બોલાવ્યો તો ખરો, પણ પછી મર્ડરમાં એને ડિરેક્ટલી ઇન્વોલ્વ કરવાનો વિચાર માંડી વાળ્યો હશે. લકી બહુ ભરોસાપાત્ર માણસ નથી. છેલ્લી ઘડીએ ફસકી જાય, ઉત્સવીને જઈને કહી દે, કે મર્ડર પછી કોઈવાર ક્યાંક મોઢું ખોલી નાખે, એવા ડરે બિલોરીએ એની હેલ્પ લેવાનું માંડી વાળ્યું હોય.

આઈ એમ નોટ શ્યોર કે લકીને ઉત્સવીનું મર્ડર થઇ ગયાની ખબર હશે. પણ અમેયે કહ્યું એમ થયું હોય. મર્ડર પછી બિલોરીએ પૈસા આપીને લકીનું મોઢું બંધ કરી દીધું, જેથી એ ઝાઝી પડપૂછ ન કરે.'

‘સર, મને તો બિલોરીનાં માબાપ પણ વિચિત્ર ટાઈપના લોકો લાગે છે. એમને પણ ક્યારેય ઉત્સવીના ખબરઅંતર પૂછવાની ઈચ્છા ન થઇ? ઉત્સવી અમેય સાથે મનાલી ગયેલી, એમના જ ઘરમાં રહેલી. મતલબ એ છોકરીએ નાના નાની સાથે થોડોઘણો સંબંધ તો રાખ્યો હશે. પછી એમણે એને સાવ વિસારે પાડી દીધી?' રેણુ બોલી. અને પછી પોતાના સવાલનો જવાબ પોતેજ આપી દીધો, ‘કદાચ એમને પણ બિલોરીના પૈસે જીવવાની આદત પડી ગયેલી. ડર હતો કે વધુ પૂછશે તો પૈસા આવતા બંધ થઇ જશે.'

‘પૈસાના જોરે બધું થઇ શકે.’ કુરેશી બબડ્યો. ‘અને વધુ પડતા પૈસા, વધુ મોટી મુસીબત પણ ઊભી કરી શકે. એવું લાગે છે કે, બિલોરીના પૈસા જોઈને અનેક લોકો એને બ્લેકમેઈલ કરતાં હતાં. ઉત્સવી, જિમી નાયર, કદાચ લકી પણ. અને છેવટે આ કેસ બહાર આવ્યો એની પાછળ પણ એ જ કારણ હતું.

ડ્રાઈવર યુસુફે પેલા ગુંડાની મદદ લઈને બિલોરીને બ્લેકમેઈલ કરવાની કોશિશ કરી. બધાંને બિલોરીના પૈસામાં રસ હતો, એનાં સગાં માબાપને પણ.' વાસુકિએ કહ્યું. રૂમમાં બેઠેલાં ત્રણેય જણને જોકે આ વાતની નવાઈ નહોતી. પોલીસ ઓફિસર હોવાને નાતે એમણે અનેકવાર જોયું હતું કે પૈસાની વાત આવે ત્યાં લોહીના સંબંધ પણ પાણી જેવા પાતળા થઇ જતા હોય છે.

લોકો પોતાના માણસને મારી નાખતા પણ અચકાતા નથી. થોડીવાર માટે રૂમમાં મૌન પથરાઈ ગયું. પછી રેણુ ધીમેથી બોલી, ‘સર, એક બીજો પણ સવાલ છે.' વાસુકિ અને કુરેશીએ પ્રશ્નાર્થભાવે એની સામે જોયું.

‘એન્જલને ખરેખર કંઈ ખબર નહી હોય?' રેણુએ પૂછ્યું. ‘હં' વાસુકિએ ખુરસીના હાથા પર પર કોણીઓ મૂકીને બે હાથના આંગળા ભીડાવ્યા. અને પછી એના પર ચહેરો ટેકવીને કહ્યું, ‘ગુડ ક્વેશ્ચન.' સાચું પૂછો તો કુરેશીને પણ આ વિચાર આવી ગયેલો, પણ બોલવામાં સહેજ મોડું થયું અને હંમેશની જેમ રેણુ એનાથી એક ડગલું આગળ નીકળી ગઈ. એણે ફુલ સ્પીડે ઝુકાવ્યું, ‘યસ સર, ઉત્સવી ગુમ થઇ, બિલોરીના કહેવા પ્રમાણે અમેરિકા જતી રહી, ત્યારે એન્જલ સાવ નાની નહોતી.'

‘પંદરેક વર્ષની હતી, આઈ થિંક.' રેણુ બોલી.
‘અમેયનું કહેવું સાચું માનીએ તો એ દિવસોમાં ઉત્સવી અને એન્જલ વચ્ચે પાક્કી દોસ્તી થઇ ગયેલી.'
‘એણે ઉત્સવીને કહેલું કે, "તું મારી માસી હોય કે સિસ્ટર, આઈ ડોન્ટ કેર. આઈ લવ યુ’ રેણુએ અમેયના શબ્દો યાદ કર્યા.

‘અને ઉત્સવીને એવી રિક્વેસ્ટ પણ કરી કે એની સાથે બિલોરીને પણ માફ કરી દે.' કુરેશીએ કહ્યું.
‘ઈટ મીન્સ એન્જલ જાણતી હતી કે, ઉત્સવીને બિલોરી પ્રત્યે ગુસ્સો હતો, જે હજી ઊતર્યો નહોતો.' વાસુકિએ કહ્યું.

‘રાઈટ સર, અને આટલા વરસ ઘરમાં સાથે રહ્યાં ત્યારે એ પણ જોયું હશે કે બિલોરીને પણ ઉત્સવી માટે કેટલો ગુસ્સો, કેટલી નફરત હતા?'
‘મતલબ ઉત્સવી માત્ર બિલોરીને કહીને અમેરિકા ઊપડી ગઈ, એવું સાંભળ્યું ત્યારે એન્જલને શંકા પડવી જોઈતી હતી.' કુરેશી બોલ્યો.
‘અને શંકા પડી હોય તો એણે બીજા કોઈ સાથે નહિ, પણ અમેય સાથે તો જરૂર શેર કરી હશે. અમેયને એ પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી ને?' રેણુએ કહ્યું.

‘પણ અમેયના કહેવા પ્રમાણે ઉત્સવીના ગયા પછી એન્જલ એટલી અપસેટ થઇ ગયેલી કે એણે બધાં સાથે બોલવાનું બંધ કરી દીધેલું. ચાર દિવસ એ સારંગના ઘરમાં હતો ત્યારે એન્જલ પોતાના રૂમમાં જ ભરાઈ રહેલી.' વાસુકિ બોલ્યો. ‘સર, સામાન્ય સંજોગોમાં પણ આ વાત વિચિત્ર લાગે એવી છે.' રેણુ બોલી. ‘એન્જલ અમેયની સામે આવવાને બદલે પોતાના રૂમમાં ભરાઈ રહી, એની પાછળ કોઈ બીજું કારણ તો નહોતું ને?' વાસુકિએ પૂછેલા સવાલનો જવાબ રૂમમાં બેઠેલાં કોઈની પાસે નહોતો. વાસુકિએ ખુરસીમાંથી ઊભા થતા કહ્યું, ‘ચાલો, એના મામાને મળવા જઈએ.'
‘લકી, નવેમ્બર 2013માં તું શું કામ મુંબઈ આવેલો?' આ પ્રશ્નની સાથે વાસુકિએ લકીની પૂછપરછનું સેકન્ડ સેશન શરૂ કર્યું.
‘નવેમ્બર'......' લકીએ માથું ખજવાળ્યું.
‘ઉત્સવી મુંબઈમાંથી અદૃશ્ય થઇ ગઈ, એ સમયની વાત કરું છું.' વાસુકિએ યાદ કરવામાં મદદ કરી.

‘હા, હું ત્યારે મુંબઈ આવેલો.' લકી બોલ્યો.
‘શું કામ આવેલો?' વાસુકિએ પ્રશ્ન દોહરાવ્યો. અને પાછી પેલી જૂની સૂચના આપી, 'સાચું બોલજે.'
‘મને બિલોરીએ બોલાવેલો' લકીએ કહ્યું.
‘શું કામ?'
‘નોકરી માટે.'
‘એ તને નોકરી પર રાખવાની હતી?'
‘ના,ના, કોઈ બીજી જગ્યાએ વાત થયેલી.'
‘ક્યાં...કઈ કંપનીમાં?'
લકીએ પાછું માથું ખજવાળ્યું. ‘એ તો યાદ નથી હવે'

‘અરે વાહ, નોકરીનો ઇન્ટરવ્યૂ આપી આવ્યો, પણ કઈ જગ્યાએ, એ તને યાદ નથી?'
‘સર, ઇન્ટરવ્યૂ નહોતો આપ્યો.'
‘કેમ?'
‘હું મુંબઈ પહોંચ્યો, પછી બિલોરીને ખ્યાલ આવ્યો કે, એ કંપની બહુ સારી નહોતી. ત્યાં ફ્યુચરમાં આગળ વધવાનો કોઈ સ્કોપ નહોતો.'
‘આહા, બિલોરીને તારા ફ્યુચરની બહુ ચિંતા હતી.' વાસુકિએ કરેલી ટિપ્પણ સામે લકી કંઈ બોલી ન શક્યો.

‘તું મુંબઈ આવીને એના ઘરમાં રોકાયો હશે ને?'
‘ના સર, એક ગેસ્ટ હાઉસમાં રહેલો.'
‘કેમ?'
‘બિલોરીએ કહેલું'

‘પણ મુંબઈમાં એનો આવડો મોટો બંગલો છે. ત્યાં તારા માટે જગ્યા નહોતી?'
લકી ચૂપ રહ્યો. વાસુકિએ આગળ ચલાવ્યું, ‘કે એને ડર હતો કે તું પાછો એન્જલ સામે કંઈ આડુંઅવળું બોલી નાખીશ.'
‘હું સમજ્યો નહિ.' લકીએ થોથવાતી જીભે કહ્યું.
‘લકી, અમને ખબર છે કે ઘણાં વરસ પહેલા તું મુંબઈ આવ્યો ત્યારે તે એન્જલને કહી દીધેલું કે બિલોરી તારી અને ઉત્સવીની મા છે.'
‘હા,ભૂલભૂલમાં બોલી ગયેલો.' લકીએ કબૂલ કર્યું.

‘તું ભૂલભૂલમાં બોલ્યો કે જાણી જોઇને, વી ડોન્ટ નો એન્ડ વી ડોન્ટ કેર. અમે એટલું જાણીએ છીએ કે, ત્યારે બિલોરી તારા પર સખત ગુસ્સે થયેલી અને તાબડતોબ તને પાછો મનાલી પાર્સલ કરી દીધેલો. અને દિવસ પછી, તારા માટે એ ઘરના દરવાજા કાયમ માટે બંધ થઇ ગયેલા. રાઈટ?'
લકીએ માત્ર માથું હલાવ્યું.
‘હા કે ના?'
‘હા, પણ..'

લકીનું વાક્ય અડધેથી કાપી નાખતા વાસુકિએ પૂછ્યું, ‘ઉત્સવીને ખબર હતી કે તું મુંબઈ આવવાનો હતો?'
‘ના.'
‘કેમ, તે એને નહોતું કહ્યું?'
‘ના, બિલોરીએ ના પાડેલી. કહેલું કે બધું પાક્કું થઇ જાય ત્યાં સુધી ઉત્સવીને ખબર નહોતી પડવા દેવાની.'
‘શું કામ?'

‘એને લાગતું હતું કે હું મુંબઈ આવીને સેટલ થાઉં, તો કદાચ ઉત્સવીને નહિ ગમે.'
‘શું કામ નહિ ગમે?'
‘એ તો બિલોરી જાણે. પણ મને સાચું લાગ્યું કારણ કે ઉત્સવીએ ઘણા વખતથી મારી સાથે બોલવાનું લગભગ બંધ કરી દીધેલું.'
‘કોઈ કારણ?' ‘પેલા અમેયે એને ચડાવેલી.'

‘પણ અમેય સાથે તો એનું બ્રેક અપ થઇ ગયેલું...તેં જ કહેલું ને.'
‘હ... હા...કદાચ પછી થયું હશે....યાદ નથી.' લકીએ માથું ધુણાવ્યું.
‘લકી યાદ કર, અમેયે ઉત્સવીને તારી વિરુદ્ધ ચડાવી હશે, એવું તને શેના પરથી લાગેલું?'
થોડીવાર ચૂપ રહ્યા બાદ લકીએ જવાબ આપ્યો, ‘બિલોરીએ કહેલું.'
‘અને તે માની લીધું?'

‘હા, નહિ તો શું કામ ઉત્સવી મારી સાથે બોલવાનું બંધ કરે?' લકીએ નાના બાળકની જેમ રિસાળવા અવાજે કહ્યું.
‘અચ્છા, તો ઉત્સવીને ખબર નહોતી કે તું મુંબઈમાં હતો?'
લકી નીચું જોઈ ગયો. ‘ખબર હતી. મેં મુંબઈ આવીને એને ફોન કરેલો.'
‘ક્યારે?'
‘આવ્યો એ જ દિવસે.'
‘પણ બિલોરીએ તને ના પાડેલી ને.'
‘હા, પણ મારાથી રહેવાયું નહિ.' લકી બોલ્યો.

વાસુકિએ કુરેશી સામે જોયું. ઈન્સ્પેક્ટરે બાંધેલી ધારણા સાચી હતી. બિલોરીએ ઉત્સવીની હત્યામાં મદદ કરવા માટે લકીને બોલાવ્યો હશે, પણ પછી પ્લાન પડતો મૂક્યો કારણ કે, લકી ક્યારે શું બોલી જાય, શું કરી નાખે એનો કોઈ ભરોસો નહોતો.

‘ઉત્સવીએ શું કહ્યું.....તારા પર ગુસ્સે થઇ?' વાસુકિએ સવાલ કર્યો.

‘ના, એને નવાઈ લાગી કે બિલોરીએ મને બોલાવેલો, પણ ખાસ ગુસ્સે નહોતી થઇ.'
‘ઉત્સવીએ તને એના ઘેર બોલાવ્યો?'
‘ના' લકીએ કહ્યું, અને પછી ઉમેર્યું, ‘કદાચ એની તબિયત સારી નહોતી એટલે.'
‘એણે તને કહ્યું?'

‘હા, અને એના અવાજ પરથી પણ એવું લાગ્યું.'
‘અમેય સાથે વાત થઇ?'
‘ના'
‘જિમી નાયર સાથે?'
લકી ચમકી ગયો. અને પછી આજીજીભર્યા અવાજે બોલ્યો, ‘સર, સાચું કહું છું, મને ખબર નહોતી કે જિમી ત્યારે મુંબઈમાં હતો. મારી નોકરીવાળી વાત ટળી ગઈ, એટલે હું તો ત્રણ દિવસમાં મનાલી પાછો જતો રહ્યો.'

‘કઈ તારીખે?'
લકીએ લમણા પર આંગળી ઘસીને દિમાગ પર જોર આપ્યું અને પછી અચાનક એ બોલ્યો, ' 28...ના ના 29, યેસ 29મી નવેમ્બરે.'
‘બરાબર યાદ છે?'
‘હા, 30મી નવેમ્બરે મારા નાનાજીનો બર્થડે હતો. ઉત્સવીએ એમના માટે બર્થડે ગિફ્ટ પણ મોકલેલી, રિસ્ટ વોચ.'
‘અને તને શું આપેલું?' ‘મને.....મને કંઈ નહીં .મારા બર્થ ડે ને હજી વાર હતી.'

‘પણ, બિલોરીએ તને મુંબઈ સુધી ધક્કો ખવડાવ્યો, નોકરીનું કંઈ થયું નહિ, એટલે એને પણ ખરાબ લાગ્યું હશે. એણે તને ખાલી હાથે તો મનાલી પાછો નહિ જ મોકલ્યો હોય.' વાસુકિએ કહ્યું.
‘હા, થોડી કેશ આપેલી.' લકીએ પરાણે કહ્યું.
‘કેટલી?'

‘લગભગ એક લાખ.' ‘બસ, એક લાખ? તને યાદ ન હોય તો બિલોરીને પૂછીએ.' વાસુકિએ સ્મિત કર્યું.
કોઈપણ કેસમાં એકથી વધુ લોકો પકડાય, અને બધાંની અલગઅલગ પૂછતાછ થાય, ત્યારે દરેક આરોપીને ચિંતા હોય કે, બીજાં શું બોલી ગયાં હશે. રીઢો ગુનેગાર હોય તો કદાચ પોતાના સાથીદારોને ખોટા કહીને ખુદનું જુઠાણું પકડી રાખે. પણ આ લકી હતો. અને વાસુકિની ટ્રીક કામ કરી ગઈ.

‘ત્રણ લાખ.' લકીએ એના સૂકા હોઠ પર જીભ ફેરવીને કહી દીધું. ‘તે આ બધી વાત ઉત્સવીને કહી?' ‘ના, અમારો તો પછી કોન્ટેક્ટ જ નહોતો થયો. હું મનાલી જતો રહ્યો. મારા કામે લાગી ગયો.' ‘તારા કામે.' વાસુકિના ચહેરા પર કટાક્ષભર્યું સ્મિત રમી ગયું. લકી થોડો નારાજ થઇ ગયો.‘સર, મેં તમને પહેલાં પણ કહેલું કે હું મનાલીમાં નાનુંમોટું કામ કરી લઉં છું. આખો દિવસ ઘરમાં નથી બેસી રહેતો.' ‘અચ્છા શું કામ કરે છે?'

‘મેં કમ્પ્યુટર કોર્સ કર્યો છે, અને પછી મારી મેળે પણ ઘણું શીખી ગયો છું. મારા ઘણા રેગ્યુલર ક્લાયન્ટ્સ છે. એમને નાનામોટા પ્રોબ્લેમ થાય ત્યારે મને જ બોલાવે છે.'

‘ઓકે, સોરી. હું નહોતો જાણતો.' વાસુકિએ માફી માંગી લીધી, પણ એને થયેલી રમૂજ છૂપી નહોતી રહી. પણ, બાજુમાં બેઠેલા કુરેશીની આંખો ઝીણી થઇ. વાસુકિ તરફ ઝૂકીને એ ધીમેથી બોલ્યો, ‘એક્સક્યુઝ મી સર, જરા બહાર આવશો?'

ત્રણેય ઓફિસર્સ રૂમની બહાર ગયાં. લકીએ પાછું એક લાંબું ઝોકું ખાવાની તૈયારી કરી લીધી.પણ પેલા લોકો આ વખતે દસ મિનિટ્સમાં પાછાં આવી ગયાં. ખુરસી પર ગોઠવાયેલા વાસુકિ ધારદાર નજરે લકી સામે જોઈ રહ્યા. ટેપ રેકોર્ડર ચાલુ કરતા પહેલાં, એણે ગંભીર અવાજે કહ્યું, ‘લકી, લાગે છે કે તને અરેસ્ટ કરીને લોકઅપમાં નાખવો જ પડશે.'

‘કેમ સર, શું થયું?' લકી ગભરાઈ ગયો. ‘અમે વિચારેલું કે, તું સાચું બોલીશ તો તને છોડી દઈશું. પણ.....' કહીને વાસુકિએ માથું ધુણાવ્યું. લકી બેબાકળો થઇ ગયો. ‘સર, આઈ સ્વેર, ભગવાનના સોગન ખાઉં છું, તમે જે પણ પૂછ્યું, એના મેં સાચા જ જવાબ આપ્યા છે.'

‘પણ ઘણું છુપાવ્યું છે. હકીકત છુપાવવી એ પણ ખોટું બોલ્યા બરાબર જ છે.' ‘પણ મેં શું છુપાવ્યું?' ‘એ જ કે, બિલોરીના કહેવાથી તેં ઉત્સવીનો ફેસબુક અકાઉન્ટ હેક કરેલો. અને પછી, લગભગ છ મહિના સુધી તું જ એ અકાઉન્ટ ઓપરેટ કરતો રહેલો. તે જ ઉત્સવીના નામે લખેલું કે એ યુએસની અંદર નવી લાઈફમાં બહુ બીઝી હતી. રાઈટ?' લકીનો ચહેરો કાળો ધબ્બ થઇ ગયો. કુરેશીના હોઠ પર આછું સ્મિત રમી ગયું.વાસુકિએ રાહતનો શ્વાસ ખેંચી લીધો. તુક્કો તીર બનીને નિશાન પર લાગ્યો હતો. એમને આ વાતની કોઈ ખાતરી કે ખબર નહોતી, પણ લકીએ જ્યારે એના કમ્પ્યુટર જ્ઞાન વિષે બડાશ હાંકી, ત્યારે કુરેશીના દિમાગમાં ઝબકારો થયેલો.

ડ્રાઈવર યુસુફના કહેવા અનુસાર ઉત્સવીની હત્યા 30 નવેમ્બરે થયેલી. પણ ઉત્સવીનો ફેસબુક અકાઉન્ટ એ પછી મે મહિનાના એન્ડ સુધી લાઈવ રહેલો. ઉત્સવી ત્યાં વધુ એક્ટિવ નહોતી, પણ વચ્ચે વચ્ચે નાનકડી પોસ્ટ મૂકી દેતી, જાણે પોતાની હાજરી નોંધાવતી હોય. ઉત્સવી મરી ગયેલી તો કોણ એની હાજરી પુરાવતું હતું ? રૂમની બહાર નીકળીને કુરેશીએ શંકાની આંગળી લકી તરફ ચીંધી. સ્પષ્ટ હતું કે મૂળ આઈડિયા બિલોરીનો હશે.

પણ કાલે ઊઠીને આ બનાવટનો રેલો એના પગ તળે આવે એવું જોખમ એ શું કામ લે? હત્યામાં સાથ આપનારા જિમી કે યુસુફમાં કદાચ આવી આવડત નહિ હોય. બહારના લોકોને ઇન્વોલ્વ કરવાનો તો સવાલ જ નહોતો આવતો. તો પછી બાકી કોણ રહ્યું? ‘સર, લકીને દમ મારી જોઈએ.' કુરેશીએ સૂચન કર્યું. વાસુકિએ સૂચન અમલમાં મૂક્યું. અને લકી મોઢું ખોલે એ પહેલાં એના ચહેરાએ ચાડી ફૂંકી દીધી. વાસુકિએ ટેપ રેકોર્ડર ચાલુ કર્યું.

‘બોલ લકી, ડિસેમ્બર 2013થી મે 2014 ની વચ્ચે ઉત્સવીનો ફેસબુક અકાઉન્ટ તું ઓપરેટ કરતો હતો ને?' લકીએ માથું હલાવ્યું. ‘લકી, પ્લીઝ, અમને સંભળાય એવી રીતે મોટેથી સ્પષ્ટ જવાબ આપ.' વાસુકિએ આદેશ આપ્યો.

‘જી સર.'‘શું?'‘ઉત્સવીનો ફેસબુક અકાઉન્ટ હું ઓપરેટ કરતો હતો.'‘શું કામ?'‘બિલોરીએ કહેલું.'‘એણે શું કારણ આપેલું?'‘બિલોરીએ કહ્યું કે, ઘરનાં લોકો સમજતાં હતાં કે, ઉત્સવી બહુ અતરંગી હતી, એટલે એ કંઈ પણ કરી નાખે તો નવાઈ ન લાગે.પણ છોકરી આમ અચાનક જતી રહે, બધાં સાથે કોન્ટેક્ટ તોડી નાખે તો બહારના લોકોને ગેરસમજ થાય.

અને એમાં ઉત્સવીનું જ ખરાબ દેખાય. એટલે એનો અકાઉન્ટ લાઈવ રાખવો જરૂરી હતો.' વાસુકિ ભારોભાર આશ્ચર્ય સાથે લકી સામે તાકી રહ્યો. લકી ગમે તેટલો બેવકૂફ હોય, પણ બિલોરીએ આપેલું આવું ઉટપટાંગ કારણ એ સ્વીકારી લે, એવું કોઈ કાળે શક્ય નહોતું. ‘લકી, આ કામ માટે બિલોરીએ તને કેટલા પૈસા આપેલા?' એણે કડક પૂછ્યું.

‘ચાર લાખ.' લકી રોતલ અવાજે બોલ્યો.
‘ક્યારે?'
‘હું મનાલી ગયો, એના થોડા દિવસ પછી બિલોરીએ મને ફોન કરીને કહેલું. પૈસા એણે પછી ટુકડે ટુકડે મારા અને નાનાજીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા.'
‘અને ચાર લાખ માટે તે તારી બહેન સાથે આવો મોટો દગો કર્યો?'

લકી ભાંગી પડ્યો, ‘સાહેબ હું ડરી ગયેલો.... મને લાગતું હતું કે બિલોરીનું કહ્યું નહિ માનું તો એ મને પણ મારી નાખશે...સાચું કહું છું, મને એની બહુ બીક લાગે છે.....'
‘તને પણ મારી નાખશે.......મતલબ તું જાણતો હતો કે એણે ઉત્સવીને મારી નાખેલી?' વાસુકિનાં ભવાં તણાયાં.
‘મારી નાખેલી કે ક્યાંક ગુમ કરી નાખેલી, હું નહોતો જાણતો પણ ડરી ગયેલો.' લકી હવે ડૂસકાં ભરી રહ્યો હતો.
‘તેં કેમ કોઈને કહ્યું નહિ?'
‘કોને કહું?'
‘અમેયને'

એ તો મારો જીવ કાઢી નાખે. '
‘તારા નાના નાનીને..'
‘નાનાજીને મેં કહ્યું, પણ એમણે મને ચૂપ રહેવાનું કહ્યું.'

વાસુકિ ઘડીક આંખ મીચી ગયો. આ કેવા લોકો હતા? આંખ અડધી ખોલીને એણે પૂછ્યું, ‘બિલોરીએ આવું શું કામ કર્યું?'
‘ખબર નથી.'
‘અધિરથ સારંગ આ બધું જાણતા હતા?'

‘એ હું નથી જાણતો.'
‘એન્જલ?'
‘એ શું જાણે?
‘પણ તું, તારા નાના નાની, બધાં બધું જાણતાં હતાં તોયે ચૂપ રહ્યાં. લકી, ઉત્સવીના મર્ડર માટે તમે બધાં હવે જેલમાં જશો.'
‘સર, તમારા પગે પડું, મને બચાવી લો.' લકી કરગરી પડ્યો.
‘લકી કુકરેજા, તું હવે વકીલને બોલાવી લે.' વાસુકિ આટલું બોલીને ઊભો થઇ ગયો. ઉત્સવીની લાશ ભલે ન મળે, પણ લકીના મોઢેથી એ ઘણું બોલી ગયેલી.
લકી સાથે વાત કર્યા પછી, થોડો સમય તો કમિશનર વાસુકિ અને એમના બે ઓફિસર્સ, રેણુ અને કુરેશી ખુશ હતાં. ઉત્સવીનું ડેડબોડી ભલે હજી ન મળ્યું હોય, પણ કાયદાની ભાષામાં જેને સરકમસ્ટેન્શિયલ એવિડેન્સિસ એટલે કે સાંયોગિક પુરાવા કહીએ એના પરથી બિલોરીને અપરાધી સાબિત કરવાની શક્યતા વધુ ને વધુ ઊજળી થઈ રહી હતી.

જિમી નાયર, યુસુફ અને છેવટે લકીએ આપેલાં બયાન સ્પષ્ટપણે કહેતાં હતાં કે ઉત્સવીની હત્યા થયેલી. ગુનો કરવામાં, છુપાવવામાં બીજા ઘણા લોકોએ ભાગ ભજવેલો, પણ મૂળ સૂત્રધાર હતી બિલોરી સારંગ. ઉત્સવીની સગી માતા બિલોરી. બીજે દિવસે, એની વધુ કડક પૂછતાછ કરવાની હતી. જરૂર પડે તો લકીને પણ ત્યારે હાજર રાખવાની વાત થઇ ગઈ.

પૂછતાછ વખતે સાવ ભાંગી પડેલો લકી, પોતાના માટે વકીલ બોલાવવાની વાત સાંભળીને તો જાણે મરવા પડ્યો. મુંબઈમાં એ માત્ર બિલોરીના પરિવારને ઓળખતો હતો. લકીએ એમને ફોન કર્યો પણ વાસુકિએ ધાર્યા મુજબ અધિરથ અને અમેયે લકીને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી.

છેવટે પોલીસે સરકારી વકીલને બોલાવ્યો, અને એની હાજરીમાં લકીની સત્તાવાર ધરપકડ થઇ. બીજે દિવસે એને અદાલતમાં હાજર કરીને પોલીસ  રિમાન્ડ માંગવાની હતી. મેજિસ્ટ્રેટ આ માંગણી મંજૂર રાખશે, એમાં વાસુકિને કોઈ શંકા નહોતી. જોકે રાતે ઘેર ગયા પછી વાસુકિને ઊંઘ ન આવી.

આમ તો પહેલેથી એની ઊંઘ ઓછી હતી, પણ આજે એનું મન એટલું બેચેન હતું કે સવારે ચાર વાગ્યા તોયે નિદ્રાદેવીએ મહેરબાની ન કરી. છેવટે ઊંઘવા માટે વધુ ફાંફાં મારવાનું છોડીને એ ઊભો થઇ ગયો. કિચનમાં જઈને કૉફી બનાવી. અને પછી કોફીના થરમોસ સાથે સ્ટડીરૂમમાં જઈને ઉત્સવી મર્ડર કેસની ફાઈલ ઉથલાવવાનું શરૂ કર્યું. લકીની પૂછપરછ વખતે કરેલું રેકોર્ડિંગ ફરીફરીને સાંભળ્યું.

આમ તો કોઈ વ્યક્તિને માત્ર પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવી હોય, તો એ વાતચીતનું  રેકોર્ડિંગ કરવાનો અધિકાર પોલીસને નથી  હોતો.પણ પોલીસ હંમેશાં બધું કાયદા પ્રમાણે નથી કરતી. અને લકી જેવા લોકો સાથે આવી ગેરકાનૂની છૂટછાટ લેવાનું અઘરું નહોતું. લાંબીલચ વાતની નોંધ લેવાને બદલે રેકોર્ડિંગ કરીને પાછું સાંભળવાનું ઈઝી હતું. આ રેકોર્ડિંગ ક્યાં કોર્ટમાં રજૂ કરવાનું હતું? વાસુકિએ અત્યાર સુધી થયેલા ઈન્વેસ્ટિગેશન અને ઇન્ટ્રોગેશન રિપોર્ટ્સ સાંભળ્યાં, વાંચી નાખ્યા.

પણ આગલી રાતે જે ઓપન એન્ડ શટ કેસ લાગતો હતો, એમાં હવે વધુ કોમ્પ્લિકેશન્સ લાગી રહ્યાં હતાં. સવારે ઓફિસમાં ગયા ત્યારે સારા અને ખરાબ, બંને સમાચાર મળ્યા. સારા સમાચાર તો જોકે ધાર્યા મુજબના હતા. અદાલતે લકીની પોલીસ કસ્ટડી 14 દિવસ માટે મંજૂર કરી દીધેલી.

પણ માઠા સમાચાર માથું ફેરવી નાખે એવા હતા. જેલમાં  બિલોરીની તબિયત એટલી ખરાબ થઇ ગયેલી કે એને પાછી હોસ્પિટલમાં લઇ ગયા વિના છુટકો નહોતો. અને ડોક્ટરે કહેલું કે એને કમસે કમ એક રાત તો અન્ડર ઓબ્ઝર્વેશન રાખવી જ પડશે.

‘સર, એ બાઈ નાટક નથી કરતી. એનું બીપી ડેન્જરસલી લો થઇ ગયું છે.' કુરેશીએ કહેવું પડ્યું. જોકે એની અકળામણ અને ગુસ્સો સાફ દેખાતા હતા. રેણુએ ભારોભાર કટુતા સાથે કહ્યું, ‘મહાભારતના ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એમ આ બિલોરીને ઈચ્છા માંદગીનું વરદાન લાગે છે. મરજી પ્રમાણે પોતાનું બ્લડપ્રેશર ઉપર નીચે કરી નાખે છે. મને તો હવે ડર લાગે છે કે કોઈવાર એ પોતાનું હાર્ટ પણ બંધ ન કરી દે.'

‘એ કંઈ એટલી ઇઝીલી મારવાની નથી.' કુરેશીએ કહ્યું. પરંતુ વાસુકિને હવે એ વાતમાં પણ શંકા પડવા લાગેલી. બિલોરીના ઈરાદા સમજાતા નહોતા. બીજા લોકોની ઊલટતપાસ માટે આતુર થયેલાં કુરેશી અને રેણુને અટકાવીને એણે પોતાના દિમાગને રાતભર ધમરોળી રાખનારા વિચારોની ચર્ચા શરૂ કરી.

‘તમને ખરેખર લાગે છે કે બિલોરી પોતાની નિર્દોષતા સાબિત કરવા માંગે છે?' વાસુકિએ પૂછેલો સવાલ સાંભળીને ઘડીક તો રેણુ અને કુરેશી ડઘાઈ ગયાં. આ વાતમાં ક્યાં શંકાને સ્થાન હતું? એ લોકો હા કે ના પડે એ પહેલા વાસુકિએ બીજો સવાલ કર્યો, ‘યાદ છે, આપણે લકીની પૂછતાછ કરવાના છીએ, એ સાંભળીને બિલોરીએ શું કહેલું?' ‘હા, કે લકી સાથે વાત કરીને આપણને ખાતરી થઇ જશે કે એ છોકરાનું દિમાગ ઠેકાણે નથી.' કુરેશીએ તરત જવાબ આપ્યો.

‘અને પછી શું કહેલું?' આ વખતે રેણુએ યાદ કર્યું, ‘બિલોરી એવું બોલેલી કે લકી કદાચ જાણતો હતો કે ઉત્સવી ક્યાં છે.' ‘અને સહેજ કડક થઈને પૂછશો તો લકી બધું ઓકી દેશે...... બિલોરી આવું બોલી ગયેલી. રાઈટ?' વાસુકિએ કહ્યું. બિલોરીએ એના છેલ્લા ઇન્ટ્રોગેશન  વખતે ઉચ્ચારેલા આ  શબ્દો કમિશનરને રાતભર હેરાન કરતા રહેલા.

સામે બેઠેલાં બે જણે  કદાચ આ વિશે ઝાઝું વિચાર્યું નહોતું, પણ હવે એકસાથે એમનાં દિમાગમાં બત્તી થઇ. કુરેશી બોલ્યો, ‘સર, એનો અર્થ એવો કે બિલોરી જાણતી હતી કે લકી સાચે સાચું બોલી જશે. એને ખબર છે કે લકી સાવ ઢીલો ડરપોક માણસ છે. અને તેમ છતાં એ મૂંગો રહે તો એનું  મોઢું ખોલાવવા માટે બિલોરીએ તો આપણને આડકતરી રીતે થર્ડ ડિગ્રી અજમાવવાનો ઈશારો પણ કરી દીધેલો.'

‘બિલોરી માટે આ જોખમી સાબિત થવાનું હતું. તેમ છતાં એ આવું બોલી. શું કામ?' વાસુકિએ પૂછ્યું. ‘એને કદાચ લાગ્યું હશે કે લકી ગમે તેટલો ઢીલો, ડફોળ હોય પણ ખુદની જાન બચાવવા માટે સચ્ચાઈ છુપાવી રાખશે.' કુરેશીએ કહ્યું. વાસુકિએ મૌન સાધ્યું.

‘લકી ભલે ગમે તે બોલે, પણ આખરે તો એ ડ્રગ એડિક્ટ છે, એની યાદશક્તિ અને વિચારશક્તિ બંને પર ભરોસો કરવા જેવો નથી, એવું બિલોરીનો વકીલ કોર્ટમાં આસાનીથી સાબિત કરી શકે.' રેણુ બોલી. ‘પણ  ડિસેમ્બરથી મે મહિના સુધી  ઉત્સવીનો ફેસબુક અકાઉન્ટ લકી ઓપરેટ કરતો હતો, એ આપણા સાઈબર સેલના એક્સપર્ટ એટલી જ આસાનીથી પુરવાર કરી શકે.' ‘તો પછી ઉત્સવીના મર્ડરનો આરોપ પણ એના પર આવે.'

‘ના, પહેલી વાત તો એ કે, જિમી નાયર અને યુસુફ, એ બેમાંથી કોઈએ ક્યાંય પણ લકીનું નામ નથી લીધું. એ લોકો શું કામ મર્ડરમાં લકીની ભાગીદારી છુપાવે? અને બીજી વાત, એમનાં કહેવા પ્રમાણે ઉત્સવીનું મર્ડર 30 નવેમ્બરે થયેલું, બીજે દિવસે એમણે માલશેજ ઘાટ જઈને  ઉત્સવીનું ડેડબોડી બાળીને, નીચે ખીણમાં ફેંકી દીધું. લકી મુંબઈથી 29મી તારીખે નીકળી ગયેલો. 30મીએ તો એ મનાલીમાં હતો, એ આસાનીથી સાબિત થઇ શકે.' વાસુકિએ કહ્યું.

‘સર, તો પછી એક જ શક્યતા રહે છે કે, આ બધાં છેવટે કોર્ટમાં જઈને ફરી જાય.' કુરેશી બોલ્યો. એની આવી ધારણા પાછળ વર્ષોનો અનુભવ હતો. પોલીસની મારપીટથી ગભરાઈને ઘણા આરોપીઓ પહેલા તો પોતાનો ગુનો કબૂલી લે, અને પછી કેસ ચાલે ત્યારે અદાલતમાં એવું કહે કે, પોલીસે જબરદસ્તી ગુનાની ખોટેખોટી કબૂલાત કરાવેલી. આમાં ક્યારેક એ સાચું પણ બોલતાં હોય. કેસ ઉકેલાય નહિ કે સાચા ગુનેગારને છાવરવાનો હોય ત્યારે, નિર્દોષને ટોર્ચર કરીને કસૂરવાર ઠરાવી દેવાના પેંતરા દુનિયાભરની પોલીસ ક્યારેક ક્યારેક કરતી હોય છે. બીજી તરફ  ખરેખર ગુનો કર્યો હોય એમને એના વકીલ સલાહ આપે કે કોર્ટમાં જઈને ફરી જજે.

બિલોરીના કેસમાં આવું થવાની શક્યતા જ નહિ, લગભગ ખાતરી હતી. પણ વાસુકિનું મન કહેતું હતું કે, વાત કંઈ બીજી જ હતી. ‘એવું ન બને કે, બિલોરીએ પોતાનો ગુનો કબૂલી લેવાની તૈયારી કરી લીધી હોય?' એણે  પૂછ્યું. ‘સર, એવું કરવું હોત તો એ કાવસજી બાના જેવા મોટા વકીલને રોકત જ નહિ.' કુરેશી બોલ્યો. ‘કદાચ બાનાએ જ એને ગુનો કબૂલી લેવાની સલાહ આપી હશે.' રેણુ  બોલી. અને પછી પોતાની ધારણા પાછળનું કારણ આપ્યું.‘

.‘અત્યાર સુધીમાં જેટલું સાંભળ્યું, એના પરથી તો એવું પિક્ચર ઊભું થાય છે કે, ઉત્સવી સહિત ઘણા લોકો  બિલોરીને છેતરતા હતા, બ્લેકમેઈલ કરતા હતા, એનું આર્થિક શોષણ કરતા હતા. બાના કોર્ટમાં જઈને કહી શકે કે, ચારે તરફથી થઇ રહેલી હેરાનગતિને પરિણામે બિલોરી એનું માનસિક સંતુલન ગુમાવી બેઠેલી. એના અસીલે ઉત્સવીને મારી નાખી એ વાત સાચી, પણ સંજોગોવશાત્ સાનભાન ગુમાવેલી વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ. કોર્ટ આ દલીલ માન્ય રાખે તો બિલોરી ઓછી સજા પામીને છૂટી જાય.'

‘પણ એની બાકીની જિંદગી બરબાદ થઇ જાય.' કુરેશી બોલ્યો.
‘આમેય બિલોરીની જિંદગીમાં હવે શું બચ્યું છે? એનો પતિ પણ એનાથી મોઢું ફેરવી ગયો છે.દીકરો દુશ્મન થઇ ગયો છે, અને માબાપ તો માત્ર લાલચના સંબંધી છે. અત્યાર સુધીમાં કોણે એને મળવાની કે એના ખબર પૂછવાની તસ્દી લીધી? બિલોરી ધારો કે હત્યાના આરોપમાંથી નિર્દોષ છૂટી જાય તોયે, આપણે ત્યાં તો  એની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ખતમ થઇ જ ગઈ છે. એ ક્યાં જશે?' રેણુએ નાનકડો નિશ્વાસ નાખી દીધો.

‘તમને એની દયા આવે છે?' વાસુકિના ચહેરા પર આછું આશ્ચર્ય ઝલકી ગયું. ‘દયા તો એમાંથી કોઈની નથી આવતી, એક અમેયને બાદ કરતા.' રેણુ બોલી. ‘અને એન્જલ? એનાં મા અને બાપ, બંને જેલમાં જશે. અધિરથને કંઈ એન્જલ માટે ખાસ પ્રેમ નથી લાગતો. ભલું હશે તો એ એન્જલને પોતાની વારસદાર બનાવ્યાનો નિર્ણય ફેરવી નાખશે. એ બિચારી ક્યાં જશે, શું કરશે? અત્યારે ત્યાં કેનેડામાં એની માનસિક હાલત કેવી હશે, કોણ જાણે?' કુરેશી બોલ્યો. ‘આજે સવારના છાપામાં બિલોરીના વકીલનું સ્ટેટમેન્ટ છે.' રેણુએ કહ્યું.

‘કોઈએ એને પૂછ્યું કે પતિની જેમ દીકરીએ પણ બિલોરીનો સાથ છોડી દીધો છે? તો બાનાએ કહ્યું કે, એન્જલ તો આ કેસ બહાર આવ્યો એના પહેલા દિવસથી ઇન્ડિયા પાછી આવવાની જીદ લઈને બેઠી છે, પણ એમની ક્લાયન્ટ અને એના હસબન્ડ ઈચ્છે છે કે, આ ઘડીએ એન્જલ  ઈન્ડિયાથી દૂર રહે એ જ સારું છે. અહીં આવશે તો લોકો એ માસૂમનું  જીવવું હરામ કરી નાખશે.'
‘પણ ક્યારેક તો આવશે ને?' કુરેશી બોલ્યો.

‘ન પણ આવે. છોકરી ભણવામાં હોશિયાર છે. એને સાયન્ટિસ્ટ બનવું છે. અધિરથ થોડી હેલ્પ કરે તો કદાચ એન્જલ ત્યાં કેનેડામાં જ રહી જાય. ત્યાં કદાચ એ શાંતિથી જીવી શકે. રેણુએ શક્યતા રજૂ કરી. ‘લેટ્સ હોપ સો' કુરેશીએ આશા દાખવી. એ જાણતો હતો કે માબાપના પાપની સજા કે શરમ, ઘણીવાર સંતાનોને મરતા સુધી સતાવે છે. દીવારના અમિતાભ બચ્ચનની જેમ ભલે ‘મેરા બાપ ચોર હૈ' નો ડામ હાથ પર ન રહે, પણ સમાજની આંખ સતત દઝાડતી રહે છે. એન્જલ વિદેશમાં રહે એ જ એના માટે સારું હતું.

 વાસુકિએ હડપચી ખંજવાળી. આગલી રાતથી સતાવી રહેલી એની બેચેની અને અનિશ્ચિતતાની  લાગણી  પાછી ફરી.‘એન્જલ...એન્જલ...માય સ્વીટ લિટલ એન્જલ .' હોસ્પિટલના બિછાને સૂતેલી બિલોરીના હોઠ ફફડ્યા, અને આંખોમાં આંસુ ધસી આવ્યા.

એને જેલમાં મળવા આવેલા વકીલ કાવસજી બાનાએ જ્યારે કહ્યું કે એન્જલ એની માતાને મળવા કેનેડાથી ઇન્ડિયા આવવા માંગતી હતી, ત્યારે બિલોરી હેબતાઈ ગયેલી. ‘ના,ના. પ્લીઝ તમે અધિરથને કહો કે એન્જલને સમજાવે. અહીં મીડિયાવાળા એને પીંખી નાખશે.'

‘ઓકે  બિલોરી, પણ એ મીડિયાવાળા અત્યારે તમારા વિશે ફાવે તેવું લખે છે. જાતજાતનાં તરંગતુક્કા વહેતાં મૂકે છે. એન્ડ યુ નો, લોકો પણ પવનની દિશા જોઇને સઢ ફેરવી નાખે છે. જે લોકો તમારી આગળપાછળ ફરતાં હતાં, તમારી પાર્ટીઓમાં ઇન્વિટેશન મેળવવા માટે તલપાપડ રહેતાં હતાં  એમાંથી કોઈ આજે તમારા વિશે સારું બોલવા તૈયાર નથી.' બાનાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.
‘તો?' બિલોરીએ પૂછ્યું.

‘બિલોરી, લડાઈ હવે માત્ર કોર્ટમાં નથી લડાતી. યુ યોરસેલ્ફ આર અ મીડિયા પર્સન. તમે જાણો છો કે, છાપાં અને ટીવી ચેનલ્સ પોતાની રીતે અદાલતની બહાર ટ્રાયલ ચલાવે છે. તમારી વિરુદ્ધ બોલનારા તો એમને ઘણાં મળી રહે છે, પણ તમારા વતી બોલવા માટે મારા સિવાય બીજું કોઈ તૈયાર નથી. અને હું તો તમારો વકીલ છું. લોકો મારી વાત પર શું કામ વિશ્વાસ મૂકે? કોઈક તો એવું હોવું જોઈએ ને કે, જે મીડિયામાં તમારા માટે થોડી સહાનુભૂતિ ઊભી કરી શકે.' બાનાએ કહ્યું.

‘એમાં એન્જલ મદદ કરી શકે?' બિલોરીએ પૂછ્યું. ‘થોડીઘણી મદદ, યસ. લોકો અત્યારે તમને એક દીકરીની હત્યારી કહે  છે. એ વખતે બીજી દીકરી તમારી સાથે ઊભી રહે તો ફરક પડે ને?'

‘પણ લોકો તો એવું પણ માને છે કે, મેં એન્જલને ખાતર ઉત્સવીને તરછોડી દીધી. અને સાવકી બહેનો વચ્ચે કદાચ દુશ્મની હશે.' બિલોરીએ દલીલ કરી. થોડું વિચારીને બાનાએ કહ્યું, ‘યુ આર રાઈટ. કદાચ કોઈ એવી શંકા કરે પરંતુ એવા સંજોગોમાં પણ એન્જલ જે બોલે, એ લોકો સાંભળશે. અત્યારે બધાં ઉત્સવીને ભલીભોળી, લાચાર, નિર્દોષ યુવતી તરીકે ચીતરે છે. પણ, શક્ય છે કે એન્જલની વાત સાંભળીને એમનો વિચાર થોડો ફેરવાય.'

‘યુ મીન, એન્જલે ઉત્સવી વિશે ખરાબ બોલવું જોઈએ?' બિલોરીના અવાજમાં આઘાત હતો. ‘નો, નો ખરાબ નહિ. પણ એણે અત્યાર સુધી ઘરમાં જે જોયું, એ વિશે તો કહી શકે ને?' ‘મતલબ?'

કાવસજી એમની જગ્યાએ થોડા ઊંચાનીચા થયા. અને પછી ધીમેથી બોલ્યા, ‘બહાર એવી વાત છે કે ઉત્સવી તમને બહુ હેરાન કરતી હતી. તમને સતત માનસિક ત્રાસ આપતી હતી. જિમી નાયર અને પછી મિસ્ટર સારંગ સાથેના તમારા રિલેશન્સ બગાડવાની કોશિશ એણે કરેલી. પૈસાને મુદ્દે પણ એણે તમને બહુ પરેશાન કરેલા.'

બિલોરીની આંખો ઝીણી થઇ. ‘કોણે આવું કહ્યું?' ‘બધાં કહે છે. મીડિયામાં અત્યારે તમારા ભૂતકાળની ઝીણામાં ઝીણી માહિતી શોધી કાઢવાની કોમ્પિટિશન ચાલી રહી છે. પોલીસવાળા પણ પોતાની રીતે ઇન્ફર્મેશન લીક કરતા રહે છે.' બાનાએ કહ્યું. ‘પણ ઉત્સવી વિશે એન્જલ ખરાબ બોલે તો, મારા કેસને શું ફરક પડે?' બાના કંઈ બોલ્યા નહિ.

બિલોરી એના વકીલ સામે તાકી રહી. થોડીવાર પછી એની આંખોમાં સમજણનો ચમકારો થયો. ‘આઈ સી, તમે પણ એવું માની લીધું છે કે મેં ઉત્સવીનું મર્ડર કર્યું છે. અને હવે તમે મારા બચાવમાં એવું સાબિત કરવા માંગો છો કે, ઉત્સવી બહુ ખરાબ હતી, મને પરેશાન કરતી હતી, એટલે દિમાગ ગુમાવીને મેં એને મારી નાખી. અને હું કેટલી હેરાન થતી હતી એની સાક્ષી એન્જલ આપશે. રાઈટ?' બાનાએ ગળું સહેજ ખંખારીને કહ્યું, ‘માય ડિયર, એ બધી દૂરની વાત છે પણ યસ, આપણે બચાવ માટેના બધા રસ્તા વિચારી રાખવા જોઈએ.' ‘મિસ્ટર બાના, સાવ સાચું કહેજો, તમને એવું લાગે છે કે મેં ઉત્સવીને મારી નાખી છે?'  બિલોરીએ પૂછ્યું.

બાના થોડીવાર બિલોરી સામે જોઈ રહ્યા. છેવટે એ બોલ્યા ત્યારે એમના ચહેરા પરથી જાણે વકીલનું મહોરું ઊતરી ગયેલું. બહુ સૌમ્ય અવાજે એ બોલ્યા, ‘એ હું નથી જાણતો, અને મારે જાણવું પણ નથી. પણ તમને બચાવવા માટે હું મારાથી બનતી બધીયે કોશિશ કરીશ.'

‘થેંક યુ' બિલોરીની આંખમાં પાણી આવી ગયા. ‘બસ, મજબૂત રહેજો.' કહીને બાના ઊભા થઇ ગયા, જતા પહેલાં એણે જોકે પૂછી લીધું, ‘કોઈ ચીજની જરૂર હોય તો કહો.'
થોડું વિચારીને બિલોરીએ કહ્યું, ‘મારા ઘરમાં મારી પર્સનલ ભગવદ્ ગીતાની કોપી છે. બેડરૂમના નાના વ્હાઈટ કબાટમાં રાખી છે. એ મંગાવીને મને પહોંચાડી શકો?'
‘શ્યોર' કહીને બાનાએ વિદાય લીધી. અને ખરેખર સાંજ સુધીમાં નાની પોકેટ સાઈઝ ભગવદ્ ગીતા બિલોરીને મળી પણ ગઈ.

આજે સવારે  જેલમાંથી અત્યંત ખરાબ હાલતમાં હોસ્પિટલ પહોંચેલી બિલોરી પોતાની સાથે ગીતા લાવવાનું નહોતી ભૂલી. ‘હવે ભગવાન યાદ આવે છે?' હોસ્પિટલમાં એની સાથે આવેલી કોન્સ્ટેબલે ધીમા અવાજે મારેલો ટોણો બિલોરીએ સાંભળી લીધો. પણ એને પરવા નહોતી. બાના ભલે ગમે તે કહે પણ, હવે એની કહાણીનો અંત આવી ગયેલો. બસ છેલ્લું ચેપ્ટર બિલોરીએ લખવાનું હતું.

અને, એમાં એની સહાય માત્ર આ ગીતા કરવાની હતી. બિલોરી હળવેથી પથારીમાં બેઠી થઇ. દિવસ ઢળવા આવેલો, પણ કોઈએ હજી એના રૂમમાં આવીને લાઈટ ચાલુ નહોતી કરી.  આછા અજવાળામાં બિલોરીએ બેડસાઈડ ટેબલ પર પડેલી ગીતા હાથમાં લીધી. એણે પહેલું પાનું ખોલ્યું. ત્યાં એન્જલનો નાનો ફોટો ચિપકાવેલો હતો.

એ માંડ દોઢેક વરસની થયેલી, ત્યારે જિમીએ પોતાના કેમેરાથી આ ફોટો પાડેલો. બિલોરીને એ દિવસ બરાબર યાદ હતો કારણ કે એ સવારે પહેલીવાર એન્જલના મોઢેથી એણે ‘મમ્મા' સાંભળેલું.

એ અવાજનું કોઈ રેકોર્ડિંગ નહોતું, પણ બિલોરીના કાનમાં, દિમાગમાં, દિલમાં એ શબ્દનો રણકાર સચવાઈ રહેલો. આંખો બંધ કરીને, ઝૂકીને એણે તસવીરને ચૂમી લીધી. એન્જલે પાછું એના કાનમાં કહ્યું, ‘મમ્મા'.
‘મમ્મા, લકી મામા કહે છે કે, તમે એમનાં મમ્મી છો.'-બિલોરીને હજી પણ એ દિવસ યાદ હતો જ્યારે નવેક વરસની થયેલી એન્જલે આ શબ્દો ઉચ્ચારેલા.એ દિવસે ઓફિસમાં એટલું કામ હતું કે ઘેર આવતા બિલોરીને લગભગ અગિયાર વાગી ગયેલા. અધિરથ એના કામે દિલ્હીમાં હતો.

ઉત્સવી કૉલેજની પિકનિકમાં ગયેલી. ઘરકામ કરતી કાંતાબાઈએ આવીને ડિનર માટે પૂછ્યું. ‘ના, જમવું નથી.અડધો કલાક પછી થર્મોસમાં ચા ભરીને મારા રૂમમાં મૂકી દેજે.' બિલોરીએ કહ્યું. થાકી તો બહુ ગયેલી, પણ બીજે દિવસે સવારે એક પ્રેઝન્ટેશન આપવાનું હતું, એની તૈયારી કરવાની હતી.

અંદરના રૂમમાંથી ટીવીનો અવાજ આવતો હતો. ચાર પાંચ દિવસ પહેલાં મનાલીથી મુંબઈ આવેલા લકીને એણે ઉત્સવીના રૂમમાં રહેવાની સગવડ કરી આપેલી. મોડી રાત સુધી એ ટીવી જોયા કરતો. અમેય એની મમ્મીને ત્યાં હતો. અને આમ પણ પાંચ સાત દિવસથી દેખાયો નહોતો. સામાન્ય રીતે એન્જલ તો દસ વાગતામાં સૂઈ જતી.

પોતાના રૂમમાં જતાં પહેલા બિલોરીએ સહજભાવે પૂછી લીધું, ‘એન્જલે જમી લીધું... અને લકીએ?'
‘હા' કાંતાબાઈએ જવાબ આપ્યો અને પછી કંઈ બોલવા જતાં અટકી ગઈ.
‘શું થયું?' બિલોરીએ પૂછ્યું. ‘મેડમ, લકીભાઈ એન્જલને બહુ ચીડવ્યા કરે છે. બેબીને નથી ગમતું.'

બિલોરીએ હોઠ કરડ્યા. એને પોતાને ઘરમાં લકીની હાજરી નહોતી ગમતી. પણ એ જીદ કરીને આવેલો. આખરે દીકરો હતો. અને આમ પણ એ પંદર દિવસ પછી જતો રહેવાનો હતો. છ મહિના પહેલાં આવી ગયેલી ઉત્સવી સાથે બિલોરીએ મન મારીને સમાધાન કરી લીધેલું, કહો કે કરવું પડેલું. એ છોકરીએ ફોન પર ચોખ્ખી ધમકી આપેલી કે બિલોરી ના પડે તોયે એ મુંબઈ આવવાની જ હતી. અને પછી જે થાય એ માટે બિલોરીએ તૈયાર રહેવાનું હતું. બિલોરીએ હા પાડ્યા વિના છૂટકો નહોતો.જોકે આવ્યાં પછી ઉત્સવીએ કોઈ ખાસ હેરાનગતિ નહોતી કરી.

અધિરથ સાથે પણ એ હળીભળી ગયેલી. અને એન્જલને તો એની માસી સાથે પહેલા જ દિવસથી દોસ્તી થઇ ગયેલી. પણ છ મહિના પછી લકી આવ્યો ત્યારે બિલોરીને ફડકો પડેલો કે એ ભાઈબહેન મળીને કોઈ સમસ્યા તો નહિ ખડી કરી દે ને? એણે ઉત્સવી પાસેથી પ્રોમિસ લીધેલું કે એ લકીને કન્ટ્રોલમાં રાખશે. ચાર દિવસ શાંતિથી વીતી ગયા, પછી ઉત્સવી એની ફ્રેન્ડ્સ સાથે બહારગામ ગઈ.

લકી મોટા ભાગનો સમય એના રૂમમાં ગાળતો હતો. એને ખાવાપીવા, ટીવી જોવા અને વિડિયો ગેમ્સ રમવા સિવાય ભાગ્યે જ કોઈ પ્રવૃત્તિમાં રસ હતો. એન્જલ સાથે એ ખાસ વાત નહોતો કરતો. અધિરથથી તો દૂર જ રહેતો હતો.

આમ તો બિલોરીને આ જ જોઈતું હતું. પણ તોયે નિરાંત તો એને લકીના ગયા પછી જ થવાની હતી, કારણ કે લકી બહુ ભરોસાપાત્ર છોકરો નહોતો. અને આજે કાંતાબાઈએ ફરિયાદ કરી. જોકે નોકરોની સાથે અંતર જાળવવાનો નિયમ બિલોરીએ ત્યારે પણ તોડ્યો નહિ. ‘હં' કહીને એ પોતાના રૂમમાં જતી રહી. નાહીને એ બાથરૂમમાંથી નીકળી ત્યારે એન્જલ સામે પલંગ પર બેઠેલી દેખાઈ. ‘અરે, તું હજી જાગે છે?' બિલોરીએ જઈને દીકરીનો ગાલ ચૂમી લીધો.

‘મમ્મા, હું આજે તમારી સાથે સૂઈ જાઉં?' એન્જલે પૂછ્યું, અને પછી તરત ઉમેર્યું, ‘પ્લીઝ, મા પ્લીઝ, બસ આજે?'
બિલોરી હસી પડી.‘ઓકે ઓકે, પણ મમ્માને આજે વાતો કરવાનો ટાઈમ નથી. બહુ કામ કરવાનું છે. તું ડિસ્ટર્બ નહિ કરે ને?'

‘નહિ કરું, પ્રોમિસ.' કહીને એન્જલે પથારીમાં લંબાવી દીધું. એને ગુડ નાઈટ કહીને બિલોરીએ રૂમની મોટી લાઈટ બંધ કરી. ટેબલ પર રાખેલા થર્મોસમાંથી ચાનો કપ ભરીને એણે પોતાનું લેપટોપ ઓન કર્યું. માંડ દસેક મિનિટ્સ થઇ હશે,ત્યાં એન્જલનો અવાજ આવ્યો, ‘મમ્મા?'
‘હં' સ્ક્રીન પરથી નજર ખસેડ્યા વિના બિલોરીએ હોંકારો આપ્યો.

‘મમ્મા, લકીમામા કહે છે કે તમે એમનાં મમ્મી છો.' એન્જલ બોલી. બિલોરીનો હાથ કીબોર્ડ પર સ્થિર થઇ ગયો. થોડીવાર તો એ કંઈ બોલી ન શકી. પછી ધીમેથી એણે પોતાની રિવોલ્વિંગ ચેર ફેરવીને એન્જલ સામે જોયું. ગળા સુધી ચાદર ખેંચીને આડે પડખે સૂતેલી એન્જલ એની માતા સામે જોઈ રહી હતી.

‘મામાએ તને એવું કહ્યું?' બિલોરીએ અવાજને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરતાં પૂછ્યું.
‘હા'
‘અને એવું પણ કહ્યું કે કાંતાબાઈ બોમ્બેની ક્વીન છે, અને મિકી માઉસ તારા અંકલ છે?'
‘કાંતાબાઈ ક્વીન.....મિકી માઉસ?' એન્જલ મૂંઝાઈ ગઈ.

બિલોરી જોરથી હસી. ‘તારા લકીમામા પાગલ છે, સોરી પાગલ નહિ બહુ મજાકિયા છે. નાના હતા ત્યારથી એને આવાં ગપ્પાં મારવાની ટેવ છે. એ જે બોલે, એ માનવાનું નહિ.'
‘ખોટું બોલવું કેટલું ખરાબ કહેવાય.' એન્જલે સ્કૂલમાં ભણેલો પાઠ યાદ કર્યો.
‘યેસ ડાર્લિંગ, બહુ ખરાબ કહેવાય, પણ લકીમામા છે જ એવા. તારે એની સાથે બહુ વાત જ નહિ કરવાની.'
‘હં' ‘અને હા, લકીમામાએ તને જે કહ્યું, એ તું કોઈવાર કોઈને નહિ કહેતી.'
‘પાપાને પણ નહિ?'

‘ના' બિલોરીએ ચીસ પાડવાની ઈચ્છા પર માંડ માંડ કાબૂ રાખ્યો.' એ અમસ્તા ગુસ્સે થશે. સ્વેર ઓન મી કે તું પાપાને કે બીજા કોઈને નહિ કહે?'
‘આઈ સ્વેર, કે નહિ કહું.' એન્જલે વચન આપી દીધું.
‘અને સ્વેર કર્યા પછી પ્રોમિસ તોડી નાખીએ તો ખબર છે ને શું થાય?'
‘હા, મરી જવાય.' બોલીને એન્જલ ગળગળી થઇ ગઈ. ‘મમ્મા, એવું નહિ બોલો, હું સાચે કોઈને નહિ કહું.' બિલોરી ખુરસી પરથી ઊભી થઇ ગઈ. હવે કામ કરવું અશક્ય હતું. જઈને એણે એન્જલની બાજુમાં લંબાવ્યું.


‘તમે મારા જ મમ્મી છો ને?' એન્જલે એના હાથને સ્પર્શતા કહ્યું.
બિલોરીએ એને પોતાની બાજુમાં ખેંચી લીધી. ‘યેસ બેબી, હું તારા સિવાય બીજા કોઈની મમ્મી નથી.'
આટલો સધિયારો લઈને એન્જલ તો પછી તરત સૂઈ ગઈ. પણ બિલોરી રાતભર જાગતી રહી. બીજે દિવસે એણે લકીને મનાલી રવાના કરી દીધો.
‘હું બધાંને સાચું કહી દઈશ?' લકીએ ધમકી આપવાની કોશિશ કરી.

‘કહી દે, અને પછી ઉત્સવીએ પણ મુંબઈ છોડવું પડશે. હું તો મારું ફોડી લઈશ, પણ પછી તમને મળતા પૈસા સાવ બંધ થઇ જશે ત્યારે તમારી હાલત કેવી થશે એ વિચારી લેજે.' બિલોરીએ સામે આપેલી ધમકી વધુ અસરકારક હતી. લકીએ જતા પહેલાં પ્રોમિસ આપવું પડ્યું કે ભવિષ્યમાં એ બિલોરીને પૂછયા વિના મુંબઈમાં પગ નહિ મૂકે. જોકે જતાં જતાં એણે બિલોરીને શાબ્દિક ચીમટો ખણી લીધો, ‘તમને તો ઉત્સવી જ પહોંચી વળશે.'

‘એય, તને ઉત્સવીએ કહેલું, એન્જલના કાન ભંભેરવાનું?' બિલોરીએ પૂછેલા સવાલનો જવાબ આપ્યા વિના લકી જતો રહેલો.
પિકનિક પરથી પાછી આવેલી ઉત્સવીએ લકીના તોફાનમાં પોતાનો હાથ હોવાનું સાફ નકારી દીધું, પણ બિલોરીના મગજમાં શંકા ઘર કરી ગઈ.

‘મમ્મા, માસી બહુ ખરાબ છે.' અચાનક એક દિવસ એન્જલે આવીને કરેલી જાહેરાત બિલોરીને ચમકાવી ગઈ.
‘કેમ શું થયું?' બિલોરીએ પૂછ્યું.

‘આજે એ ભાલુના રૂમમાં હતી.' એન્જલે કહ્યું.
બિલોરીને કંઈક ગરબડ થયાની શંકા જાગી, પણ અવાજમાં સહજતા જાળવીને એ બોલી ‘તો શું થઇ ગયું? તું પણ અમેયના રૂમમાં જાય છે ને?'
‘પણ મારી વાત જુદી છે.' અગિયાર વરસની એન્જલે ગુસ્સાભર્યા અવાજે કહ્યું.
‘અચ્છા, એ કેવી રીતે?' બિલોરીએ સ્મિત આપીને પૂછ્યું.

‘આ મારું ઘર છે, મારા મમ્મી પપ્પાનું. હું કોઈના પણ રૂમમાં જાઉં, એ કોણ મને કહેવાવાળી કે નોક કર્યા વિના કોઈના રૂમમાં નહિ જવાનું?' એન્જલ વધુ ગુસ્સે થઇ. બિલોરી મૂંઝાઈ. ‘બેબી, ઘર તારું છે, પણ નોક કર્યા વિના કોઈના રૂમમાં જવું એ બેડ મેનર્સ કહેવાય.'

‘કોઈનો રૂમ નહોતો, ભાલુનો હતો.' એન્જલના શબ્દો સાંભળીને બિલોરીની અસ્વસ્થતામાં વધારો થયો. ઘણા સમયથી એને લાગતું હતું કે, એન્જલ અમેય માટે વધુ ને વધુ પઝેસિવ થઇ રહી હતી. એ ચૂપ રહી, પણ એન્જલનું બોલવાનું પૂરું નહોતું થયું. ‘એ એના ઘેર જઈને કેમ નથી રહેતી?' ‘આ એનું પણ ઘર છે ને?' બિલોરીએ કહ્યું. ‘ના, એનું ઘર મનાલીમાં છે, એનાં મમ્મી પપ્પા પણ મનાલીમાં છે. એ શું કામ આપણાં ઘરમાં રહે છે?' ‘હું એની મોટી બહેન છું.' બિલોરીએ દીકરીને સજાવવાની કોશિશ કરી.

‘બહેન છે, મમ્મી તો નથી ને?' જોરથી બોલીને એન્જલ વેધક નજરે બિલોરીને તાકી રહી. એ ઘડીએ બિલોરીને લાગ્યું કે એન્જલ બધું જાણી ગયેલી. એણે જે સવાલ પૂછેલો એની પાછળ માત્ર કોઈ બાલિશ ગુસ્સો નહોતો.

એન્જલ જાણે એની માતાને ચેલેન્જ આપી રહી હતી કે, સચ્ચાઈ કબૂલી લે. આ ઘટનાને વર્ષો વીતી ગયાં પછી ઘણીવાર બિલોરીને વિચાર આવેલો કે, એન્જલે એને ચેલેન્જ નહિ તક આપી હતી, સાચું બોલી દેવાની તક. અને બિલોરીએ જો એ તક ઝડપી લીધી હોત તો પછી કદાચ જે થયું એ ન થયું હોત. એણે એન્જલને સમજાવી લીધી હોત. કદાચ એન્જલનો ગુસ્સો ઓછો થઇ ગયો હોત, કદાચ એણે પણ બિલોરીની જેમ સંજોગો સાથે સમાધાન કરી લીધું હોત. કદાચ..કદાચ.....

પણ કદાચ શું થયું હોત, એ વિચારવાનો પછી કોઈ અર્થ નહોતો રહ્યો. એ દિવસે બિલોરીએ સાચું બોલવાની હિંમત નહોતી કરી. સાચું પૂછો તો એ ઘડીએ બિલોરીને પોતાની નહિ , એન્જલની ચિંતા હતી. એને ડર હતો કે એન્જલ સચ્ચાઈ જીરવી નહિ શકે. કદાચ સત્ય જાણ્યા પછીયે એ સમજી નહિ શકે. એ ઘડીએ બિલોરી માટે સચ્ચાઈ કહો કે વાસ્તવિકતા એક જ હતી કે, એન્જલ એને જીવથીયે વહાલી હતી. એના માટે જીવનભર ખોટું બોલવું પડે, ગમે તે પીડા ભોગવવી પડે, તોયે બિલોરીને વાંધો નહોતો.

એટલે એણે પોતાની બીજી બધી લાગણીઓને દાબી દઈને, હસીને એ દિવસે એન્જલને કહી દીધું, ‘અફકોર્સ, હું ઉત્સવીની મમ્મી નથી. પણ એ મારી બહેન છે, સાવકી બહેન. અને એને ઘરમાંથી જવાનું કહું તો લોકોને લાગશે કે, સાવકી હતી એટલે કાઢી મૂકી.' ‘એટલે જિંદગીભર એ આપણી સાથે જ રહેશે?' એન્જલના સવાલનો જવાબ આપતી વખતે બિલોરી પછી હસેલી, ‘ના રે, એક દિવસ એની મેળે જતી રહેશે. તું શાંત થઇ જ, આ ઘર તારું છે, મમ્મી પણ તારી જ છે.'

‘અને ભાલુ ' એન્જલે એટલી નિર્દોષતા સાથે પૂછ્યું કે, વગર વિચાર્યે બિલોરીએ કહી દીધું, ‘ભાલુ પણ તારો જ છે.' આવું કહેવા બદલ પણ પાછળથી પસ્તાવો થયેલો. જોકે કહ્યું, અને એન્જલ આવીને એને ભેટી પડી એ ઘડીએ તો બિલોરીએ રાહત જ અનુભવેલી.

પછીના થોડા દિવસ ઘરમાં શાંતિ રહી. એણે ઉત્સવી સાથે પણ વધુ વાત કરવાનું ટાળ્યું. જોકે સામે પક્ષે ઉત્સવીના તેવર બહુ ઝડપથી બદલાઈ રહ્યા હતા.એ હવે બિલોરી સાથે નાનીનાની વાતે ઝઘડતી હતી. કદાચ અમેય સાથે વધતી જતી નિકટતાએ ઉત્સવીની હિંમત વધારી દીધેલી. બિલોરી પોતે એને પહોંચી વળવા તૈયાર હતી, પણ એને ફિકર એન્જલની હતી. ઉત્સવીની નજીક ગયા પછી સ્વાભાવિક રીતે જ અમેય એન્જલ પ્રત્યે ઓછું ધ્યાન આપતો હતો.આમ તો બિલોરીને પોતાને પણ આ જોઈતું હતું કે એન્જલને અમેયનું વળગણ ઓછું થાય.

પણ એણે આ માટે થોડા સમયની રાહ જોયેલી. એન્જલ બહુ ઈમોશનલ હતી, અને ઉંમરમાં પણ નાની હતી. રાતોરાત એ અમેયને છોડવાની નહોતી. બિલોરીને લાગતું હતું કે નાદાન એન્જલને હેરાન કરવાનું હથિયાર ઉત્સવીના હાથમાં આવી ગયેલું. નાના બાળકના હાથમાંથી એનું પ્રિય રમકડું ઝૂંટવી લ્યો તો એને કેવું લાગે? અને ઉત્સવીની ચડામણીને પરિણામે જ એક દિવસ અમેય ઘર છોડીને જતો રહ્યો, એ વાતમાં બિલોરીને કોઈ શક નહોતો.પહેલાં તો બિલોરીએ અમેયની વિદાયથી ખુશી અનુભવી.

લોકો ભલે અમેયને સીધોસાદો ગણતા હોય, પણ બિલોરીને એ છોકરામાં છૂપી લુચ્ચાઈનાં દર્શન થતાં હતાં.

એને શંકા હતી કે અમેય એની માતા સોનારી અને પિતા વચ્ચે ફરીથી સંબંધ જોડવાની પેરવીમાં હતો. પછી એણે ઉત્સવી સાથે મળીને સહિયારો મોરચો ઊભો કર્યો. છેલ્લે છેલ્લે તો એમણે અધિરથને પણ પોતાની તરફ ખેંચી લીધેલો. પહેલા ઉત્સવી, અને પછી અમેયે અધિરથને કહી દીધું કે બિલોરી ઉત્સવીની બહેન નહિ પણ મા હતી, ત્યારે અધિરથે આંખ આડા કાન કરેલા. એણે બિલોરીને કહ્યું ખરું પણ બિલોરીએ નકારી કાઢ્યું તો અધિરથે પત્નીની વાત માની લેવાનો દેખાવ કર્યો. ઉપર ઉપરથી બધું ઠીક લાગતું હતું, પણ પતિ પત્નીના સંબંધમાં ઉષ્મા ઘટી ગઈ હતી.

અહી પણ બિલોરીને વધુ ચિંતા એ હતી કે, એન્જલના ભવિષ્ય પર અસર ન પડે. બિલોરીએ સક્સેસફુલ બિઝનેસવુમન તરીકે પોતાની ઓળખ ઊભી કરી લીધેલી, પણ એ હજુ બહુ ઊંચા સ્થાને પહોંચવાનું સપનું જોતી હતી, અને એ માટે હજીયે ઓછામાં ઓછા ત્રણ ચાર વરસ એને અધિરથના સાથની જરૂર હતી. પછી એ કોઈની પરવા નહોતી કરવાની. પણ એ દિવસ આવે ત્યાં સુધી કોઈપણ ભોગે લગ્નજીવન ટકાવી રાખવું જરૂરી હતું. પ્રેમ માટેની બિલોરીની તરસ તો ક્યારનીયે શમી ગયેલી.

એન્જલ સિવાય એને દુનિયામાં કોઈ સાથે લાગણીનો સંબંધ નહોતો. એટલે જ ઘરમાંથી અમેયના ગયા બાદ એન્જલની જે માનસિક સ્થિતિ થઇ, એ જોઇને બિલોરી એટલી હચમચી ગઈ કે એણે અમેય સામે પણ હાથ જોડી લીધા. સદ્નસીબે પછી તો અમેયે જ એન્જલને સમજાવી લીધી. રડીકકળીને પણ છેવટે એન્જલે સ્વીકારી લીધું કે,એનો ભાલુ હવે ઉત્સવીનો થઇ ગયેલો. જોકે એનો અર્થ એવો નહોતો કે ઉત્સવી માટેનો એન્જલનો ઓસરી ગયેલો પ્રેમ પાછો જાગૃત થઇ ગયેલો. ઉત્સવી તો એને દુશ્મન જ લાગતી હતી.

ઉત્સવીએ ઘર છોડ્યું ત્યારે એન્જલે જરાક પણ ખચકાયા વિના બિલોરી સામે પોતાની લાગણી વ્યક્ત કરી દીધી. ‘થેંક ગોડ, ધેટ બીચ ઈઝ આઉટ......આપણાં ઘરમાંથી, અને આપણી લાઈફમાંથી.' ટીનએજ દીકરીએ વાપરેલા શબ્દો સાંભળીને આંચકો ખાઈ ગયેલી બિલોરી કંઈ બોલવા ગઈ, પણ એન્જલે હાથ ઊંચો કરીને એને રોકી પાડી. ‘પ્લીઝ મા, હું જાણું છું કે, તમને પણ હવે થોડી શાંતિ મળશે.' ‘એન્જલ...' બિલોરીને આગળ બોલવાનું સૂઝ્યું નહિ.

પણ એન્જલનું બોલવાનું પૂરું નહોતું થયું. ‘હું સાવ નાની કે બુદ્ધુ નથી. મારાં આંખ કાન પણ બરાબર કામ કરે છે. એ તમને કેટલા હેરાન કરતી હતી, એ મેં જોયું છે, અને સાંભળ્યું પણ છે. તમે ભલે મારા કાને અવાજ ન પહોંચે, એનું ધ્યાન રાખતા હતા, પણ એ જે બોલતી હતી, એ મને સંભળાતું હતું. અને, એનો એ જ ઈરાદો હતો.'બિલોરી ઠરી ગઈ. એ નહોતી જાણતી કે એન્જલે શું સાંભળેલું, અને એમાંથી એ કેટલું સમજેલી. પણ પછી એન્જલે ઉચ્ચારેલા શબ્દોએ એના દિલ પરથી મોટો બોજ ઉતારી નાખ્યો. ‘મમ્મા, પાસ્ટમાં જે થયું એ બધું ભૂલી જાવ. ગમે તે થાય, હું તમારી સાથે જ છું. તમારે કોઇથી ડરવાની જરૂર નથી.' બિલોરી એન્જલ સામે જોઈ રહી.એની દીકરી આટલી મોટી થઇ ગયેલી?

જોકે રાત પડી ત્યારે જાણે નાની એન્જલ પાછી ફરી. બિલોરીના બેડરૂમમાં આવીને એણે પૂછ્યું, ‘મમ્મા, આજે હું તમારી સાથે સૂઈ જાઉં, પ્લીઝ?' બિલોરીએ હસીને હાથ લંબાવ્યા. એન્જલે દોડીને માતાના શરીર પર પડતું મૂક્યું. વધુ વાત કર્યા વિના, થોડી જ વારમાં મા-દીકરી નિદ્રાધીન થઇ ગયા.

બીજી સવારથી જિંદગી એના પાટે ચઢી ગઈ. બિલોરી કામમાં અને એન્જલ ભણવામાં વ્યસ્ત થઇ ગઈ. જોકે બિલોરી આખરે માતા હતી. એને એટલું તો દેખાતું હતું કે એન્જલ હજીયે અમેયને મિસ કરતી હતી.બોલતી નહોતી, પણ અમેય સાથે ફોન પર વાત થાય, એ દિવસે એન્જલ ખીલી ઊઠતી. બિલોરીએ જાતને આશ્વાસન આપ્યું કે ધીમેધીમે આ પણ ઓછું થઇ જશે.

પણ પછી એક દિવસ બિલોરી બહારગામથી પાછી આવી ત્યારે એને ખબર પડી કે એન્જલ એની મેળે ઉત્સવી અને અમેયને મળવા પહોંચી ગયેલી. ‘શું કામ?' બિલોરીએ આશ્ચર્યથી પૂછ્યું. ‘બસ, એમ જ.' એન્જલે અધ્ધર જવાબ આપ્યો.

‘પણ....' બિલોરીને સમજાયું નહિ કે શું કહેવું. હજી અઠવાડિયા પહેલાં જ ઉત્સવીએ સવારના પહોરમાં ફોન કરીને એની પાસે પાંચ લાખ રૂપિયા માંગેલા. એ દિવસે અધિરથ વહેલો ઓફિસે જવા નીકળી ગયો હતો. બિલોરી અને એન્જલ બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠાં હતાં. ઉત્સવીનો ફોન આવ્યો ત્યારે બિલોરી એના બીજા ફોન પર વાત કરી રહી હતી. એ હજી ત્યાં વાત પૂરી કરી એટલીવારમાં તો ટેબલ પર પડેલા એના આઈ ફોનની સ્ક્રીન પર ઉત્સવીનું નામ જોઇને એન્જલે ફોન સ્પીકર મોડ પર મૂકી દીધેલો.

બિલોરીને ગમ્યું નહિ, પણ બીજી તરફ હવે એન્જલથી કઈ છુપાવવાનો મતલબ પણ નહોતો.ઉત્સવીને એની પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી શરૂ કરવા માટે પૈસા જોઇતા હતા. બિલોરીએ એકસાથે આટલા બધા પૈસા આપવાની પોતાની અશક્તિ દર્શાવી. અને ખરેખર એને પોતાના કામમાં પણ નાણાંભીડ વર્તાઈ રહી હતી. ઉત્સવી આ જાણતી હતી.

મોટેથી હસીને એણે કહ્યું, ‘એન્જલ માટે તું જે પૈસા જમા કરી રહી છે, એમાંથી થોડા આપી દે.' અને પછી બિલોરીના પ્રતિભાવની રાહ જોયા વિના એ બોલી ગઈ, ‘અધિરથ ભલે આ વાતથી અજાણ હોય, પણ હું બધું જાણું છું. અને હા, મેં અને અમેયે મેરેજ કરવાનું નક્કી કરી લીધું છે. પછી તો નો સિક્રેટ્સ.'‘કોન્ગ્રેચ્યુલેશન્સ' બિલોરી એટલું જ બોલી શકી.

‘થેન્ક્સ, અને હા, એન્જલ કેમ છે?' ઉત્સવીએ કદાચ બહુ સહજભાવે આ પૃચ્છા કરી હશે, પણ આ સંવાદ સાંભળી રહેલી એન્જલના ચહેરા પર આવી ગયેલા આઘાત અને ક્રોધના ભાવ બિલોરીએ જોઈ લીધા. ‘જોઉં છું, આવતે અઠવાડિયે કંઈ વ્યવસ્થા થાય તો.' કહીને બિલોરીએ વાત પૂરી કરી. પણ એ પહેલાં એન્જલ ત્યાંથી ઊઠીને જતી રહેલી.

પછી એમની વચ્ચે આ વિષે વાત ન થઇ. બીજે દિવસે બિલોરી ઓફિસના કામે બહારગામ જતી રહી. ચાર દિવસ બાદ પાછી આવી તો ખબર પડી કે એન્જલ અમેય-ઉત્સવીને ઘેર જઈ આવેલી. એણે આવું શું કામ કરેલું એનો કોઈ સંતોષજનક જવાબ મળ્યો નહિ. અને પછી તો એન્જલ આવું વારંવાર કરતી થઇ ગઈ.

પંદર દિવસે એકવાર તો એ ત્યાં જાય જ. બિલોરીને સમજાતું નહોતું કે એન્જલ શું કામ આવું કરતી હતી. પણ એણે રોકવાની કોશિશ ન કરી કારણ કે એન્જલ મજામાં લાગતી હતી. છેવટે બિલોરીએ મન મનાવ્યું કે, એ ત્રણેય પાછાં દોસ્ત થઇ ગયાં હોય તોયે એમાં ખાસ કંઈ વાંધાજનક નહોતું. ઉત્સવી તરફથી થતી હેરાનગતિ પણ ધીમેધીમે ઓછી થઇ રહી હતી. છેલ્લે એણે સાંભળ્યા પ્રમાણે ઉત્સવી, એન્જલને કેક અને કુકીઝ બનાવતા શીખવી રહી હતી.

અને એન્જલને હવે અચાનક ગાર્ડનિંગનો શોખ જાગી ગયેલો. કલાકો સુધી એ નેટ પર જાતજાતનાં ઝાડપાન, ખાતર, એમના પર અસર કરતાં જીવજંતુઓ પરની માહિતી વાંચ્યા કરતી. બંગલાના ગાર્ડનમાં એણે થોડા છોડ પણ વાવેલા. મશરૂમ્સમાં તો જાણે એણે પીએચડી કરવાનું હતું. બિલોરીના આશ્ચર્ય વચ્ચે અધિરથને પણ આમાં રસ પડેલો. રજાને દિવસે બાપદીકરી કલાકો સુધી ગાર્ડનમાં મંડ્યાં રહેતાં.અને પછી બિલોરીનો 43મો જન્મદિવસ આવ્યો. એ થોડી અપસેટ હતી, કારણ કે અધિરથ મુંબઈમાં નહોતો.

પત્નીના જન્મદિવસે એની સાથે રહેવાની જરૂરત એને નહોતી લાગી. બિલોરીએ આખો દિવસ ઓફિસમાં વિતાવ્યો. ઘેર આવી તો મેસેજ મળ્યો કે, એન્જલ અમેયના ઘેર ગયેલી. બિલોરીના કાળજે નાનો ડંખ લાગ્યો. કોઈને એની સાથે બર્થડે ડિનર લેવામાં રસ નહોતો? જોકે જાત પર દયા ખાઈને બેસી રહેવાનું કે રડવાનું એના સ્વભાવમાં નહોતું. ઠંડાગાર શાવર નીચે પંદર મિનિટ્સ ઊભા રહીને એણે બધોયે થાક અને નારાજગી ઉતારી નાખ્યાં. પછી કબાટમાંથી નવોનકોર રેડ કલરનો સિલ્ક કિમોનો પહેરીને પછી આજે વ્હાઈટ વાઈન પીવો કે રેડ, એનો વિચાર કરતી એ લિવિંગ રૂમમાં આવી.

બાર કાઉન્ટર પર સિલ્વરની આઈસ બકેટમાં રાખેલી શેમ્પેઇન બોટલ અને બત્રીસી દેખાય એવું સ્મિત વેરતી એન્જલ ત્યાં એની રાહ જોતાં હતાં. ‘અરે, તું આવી ગઈ?' બિલોરીનો મૂડ સારામાંથી બહુ સારો થઇ ગયો.‘ક્યા.......રની' એન્જલે આળસ મરડતાં કહ્યું. અને પછી બાર પર મૂકેલા બે ગ્લાસમાં શેમ્પેઇન રેડ્યો.આમ તો એન્જલ હજી પંદર વરસની હતી, પણ કોઈકોઈ વાર ઘરની અંદર બીજાઓ સાથે અડધોએક ગ્લાસ વાઈન કે બીજું કોઈ માઈલ્ડ ડ્રિંક પી લેવાની એને છૂટ હતી.

અને આજે તો બિલોરી માટે બર્થડે સેલિબ્રેશન એણે અરેન્જ કર્યું હતું.‘ચિયર્સ ટુ માય વંડરફૂલ બ્યુટિફુલ સ્વીટ સ્વીટ મમ્મા.' ગ્લાસ ઊંચો કરીને એન્જલ બોલી. એના ઝગમગતા સ્મિતે બિલોરીના દિલોદિમાગમાંથી બધોયે અંધકાર દૂર કરી નાખ્યો. એન્જલને એણે આટલી ખુશ આ પહેલાં ક્યારેય નહોતી જોઈ. ‘લવ યુ સ્વીટહાર્ટ.' બિલોરીએ ગ્લાસમાંથી સીપ લઈને કહ્યું.

એન્જલે મોટો ઘૂંટ ભર્યો, અને પછી હાથમાં રિમોટ લીધું. ઘરનો ખૂણેખૂણો સોફ્ટ મ્યુઝિકથી ભરાઈ ગયો. બિલોરી જઈને કાઉચ પર બેઠી. એણે હાથથી ઈશારો કરીને એન્જલને પોતાની પાસે બોલાવી. એન્જલે આઈસ બકેટ કૉફી ટેબલ પર મૂકી, અને પોતાના ગ્લાસ સાથે બિલોરીની બાજુમાં બેઠી. કંઈ બોલ્યા વિના, અડોઅડ બેસીને મા-દીકરી શેમ્પેઇન પીતાં રહ્યાં.

વચ્ચે એકવાર બિલોરીના ફોનની રિંગ વાગી પણ એણે પરવા ન કરી. એન્જલ સાથેની આ પળોમાં આજે કોઈ ત્રીજાને પ્રવેશ નહોતો.જોકે એન્જલે ત્રીજીવાર ગ્લાસ ભરવા બોટલ હાથમાં લીધી, ત્યારે બિલોરીએ હળવા સૂરે એને ટોકી, ‘છોકરી, તેં તારા કવોટાથી ડબલ પી નાખ્યું છે.'‘રાઈટ' કહીને આજ્ઞાંકિત બાળકની જેમ એન્જલે બોટલ પાછી બકેટમાં મૂકી દીધી. અને પછી ઊભી થતાં બોલી, ‘લેટ્સ ડાન્સ'

‘શું?' બિલોરીને હસવું આવી ગયું. પણ એન્જલે એને હાથ ખેંચીને ઊભી કરી દીધી. કોઈ પ્રેમીની અદાથી એણે બિલોરીની કમરે હાથ વીંટાળ્યો, અને ડાન્સ કરવાનું શરૂ કર્યું. બિલોરીને તો યાદ પણ નહોતું કે છેલ્લે એ ક્યારે ડાન્સ ફ્લોર પર ગયેલી. પણ એના પગ ખુદબખુદ દીકરી સાથે તાલ મિલાવતા રહ્યા. લગભગ અડધો કલાક બાદ એન્જલે બિલોરીને બેસવા દીધી.

આ વખતે બિલોરીએ એને વધુ શેમ્પેઇન પીતાં રોકી નહિ.‘થેન્ક યુ લવ, મારી લાઈફની આ બેસ્ટ બર્થડે પાર્ટી છે.' એણે એન્જલના ગાલે હાથ મૂકીને કહ્યું. ‘ઓહ યસ, અને મારી લાઈફનો બેસ્ટ દિવસ છે.' એન્જલ બોલી. ‘અચ્છા, એ કેવી રીતે?' બિલોરીએ સસ્મિત વદને પૂછ્યું. ‘આઈ કિલ્ડ ઉત્સવી.' એન્જલ બોલી. ‘શું?' બિલોરીને લાગ્યું કે એણે કંઈ ઊંધું સાંભળ્યું હતું.

‘મેં...ઉત્સવીને....મારી નાખી.' એન્જલ શબ્દેશબ્દ છૂટો પાડીને બોલી. ‘પ્લીઝ, આવી મજાક સારી નહિ.' બિલોરીએ કહ્યું. ‘હું મજાક નથી કરતી. ઘણા દિવસથી હું એને થોડું થોડું પોઈઝન આપતી હતી. આજે થોડો મોટો ડોઝ આપી દીધો. હું ત્યાંથી નીકળી ત્યારે એને ચક્કર આવી રહ્યા હતા. ડોક્ટર પાસે જવું તો એને ગમતું નથી. ઘરમાં જ મરી ગઈ હશે.' કહીને એન્જલે પોતાની રિસ્ટવોચમાં જોયું. ‘થોડીવાર પહેલાં કદાચ અમેયનો જ ફોન આવ્યો હશે.'

‘યુ આર ક્રેઝી.' કહીને બિલોરી કાઉચ પરથી ઊભી થઇ ગઈ. બાર પર પડેલા પોતાના ફોન સુધી પહોંચતા તો જાણે એણે હજારો માઈલ્સ ચાલી લીધું. ફોનમાં ખરેખર અમેયનો મિસ્ડ કૉલ હતો. બારનો ટેકો ન હોત તો બિલોરી ત્યાં જ ઢગલો થઇ ગઈ હોત. જેમતેમ હિંમત કરીને એણે અમેયને કૉલ કર્યો. બીજી જ રિંગે અમેયનું હેલો સંભળાયું. ‘સોરી, મેં તારો મિસ્ડ કૉલ હમણાં જોયો.' મહાપ્રયત્ને અવાજને નોર્મલ રાખતાં બિલોરી બોલી. ‘ઓહ, ઈટ્સ ઓલરાઈટ, અમે તમને બર્થડે વિશ માટે ફોન કરેલો. હેપી બર્થડે.' અમેય બોલ્યો. બિલોરી આંખો મીંચી ગઈ. ઘરમાં મરણ થયું હોય તો કોઈ આ રીતે વાત ન કરે. અને પછી અમેયે સામેથી કહ્યું, ‘સોરી, ઉત્સવીની તબિયત ઠીક નહોતી એટલે વહેલી સૂઈ ગઈ.' ‘શું થયું?' બિલોરીએ પૂછવાની હિંમત કરી નાખી.

‘ખબર નહિ, આજકાલ ઘણીવાર એવું થાય છે. ચક્કર આવે, વોમિટ થાય, સખત નબળાઈ લાગે.' ‘ડોક્ટરને બતાવ્યું?' ‘તમે તો જાણો છો કે, ઉત્સવીને ડોક્ટર પાસે જવું નથી ગમતું. પંદર દિવસ પહેલાં તબિયત બહુ બગડી ગઈ, ત્યારે એની એક ફ્રેન્ડ એને કોઈ આયુર્વેદિક ડોક્ટર પાસે લઇ ગયેલી. એણે નાડી તપાસીને કહ્યું કે, ઉત્સવીની પાચનશક્તિ નબળી પડી ગઈ છે, પણ ત્રણ મહિનાનો દવાનો કોર્સ કરશે તો બધું ઠીક થઇ જશે.'

બિલોરીએ મનોમન એ ડોક્ટરનો આભાર માની લીધો, અને નક્કી પણ કરી નાખ્યું કે, બીમારીમાં ક્યારેય કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવા જવું નહિ. જોકે મોટેથી એણે અમેયને કહ્યું, ‘કોર્સ પૂરો કરાવજે. સારું થયું આયુર્વેદિક એક્સપર્ટની સલાહ લીધી. એ લોકો બીમારીને મૂળથી કાઢી શકે. બાકી એલોપથીવાળા પર તો મને પણ ખાસ ભરોસો નથી.' ‘જોઈએ.' અમેયના પ્રતિભાવ પરથી લાગ્યું કે એને આયુર્વેદમાં ઝાઝો વિશ્વાસ નહોતો. બિલોરીએ તરત બાજી સંભાળી લીધી, ‘તોયે કોઈ સારા એલોપેથને બતાવવું હોય તો મને કહેજો. આપણાં ઘરની બાજુમાં જ હોસ્પિટલ છે. જરૂર પડી તો હું પણ તમારી સાથે આવીશ.'

ઓહ, થેન્ક્સ. પણ થોડા દિવસ આ વૈદની દવા લઇ જોઈએ.' અમેયનો જવાબ સાંભળીને બિલોરીએ હાશ અનુભવી.‘ગુડ નાઈટ' કહીને એણે ફોન મૂક્યો અને એન્જલ સામે જોયું. થોડીવાર પહેલા અનુભવેલી સુખ અને શાંતિની લાગણીનું બાષ્પીભવન થઇ ગયેલું. ‘ઉત્સવી હજી જીવે છે.' ‘ખબર પડી.' એન્જલે મોઢું બગાડીને કહ્યું. અને પછી હસી પડી, ‘ક્યાં સુધી? આજે નહિ તો કાલે મરશે.' ‘એન્જલ, તું પાગલ થઇ ગઈ છે?' બિલોરીએ આઘાત સાથે પૂછ્યું. ‘તમે મને પાગલ કહો કે બીજું કંઈ, પણ ઉત્સવી મારા હાથે જ મરવાની છે એ નક્કી.' એન્જલ દૃઢ અવાજે બોલી.

‘પણ શું કામ?' બિલોરીનો અવાજ તરડાઇ ગયો. ‘તમે મને પૂછો છો?' એન્જલે આછું સ્મિત કરતા પૂછ્યું. ‘મને તો લાગ્યું કે બર્થડે પર આવી ગિફ્ટ મેળવીને તમે ખુશ થઇ જશો. કાયમ માટે એનાથી છુટકારો મળી જાય તો તમને ન ગમે?' ‘એન્જલ, માય ગોડ.' બિલોરીએ માથું પકડી લીધું. ‘તેં મારા માટે આ બધું કર્યું?'

‘તમારા માટે, અને મારા માટે પણ.' એન્જલે પ્રામાણિકભાવે જવાબ આપ્યો. અને પછી મુઠ્ઠીઓ ભીંસીને બોલી, ‘આઈ હેટ ધેટ બીચ.' પણ શું કામ, આવું પૂછવા જતી બિલોરી અટકી ગઈ. એને રડવાનું મન થઈ ગયું. એન્જલ હજી અમેયને નહોતી ભૂલી. પોતાની લાગણી પર કાબૂ રાખીને એણે જુદી વાત કરી, ‘એન્જલ, તું ઝેર લાવી ક્યાંથી?'

એન્જલે માત્ર સ્મિત આપ્યું પણ બિલોરીને ખ્યાલ આવી ગયો, ‘અચ્છા તો એટલા માટે તને ગાર્ડનિંગનો શોખ જાગી ગયેલો?’ એન્જલના હોઠ પર સ્મિત યથાવત્ રહ્યું. ‘પણ એન્જલ, ધારો કે ઉત્સવી મરી જાય તોયે તું ક્યાં બચવાની? પોસ્ટમોર્ટમ વખતે ઝેરની હાજરી ખબર તો પડે જ ને.'

એન્જલે હાથ હલાવ્યો, ‘સ્લો પોઈઝનિંગ થયું હોય તો કંઈ ખબર ન પડે.' ‘કોણે કહ્યું?' ‘મેં વાંચ્યું છે.' એન્જલે એટલા સહજભાવે કહ્યું કે બિલોરીને માથું ફૂટવાનું મન થયું. ‘એન્જલ, યુ આર સ્ટુપીડ.'
‘નો, આઈ એમ નોટ સ્ટુપીડ.' એન્જલની આંખમાંથી તણખા ઝર્યા. ‘ઉત્સવી ઝેરથી મરી એવું સાબિત થાય તો પણ ઝેર કોણે આપ્યું, એ કઈ રીતે ખબર પડવાની? હું થોડી એની સાથે રહું છું?'
‘એટલે તું અમેયને.....' બિલોરી હેબતાઈ ગઈ.

‘એમાં આટલા શોક્ડ થઇ જવાની જરૂર નથી. એણે ઘર છોડીને જતી વખતે વિચારેલું કે મારું શું થશે?' એન્જલની જીભ પર હવે શેમ્પેઇનની અસર વર્તાવા લાગેલી. ‘જા સૂઈ જા, કાલે સવારે વાત કરશું.' બિલોરીએ થાકેલા અવાજે કહ્યું.

એન્જલ કોઈ દલીલ કર્યા વિના, રૂમના દરવાજા તરફ વળી. પણ બહાર પગ મૂકતા પહેલાં એણે ફરીથી કહ્યું, ‘ઉત્સવી મારા હાથે જ મરવાની છે.' ‘ના, હું તને એવું નહિ કરવા દઉં.' બિલોરીએ દૃઢપણે પોતાનો ફેંસલો સુણાવ્યો. ‘કેવી રીતે રોકશો?' એન્જલે પૂછ્યું.

‘રોકીશ, ગમે તે કરીને.' બિલોરીએ કહ્યું. ‘તો ઉત્સવીને આપ્યું હતું, એ ઝેર હું ખાઈ જઈશ.' કહીને એન્જલ જતી રહી. બિલોરીને એ ઘડીએ ખાતરી થઇ ગઈ કે, એન્જલ ઠાલી ધમકી આપીને નહોતી ગઈ. બીજી સવારે એ ઊઠી ત્યારે એન્જલ ઘરમાં નહોતી. એની સ્કૂલબેગ ઘરમાં જ હતી. વોચમેને એને વહેલી સવારે બંગલામાંથી નીકળીને ટેક્સીમાં બેસતા જોયેલી.

બિલોરીની ચિંતાનો પાર નહોતો. નવ વાગ્યાની આસપાસ અમેયનો ફોન આવ્યો, ‘તમે એન્જલ સાથે વાત કરો. મેં એને બહુ સમજાવી કે ઉત્સવીને કઈ નથી થવાનું, પણ ખબર નહિ એ બહુ ગભરાઈ ગઈ છે. એના મગજમાં ઠસી ગયું છે કે, ઉત્સવીને કોઈ સિરિયસ બીમારી થઇ ગઈ છે. તમે કંઈ કહેલું?' ‘ના રે' ઉત્સવીએ માંડમાંડ જાત પર કાબૂ રાખીને કહ્યું. ઉત્સવી તો ફોન પર આવી નહિ, પણ બે કલાક પછી અમેય પોતે એને ઘેર મૂકી ગયો.એના ગયા પછી એન્જલે કહ્યું, ‘મેં તમને કહેલું ને કે તમે મને રોકી નહિ શકો.' બિલોરીને સમજાતું નહોતું કે શું કરવું.

આટલી લાચારી તો રવિએ એને છોડી દીધી ત્યારે પણ બિલોરીએ નહોતી અનુભવી. કોને કહેવા જાય? એન્જલને સમજાવવાનું અશક્ય હતું. એનું મગજ હવે ઠેકાણે નહોતું. સાઇક્યિાટ્રીસ્ટ પાસે જતા એને બીક લાગતી હતી કે, એન્જલ પોતે મરી જવાની ધમકી સાચી કરી બતાવે તો ? અને એન્જલના ગયા પછી જીવતા રહેવામાં બિલોરીને રસ નહોતો. તો હું જ ઉત્સવીને મારી નાખીને કિસ્સો ખતમ કરી નાખું? આ વિચાર તો આવ્યો, પણ અમલમાં મૂકવાનું શક્ય નહોતું. બિલોરી હત્યારી નહોતી, અને ઉત્સવી આખરે એની દીકરી હતી.

ભલે દુશ્મન થઇ ગઈ હોય, પણ જેને જનમ આપ્યો હોય એને કઈ રીતે મારી શકાય?ઉત્સવીને મારવા માટે કોઈને સુપારી આપવાનો વિચાર પણ એટલો જ ઘૃણાસ્પદ હતો. બિલોરીની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો એણે આત્મહત્યાનો વિચાર પણ કરી લીધો હોત, પરંતુ બિલોરીને એ વિચાર અડ્યો સુધ્ધાં નહિ. એ લડવામાં માનતી હતી.

સમય ઝડપથી વીતી રહ્યો હતો. એન્જલ હજીયે અમેય અને ઉત્સવીને મળવા જતી હતી. કોણ જાણે ઉત્સવી પર એ શું અખતરા કરતી હશે. એન્જલ ભલે માનતી હોય કે ઉત્સવીની હત્યાનો આરોપ અમેય પર મુકાઈ શકે. પણ બિલોરી જાણતી હતી કે પોલીસ એટલી મૂરખ નહોતી. છેવટે ગુનેગાર એન્જલ જ ઠરવાની હતી. સગીર વયની હતી એટલે કદાચ અદાલત એને જેલને બદલે રિમાન્ડહોમમાં મોકલી આપશે. પણ બહાર નીકળ્યા પછી એ ફરીથી નોર્મલ લાઈફ નહિ જીવી શકે. મરતા સુધી એના કપાળે બહેનની હત્યારીનું કલંક ચોંટી રહેશે. છેવટે બિલોરીએ એક યા બીજો નિર્ણય લેવો જ પડે, એવા સંજોગ ઊભા થઇ ગયા. એક સાંજે એ ઓફિસમાંથી નીકળતી હતી ત્યાં એને ઉત્સવીનો ફોન આવ્યો.

‘મારી તબિયત વધુ ને વધુ બગડી રહી છે. આ વૈદ નકામો છે. એની કોઈ દવા અસર નથી કરતી. તેં અમેયને કોઈ ડોક્ટરનું નામ આપેલું ને?' બિલોરીને ઘડીક ઉત્સવીની દયા આવી ગઈ. એ બિલોરી સાથે ઝઘડીને ઘરમાંથી નીકળી ગયેલી , પણ અત્યારે એણે કેટલા વિશ્વાસ સાથે બિલોરીને ફોન કર્યો હતો.

‘ડોક્ટર રજની ભાર્ગવ. હું એની અપોઈન્ટમેન્ટ લઇ લઉં છું.' બિલોરીએ કહ્યું અને ડોક્ટરને ફોન કરીને બીજા દિવસની સવારનો ટાઈમ પણ નક્કી કરી નાખ્યો. સંજોગવશાત્ અમેયે એ જ સમયે એક ફિલ્મમાં રોલ માટે ઓડિશન માટે જવાનું હતું. ‘અમેયને મેં કહ્યું નથી કે હું ડોક્ટર પાસે જાઉં છું. અમસ્તો ચિંતા કરે.' ક્લિનિકમાં બિલોરીને મળેલી ઉત્સવીએ કહ્યું.

ડોક્ટરે ઉત્સવીને તપાસી, જાતજાતના સવાલ કર્યા અને પછી ડઝન જેટલાં ટેસ્ટ્સ કરાવવાની સૂચના લખી આપી. ‘કાલે ને કાલે સવારે ખાલી પેટે લેબમાં પહોંચી જજો.' એમણે ભારપૂર્વક કહ્યું. ઉત્સવી એના કામ પરથી રજા લઈને લેબમાં ગઈ, ત્યાંથી બીજાં ઇન્વેસ્ટિગેશન્સ માટે બીજા મેડિકલ સેન્ટરમાં ગઈ. લગભગ પોણો દિવસ એમાં નીકળી ગયો. સાંજે થાકીપાકી એ ઘેર જઈને સૂઈ ગઈ.

‘તું આરામ કર. હું કાલે રિપોર્ટ્સ મંગાવી લઈશ.' બિલોરીએ એને કહી રાખ્યું. એને હવે ખરેખર ચિંતા પેઠી હતી. એન્જલે ઉત્સવીને શું કરી નાખેલું? એ પોતે રિપોર્ટ્સ લેવા અને પછી ડોક્ટરને મળવા ગઈ. કાગળિયાં વાંચવામાં ખાસ્સો સમય કાઢ્યા બાદ ડોક્ટરે ઉપર જોયું ત્યારે એનો ચહેરો ગંભીર હતો. ‘તમારી સિસ્ટરે કહેલું કે એ કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં કામ કરે છે ને?’ 'હા, પેનોરમામાં.'

'આહ, પેનોરમા , વેરી ગુડ હોટેલ. પણ આ રિપોર્ટ્સ પરથી તો પહેલી નજરે એવું લાગે જાણે પેશન્ટ કોઈ હેવી કે ટોક્સિક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હોય, કે પછી એવી જગ્યાએ જ્યાંના હવાપાણી કે ખોરાકમાં ઝેરી ગણાય એવાં કેમિકલ્સ હોય. ડોન્ટ ટેક ઓફેન્સ, પણ એને કોઈ હેવી ડ્રગ્ઝ લેવાની આદત છે?' ‘ઓહ નો.' બિલોરીથી મોટે સાદે બોલાઈ ગયું, અને પછી એણે નમ્ર સાદે કહ્યું, ‘સોરી, અમારી સાથે રહેતી હતી, ત્યારે તો આવી કોઈ આદત નહોતી, પણ અત્યારની ખબર નથી.'

ડોક્ટરે માથું ધુણાવ્યું, ‘આઈ એમ સોરી, પણ પેશન્ટની હાલત બહુ ખરાબ છે. લિવર, કિડની, બધામાં ડેમેજ દેખાય છે. બ્લડ રિપોર્ટ્સ પણ સારા નથી. બીજા ઇન્વેસ્ટિગેશન્સ કરવા પડશે. આઈ થિંક,હોસ્પિટલમાં એડમિટ કરી દો તો સારું.' ‘ક્યારે?' ફફડતા હૃદયે બિલોરીએ પૂછ્યું. ‘જેટલું જલદી કરી શકો એટલું સારું છે.' ડોક્ટરે કહ્યું. અને પછી ઉમેર્યું, ‘હું તો આજે રાતે લંડન જાઉં છું. પણ રઘુવંશી હોસ્પિટલમાં ડોક્ટર શેખાવત છે, તમે કહો તો એને તમારા કેસની વાત કરી રાખું.'

‘થેંક યુ ડોક્ટર, પણ પહેલા હું ઉત્સવી સાથે વાત કરી લઉં.' કહીને બિલોરી ઊભી થઇ.‘હા,અને એવું લાગે તો બીજા ડોક્ટરને બતાવીને સેકન્ડ ઓપિનિયન પણ લઇ શકો છો. પણ જે કરવું હોય એ જલદી કરો. હું માનું છું કે બીજા ડોક્ટર્સ પણ આવી જ સલાહ આપશે.' ભલા ડોક્ટરે કહ્યું. ડોક્ટરનો આભાર માનીને બહાર નીકળેલી બિલોરી જોકે ઉત્સવીને કે બીજા કોઈને ફોન કરવાને બદલે પોતાની ઓફિસમાં જઈને બેઠી. ઉત્સવીના રિપોર્ટ્સ સામે રાખીને એણે ઈન્ટરનેટ પર શોધ આદરી. એનો ડર સાચો પડ્યો. ઉત્સવીના શરીરમાં પોઈઝનની અસર થયેલી.

અને, સમયસર ઈલાજ ન થાય તો આ જીવલેણ નીવડવાની પૂરેપૂરી શક્યતા હતી. ડોક્ટર ભાર્ગવને શંકા પડી ગયેલી. ઉત્સવીને હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી તો શંકા ખાતરીમાં પલટાઈ જવાની. પછી તો કોઈપણ ઘડીએ ઘરના દરવાજે પોલીસ આવીને ઊભી રહી જશે. વિના સારવાર ઉત્સવીને મરવા દેવાય તોયે જોખમ હતું. પોસ્ટમોર્ટમમાં ભાંડો ફૂટી જાય. ‘એન્જલ, તેં આ શું કરી નાખ્યું?' બિલોરી રડવું રોકી ન શકી.

મોડેથી સ્વસ્થ થઈને એણે ઉત્સવીને ફોન કર્યો. ‘ડોક્ટરે રિપોર્ટ્સ જોઈ લીધા. ખાસ ચિંતા કરવા જેવું નથી. થોડા વિટામિન્સની ઊણપ છે, એ તો ટેબ્લેટ્સ અને ઈન્જેક્શન્સથી ઠીક થઇ જશે. તોયે મને થાય છે કે, આપણે બીજા ડોક્ટરને બતાવી દઈએ.' તરત અપેક્ષા મુજબ ઉત્સવીએ વિરોધ નોંધાવ્યો. ‘ના, મારે દસ જગ્યાએ ચક્કર નથી મારવાં. આમ પણ આજે થોડું સારું લાગે છે. કઈ ટેબ્લેટ્સ લેવાની છે?' બિલોરીને પોતાને યાદ હતી એટલી વિટામિન્સની ગોળીઓનાં નામ એને ફોન પર લખાવી દીધાં. ભૂલેચૂકે પણ ઉત્સવી પેલા ડોક્ટર સાથે વાત કરે તો કહેવાનું હતું કે એ ઉત્સવીને ગભરાવવા નહોતી માંગતી.

પછીનો કૉલ એણે જિમી નાયરને કર્યો. ‘તાબડતોબ મુંબઈ આવી જાવ.' ‘શું કામ ?' જિમીએ પૂછ્યું ‘તમારી દીકરીનો જીવ બચાવવા અને પૈસા કમાવા માટે. વધુ વાત રૂબરૂમાં કરશું.' જિમીએ ગુરુવાર સુધીમાં પહોંચી જવાનું પ્રોમિસ આપ્યું. બિલોરીએ પછી મનાલીમાં લકીને ફોન કર્યો. એ તો બીજી જ મિનિટે મુંબઈ ભણી દોટ મૂકવા તૈયાર હતો. એને જોકે છેલ્લી ઘડી સુધી સાચું કહેવાનું નહોતું. માત્ર મુંબઈમાં નોકરીનું ગાજર લટકાવવું કાફી હતું. જોકે લકી મુંબઈ આવી ગયા પછી એને બોલાવવા બદલ બિલોરીને પસ્તાવો થયો.

વગર વિચાર્યે નિર્ણય લેવાની બિલોરીને આદત નહોતી. પણ સંજોગો એવા હતા કે, દિમાગ કામ કરતું બંધ થઇ જાય. જોકે લકીનો ઉપયોગ બીજી રીતે કરવાનો હતો. યુસુફ જેવા ડ્રાઈવરને ખરીદવા માટે ચારપાંચ લાખ રૂપિયા પૂરતા હતા. અને છેલ્લે એણે , એન્જલ માટે કેનેડાના વિઝા મેળવવા ઓનલાઇ એપ્લિકેશન કરી દીધી. ત્યાની કૉલેજીસ ચેક કરવાનું કામ એણે બીજે દિવસે, કોઈ બીજી એજન્સીને સોંપવાનું વિચારી લીધું. એન્જલને કદાચ સ્ટુડન્ટ તરીકે જવા ન મળે, તો ભલે થોડો સમય ટુરિસ્ટ તરીકે ફરી આવે. અત્યારે એને મુંબઈમાં રાખવામાં જોખમ હતું.

બિલોરીએ ઉત્સવીને મારી નાખવાનું નક્કી કરી લીધું. સારવાર ન મળે તો આમ પણ એ મરી જવાની હતી. અને બિલોરીએ ઈન્ટરનેટ પર કરેલી રિસર્ચ કહેતી હતી કે લાંબી ટ્રીટમેન્ટ પેશન્ટને જીવાડી દે તો પણ અમુક ખોડખાંપણ રહી જવાની મોટી શક્યતા હતી. જોકે ઊંડેઊંડે મન જાણતું હતું કે આ બધાં બહાનાં હતાં. ધાર્યું હોત તો બિલોરી દેશના શ્રેષ્ઠ ડોક્ટર પાસે ઉત્સવીની સારવાર કરાવી શકી હોત. પણ એન્જલને બીજા બાળગુનેગારો સાથે રિમાન્ડહોમમાં એક દિવસ રાખવાની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી હતી. ફરી એકવાર બિલોરીએ બેમાંથી એક દીકરીની જિંદગી બધું કીમતી ગણી લીધી.

હોસ્પિટલમાં ખોળામાં રાખેલી ભગવદ્ ગીતા પર હાથ ફેરવતા બિલોરીએ ભૂતકાળ વાગોળી લીધો. જિંદગીમાં બીજી ઘણી ચીજનો અફસોસ એને હતો, પણ એન્જલને બચાવવા માટે ઉત્સવીને મારી નાખવા બદલ હજીયે એને કોઈ પસ્તાવો નહોતો. જિંદગી ફરીથી જીવવા મળે તોયે એન્જલ માટે તો એ એક નહિ એકસો હત્યા કરવાની હતી. અને, આજે છેલ્લી એક જિંદગીનો ભોગ લેવા માટે એ તૈયાર હતી.

આ ઘડીએ જેલમાં સબડી રહેલા જિમી નાયર અને યુસુફ એને યાદ આવી ગયા. એ લોકોને ફાંસી થાય કે ઉંમરકેદ, બિલોરીને પરવા નહોતી. એ બંને ભલે અત્યારે ખૂનના આરોપમાંથી ખુદને બચાવવાના ફાંફાં મારતા હોય, પણ હકીકત એ હતી કે,30મી નવેમ્બરની રાતે કારની છેલ્લી સીટ પર ઉત્સવીને પકડીને એનું ગળું ભીંસી નાખવાનું કામ એ બે જણને હાથે થયેલું. બિલોરીએ એ જ સાંજે ખરીદેલા ફોન પર એ ઘટનાનું રેકોર્ડિંગ કરેલું, અને ઘેર જઈને ભર ઊંઘમાં પડેલી એન્જલને જગાડીને બતાવેલું.

બિલોરીના જન્મદિવસે ખુશખુશાલ ચહેરે પોતે ઉત્સવીની હત્યા કરી નાખી હોવાનો દાવો કરનારી એન્જલ, નજર સામે હત્યા થતી જોઇને થથરી ગયેલી. એણે વચ્ચે આંખો પર હાથ દાબી દીધાં તો એ જબરદસ્તી ખસેડીને બિલોરીએ એને આખી ક્લિપ ફરીથી જોવાની ફરજ પાડી હતી. આજે લાગતું હતું કે એ ન કર્યું હોત તો સારું થાત. એન્જલ જિંદગીભર એ દૃશ્ય ભૂલવાની નહોતી. ઉત્સવીની ફાટી રહેલી આંખો એને મરતાં સુધી સપનામાં આવીને ડરાવવાની હતી. પણ એ રાતે ખબર નહિ, બિલોરીને શું થઇ ગયેલું.

એ એન્જલને ખાતરી કરાવવા માંગતી હતી કે જોઈ લે, તારી દુશ્મન મરી ગઈ? કે પછી એન્જલને કહેવા માંગતી હતી કે, જોઈ લે, હું તને કેટલો પ્રેમ કરું છું, તારા માટે કઈ હદે જઈ શકું છું? જે હોય તે, બીજે દિવસે માલશેજ ઘાટમાં પેલા બે જણે ઉત્સવીના ડેડબોડીને ફેંક્યું, એનાથી થોડે દૂર જઈને એ લોકો ન જુએ એવી જગ્યાએથી બિલોરીએ ફોનનો ઘા કરી દીધેલો. એ ફોન કે લાશ, બેમાંથી પોલીસના હાથમાં હજી કંઈ નહોતું આવ્યું. લાશ તો બળીને કોલસો થઇ ગયેલી, અને ફોન તો કોણ શોધવાનું હતું? જિમી અને યુસુફ કદાચ એ ફોનનું અસ્તિત્વ ભૂલી ગયેલા.

બાકી અત્યાર સુધીમાં તો કમિશનર વાસુકિ બિલોરીનો જીવ ખાઈ ગયા હોત. વાસુકિ ....... બિલોરીના ચહેરા પર સ્મિત ફરકી ગયું. બિચારાએ બિલોરીનું મોઢું ખોલાવવા કેટલી મથામણ કરી હતી. આવતીકાલે કદાચ એ કેસ સોલ્વ થઇ ગયાની જાહેરાત કરશે, લોકોની વાહવાહ મેળવશે. પણ હકીકત એ હતી કે, આટલા દિવસ એને હંફાવનારી બિલોરીએ સામે ચાલીને હથિયાર હેઠાં મૂકી દેવાનું નક્કી કર્યું હતું.અને કારણ એક જ હતું, એન્જલ.

ઉત્સવીની હત્યા થઇ, એના બીજે જ મહિને એન્જલને કેનેડા મોકલી દેવામાં બિલોરીને સફળતા મળેલી. ફરીફરીને એણે એન્જલને કહેલું, ગમે તે થઇ જાય, તું સામેથી ચાલીને હવે ઇન્ડિયા નહિ આવતી. ‘મમ્મા, તમે તો કેનેડા આવશો ને?' એન્જલે રડમસ અવાજે પૂછ્યું હતું.જવાબ આપવાને બદલે બિલોરીએ ભેટીને એનું માથું ચૂમી લીધેલું. પછીના દિવસો બિલોરીએ ધાર્યું નહોતું એટલી સરળતાથી નીકળી ગયા. ઉત્સવી અમેરિકા જતી રહી એ વાત એક અમેય સિવાય બીજા બધાંએ સ્વીકારી લીધી. વાત જેમના ગળે નહોતી ઊતરી એ લોકો ચૂપ રહ્યાં.

સહુથી મોટું આશ્ચર્ય કહો તો એ વાતનું હતું કે, ઘર ખાલી થઇ ગયા બાદ બિલોરી અને અધિરથના સંબંધ પાછા સુધર્યા હતા. કારણ ગમે તે હોય, પણ છેલ્લા ઘણા સમયથી બિલોરીથી વિમુખ થઇ ગયેલા અધિરથે ફરી એના તરફ ધ્યાન આપવાનું શરૂ કરેલું. જોકે ઉત્સવીની હત્યાના આરોપસર બિલોરીની ધરપકડ થઇ, એ પછી અધિરથ એકવાર પણ એને મળવા નહોતો આવ્યો. એ કદાચ બિલોરીને બિઝનેસમાં ગયેલી ખોટ માનીને વિસારે પાડી દેવા મથતો હશે. અધિરથ એન્જલનું કેટલું ધ્યાન રાખશે એ બિલોરી નહોતી જાણતી.

પરંતુ ન રાખે તોયે એન્જલને હજી બીજાં કમસે કમ પાંચ વરસ તો વાંધો ન આવે, એટલી આર્થિક વ્યવસ્થા બિલોરીએ કરી રાખી હતી. અને પછી તો એ પોતાનું ફોડી લેશે, એવો ભરોસો બિલોરીને પોતાની દીકરીમાં હતો. બસ, પ્રાર્થના એક જ કરવાની હતી કે, એન્જલ પછી ઇન્ડિયા ન આવે. કમસે કમ આ કેસ ચાલે ત્યાં સુધી તો નહીં જ. પણ વકીલ કાવસજી બાનાએ આવીને કહ્યું કે એન્જલે ઇન્ડિયા આવવાની વાત કરતી હતી, કદાચ એ પોતે એવું ઈચ્છતા હતા.

અને એટલે જ બિલોરીએ સામે ચાલીને કેસ પૂરો કરી નાખવાનું નક્કી કરી નાખ્યું હતું. અને સાચું કહો તો હવે એ થાકી પણ ગયેલી. હવે બસ, થોડા કલાકોની વાર હતી. બિલોરીએ બેલ મારી. રાતનું શાંત વાતાવરણ ખળભળી ઊઠ્યું. બહાર બેસીને ઝોકાં ખાઈ રહેલો કોન્સ્ટેબલ ચમકીને ઊભો થઇ ગયો. ક્યા હૈ, એવું કઈ બબડીને એણે બહારથી બંધ કરેલો દરવાજો ખોલ્યો. એની પાછળ કટાણું મોઢું લઈને નર્સ રૂમમાં પ્રવેશી.અને પર્વતની પાછળથી સૂરજ ડોકિયું મારતો હોય, એમ છેલ્લે પેલો ડોક્ટર પ્રકટ્યો, જેણે પહેલીવાર બિલોરીને જોઇને દાખવેલી સહાનુભુતિ હજી જાળવી રાખેલી.

‘બોલો,શું થયું?' કોઈ કેદી માટે ન વાપરી હોય, એવી સૌમ્ય ભાષામાં એણે પૃચ્છા કરી. ‘ડોક્ટર, તમારી સાથે બે મિનિટ વાત કરવી છે.' બિલોરીએ કહ્યું. ‘હા બોલો.' ડોક્ટરે કહ્યું. પણ બોલવાને બદલે બિલોરીએ રૂમમાં ઊભેલા બીજા બે જણ સામે જોયું. મોઢું ફુલાવીને નર્સે ત્યાંથી ચાલતી પકડી. કોન્સ્ટેબલ થોડો ખચકાયો, અને પછી દરવાજા પાસે જઈને ઊભો રહ્યો. બિલોરીએ હાથથી ઈશારો કરીને ડોક્ટરને પોતાની નજીક બોલાવ્યો અને પછી હળવે અવાજે પૂછ્યું, ‘મારું એક કામ કરશો પ્લીઝ?' ‘શું?' ‘મારી ડોટર એન્જલ કેનેડામાં ભણે છે, એને એક મેસેજ આપવો છે.'

‘કેવો મેસેજ?' ‘કે ગમે તે થાય, એણે ઇન્ડિયા નથી આવવાનું. એને કહેજો કે મમ્માની આ છેલ્લી ઈચ્છા હતી.' ‘અરે, છેલ્લી ઈચ્છા શું કામ બોલો છો?' ડોક્ટરે કહ્યું.અને પછી દરવાજે ઊભેલા કોન્સ્ટેબલની હાજરીનો ખ્યાલ આવ્યો હોય એમ થોડા ઓછપાઈને કહ્યું, ‘આઈ વિલ ટ્રાય, નંબર છે તમારી પાસે?’બિલોરીએ એને નંબર આપ્યો. ડોક્ટર ગયા, કોન્સ્ટેબલે દરવાજો બંધ કર્યો.

બાજુમાં મૂકેલી ગીતા પાછી ખોળામાં લઈને બિલોરીએ પહેલું પાનું ખોલ્યું. સામેથી એન્જલે સ્મિત આપ્યું. પણ આ વખતે ત્યાં અટકી જવાને બદલે બિલોરીએ જીભ પર આંગળી મૂકીને ભીની કરી, અને ચોંટી ગયેલું પાનું ફેરવ્યું. સાવ આછા અજવાળામાં અક્ષર ઊકલતા નહોતા, પણ બિલોરીને ક્યાં વાંચવું હતું? એણે ફરીથી જીભ પર ભીની કરેલી આંગળી વડે પાનું ફેરવ્યું. લગભગ બારમે પાને પહોંચ્યા પછી એની આંખો ઘેરાવા લાગી. ઘણા સમય પહેલાં એણે ક્યાંક વાંચેલું કે કાગળ પર લગાડેલું કાતિલ ઝેર વર્ષો સુધી સચવાઈ રહે છે. બિલોરીએ પ્રાર્થના કરી લીધી કે, બે વરસ પહેલાં આ ગીતાના પાનેપાને લગાડી રાખેલા કાતિલ ઝેરની અસર હજી ટકી રહી હોય..
ગીતાના છેલ્લા પાને પહોંચીને બિલોરીએ પથારીમાં લંબાવ્યું. કાયમ માટે આંખ મીંચી દેતા પહેલાં એણે ફરી એકવાર પહેલા પાના પર લગાડેલી તસવીર જોવાની કોશિશ કરી, પણ એન્જલ ત્યાં દેખાઈ નહિ. ક્યાં ગઈ? બિલોરીએ અચાનક ભય અનુભવ્યો. અંધકાર હવે એના અંગેઅંગને ભીંસ દઈ રહ્યો હતો.‘એન્જલ' એણે ચીસ પાડી. ‘હા, હું અહી જ છું તારી પાસે.' કોઈએ સાવ નજીક આવીને એના કાનમાં કહ્યું. અવાજ પરિચિત હતો પણ એન્જલનો નહોતો. શરીરમાં હતી એટલી બધી તાકાત ભેગી કરીને બિલોરીએ આંખો ખોલી. સામે એન્જલ હતી, પણ એની બાજુમાં કોણ હતું? ‘ઉત્સવી?' બિલોરીના હોઠ છેલ્લીવાર ફફડ્યા અને પછી કાયમ માટે બંધ થઇ ગયા.

સમાપ્ત